પીઆઈ ચીરાગ જાદવ અને ટીમની કાર્યવાહીઃ ભાડે આપેલ એકાઉન્ટ ધારક સહિત મુખ્ય સુત્રધાર સુધી પહોંચવા કવાયત
મ્યુલ એકાઉન્ટ્સ ધારકના નામે સીમકાર્ડ લઇ, સાયબર ફ્રોડના નાણા બીજા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી, આંગડીયામાં હવાલા મારફતે રોકડ મેળવી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચતા’તાં
રાજકોટ. તા.13
‘મ્યુલ હંટ 2.0’ અંતર્ગત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે.
હોટલ સમ્રાટમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો પાડી હોટલનો રૂમ નં.310 ભાડે રાખી રવિન્દ્ર જૈન તેના ભાગીદાર વિનોદ શંકા સાથે મળી ત્રણ મોબાઈલ મારફત ચાલતા કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈનો ગઠિયો સાયબર ફ્રોડના નાણાં મેળવી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતો હોવાનું ખુલતાં તપાસનો ધમધમાટ આદર્યો છે.
બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ચીરાગકુમાર જાદવ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે એએસઆઈ રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા, ગિરિરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ત્રીકોણબાગ ખાતે પહોંચતા ખાનગી રાહે હકીકત મળેલ કે, એક વ્યકિત જે હાલમાં હોટલ સમ્રાટ ઇન્ટરનેશનલ હોટલના રૂમ નં.310 માં રોકાયેલ છે. જે પોતાના મોબાઇલ ફોનમાંથી મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરી સાયબર ફ્રોડના નાણાનો ગેરકાયદેસર રીતે હવાલા મારફતે લેતીદેતી કરે છે.
જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે હોટલ સમ્રાટ ઇન્ટરનેશનલના મેઇન ગેઇટથી હોટલમાં પ્રવેશ કરી ત્રીજા માળે રૂમ નં.310 માં દરોડો પાડતાં ત્યાં હાજર શખ્સને અટકમાં લઈ નામ પુછતા પોતે પોતાનુ નામ રવિન્દ્ર ઘેવરચંદ જૈન (ઉવ.41),(ધંધો વેપાર, રહે. સોનાવાલા બિલ્ડીંગ, બિલ્ડીંગ નં. 8/ઈ, ફલેટ નં.74, ગંગા જમુના થીએટરની સા મે, તારડેવ, સ્લેટર રોડ, મુંબઇ) હોવાનુ જણાવેલ હતું.
રૂમમાં જોતા એક ટેબલ ઉપર ત્રણ મોબાઇલ ફોન પડેલ હોય જે મોબાઇલ ફોન બાબતે આરોપીની પુછપરછ કરતા પોતાના હોવાનુ જણાવેલ, જેથી ત્રણેય મોબાઇલ ફોન વારા ફરતી ચેક કરતા મેસેજમાં આર.બી.એલ. બેંકના ઓટીપી આવેલના અલગ અલગ મેસેજ સ્ટોર થયેલ જોવામાં આવેલ, જે અંગે પુછપરછ કરતા તે શખ્સે જણાવેલ કે, મોબાઇલ મ્યુલ એકાઉન્ટની કીટ માટેનો છે.
જેમાં પોતે તથા પોતાનો પાર્ટનર વિનોદ કિશોરમલ શંકા, (રહે. મુંબઈ) બંન્નેએ અન્ય વ્યકિતઓ સાથે છેતરપીંડી કરી તેઓના નામે મ્યુલ એકાઉન્ટ્સ ખોલી, તે વ્યકિતઓના નામે સીમકાર્ડ લઇ, એક મ્યુલ એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણા બીજા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી, બીજા મ્યુલ એકાઉન્ટ હેન્ડલર પાસેથી આંગડીયામાં હવાલા મારફતે રોકડ રૂપિયા લઈ, પહેલા મ્યુલ એકાઉન્ટ હેન્ડલર સુધી સાયબર ફ્રોડના નાણા પહોંચાડી કમીશન મેળવતા હોવાનુ જણાવેલ હતું.
ત્યારબાદ અન્ય મોબાઇલ ફોન ચેક કરતા તેમાં અલગ અલગ કંપનીઓના નામ તથા કંપનીના બેંક એકાઉન્ટ નંબર, એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ રૂપિયાના સ્ક્રીન શોટ તથા રૂપિયાના વ્યવહારના આકડાની ચીઠ્ઠીઓના ફોટા તથા રૂપિયા 2, 5, 10, 20 ની ચલણી નોટોના ફોટો સ્ટોર થયેલ જોવામાં આવેલ હતાં.
જે બાબતે પુછપરછ કરતા પોતે જણાવેલ કે, આ તમામ વિગત મ્યુલ એકાઉન્ટની છે. આ તમામ મ્યુલ એકાઉન્ટમાં પોતે તથા પોતાનો પાર્ટનર વિનોદ સંકા અલગ અલગ એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણાને અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ તેમજ અમુક રકમ આંગડીયા મારફતે રોકડ રૂપિયાની લેતીદેતી વખતે આપેલ ચલણી નોટોના ફોટોગ્રાફસ હોવાનુ જણાવેલ હતું.
ત્યારબાદ અન્ય મોબાઇલ ફોન ચેક કરતા વ્હોટસએપ એપ્લીકેશનમાં જોતા TEAM5/JIMMY, Bombay 2 નામના વ્હોટસએપ ગ્રુપ જોવામાં આવેલ જે બંન્ને ગ્રુપ ખોલી જોતા બેંક ટ્રાન્ઝેકશનના સ્ક્રીનશોટ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ, ચલણી નોટોના ફોટા, હિસાબોની રકમના મેસેજ જોવામાં આવેલ. જે અંગે પુછપરછ કરતા શખ્સે જણાવેલ કે, આ તમામ વિગત મ્યુલ એકાઉન્ટની હોય આ તમામ મ્યુલ એકાઉન્ટમાં પોતે તથા પોતાનો પાર્ટનર વિનોદ શંકાએ અન્ય વ્યકિતઓ સાથે છેતરપીંડી કરી તેઓના નામે મ્યુલ એકાઉન્ટ્સ ખોલી, તે વ્યકિતઓના નામે સીમકાર્ડ લઇ, એક મ્યુલ એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણા બીજા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી.
બીજા મ્યુલ એકાઉન્ટ હેન્ડલર પાસેથી આંગડીયામાં હવાલા મારફતે રોકડ રૂપિયા લઈ, પહેલા મ્યુલ એકાઉન્ટ હેન્ડલર સુધી સાયબર ફ્રોડના નાણા પહોંચાડી કમીશન મેળવતા હોવાનુ જણાવેલ હતું.
જે તમામ મ્યુલ એકાઉન્ટની ક્રાઇમ રેકર્ડ તેમજ એન.સી.સી.આર.પી. પોર્ટલ ચેક કરતા એક કરતા વધુ ફરીયાદો અને અરજીઓ દાખલ થયેલ હોવાનુ જણાયેલ હતું. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રવિન્દ્ર ઘેવરચંદ જૈનની ધરપકડ કરી ત્રણેય મોબાઈલ કબ્જે કરી પૂછતાછ આદરી હતી. જ્યારે મુંબઈના વિનોદ કિશોરમલને પકડવા તજવીજ આદરી હતી.