ભારતમાં રહેતા લોકોને ક્યારેક ને ક્યારેક એવો વિચાર આવ્યો હશે કે અમેરિકામાં તો લોકો ડોલરમાં કમાણી કરે છે, એટલે ત્યાં રહેતા લોકોની જિંદગી ખૂબ જ આરામથી પસાર થતી હશે. પરંતુ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી ભારતીય મહિલા મનીષા ચૌધરીએ આ ધારણા પર અલગ જ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી જણાવ્યું કે, અમેરિકાનો એક સુંદર બે એરિયા (Bay Area) જેટલો જોવામાં આકર્ષક છે, ત્યાં રહેવાનું એટલું જ મોંઘું છે.વીડિયોમાં મનીષા જણાવે છે કે, બે એરિયામાં એક ઘરનું ભાડું સામાન્ય રીતે 3,500 થી 4,500 ડોલર (આશરે 3 લાખથી 3.9 લાખ રૂપિયા) પ્રતિ મહિનાથી શરૂ થાય છે. એટલે કે માત્ર ભાડામાં જ ઘણાં લોકોની કમાણીનો મોટો ભાગ ખર્ચ થઈ જાય છે.
મનીષા અનુસાર એક પરિવારના મહિનાના કરિયાણાનો ખર્ચ 800 થી 1,200 ડોલર (આશરે 68 હજારથી 1.03 લાખ રૂપિયા) સુધી પહોંચી શકે છે. જો પરિવારમાં નાનું બાળક હોય તો ડાયપર, દૂધ, સ્નેક્સ, રમકડાં અને બીજા અન્ય જરૂરી ખર્ચા માટે અલગ બજેટ બનાવવું પડે છે.તેણે જણાવ્યું કે, અમેરિકામાં કારની જરૂર પડે છે, પરંતુ તેની સાથે ઘણાં ખર્ચ પણ જોડાયેલા હોય છે. કારની ઈએમઆઈ, ઇન્શ્યોરન્સ, પેટ્રોલ અને મેન્ટેનન્સ મળીને દર મહિને સારી એવી રકમ ખર્ચ થઈ જાય છે. આ ખર્ચ એ વાત પર નિર્ભર છે કે, કાર કઈ છે અને તેનું ઇન્શ્યોરન્સ કેટલું આવે છે.
મનીષાનું કહેવું છે કે, આ જ કારણ છે કે અમેરિકાના બે એરિયામાં સારો પગાર મેળવતા લોકો પણ દર મહિને બજેટ બનાવીને ચાલે છે. જો કે તેઓનું માનવું છે કે, મોંઘું હોવા છતાં કેલિફોર્નિયા રહેવા માટે અમેરિકાની સૌથી શાનદાર જગ્યાઓમાંથી એક છે.
વીડિયો વાયરલ થયા પછી ઘણાં લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો. એક યૂઝરે લખ્યું કે “બે એરિયાનો પગાર ત્યાં સુધી મોટો લાગે છે, જ્યાં સુધી ભાડું અને બાળકનો ખર્ચ સામે આવતો નથી.” બીજાએ લખ્યું કે, “ભારતના લોકો વિચારે છે કે, ડોલરમાં કમાતા લોકો અમીર હોય છે, પરંતુ ત્યાં ખર્ચો પણ ડોલરમાં જ થાય છે.” એક અન્ય યૂઝરે કહ્યું કે, “કમાણી ગમે તેટલી હોય, બજેટ બનાવવું જરૂરી છે.” ત્યારે એક યૂઝરે લખ્યું કે, “સૈન હોજે ખૂબ જ સુંદર છે, પરંતુ અહીં એ જ લોકો આરામથી રહી શકે છે, જે પોતાનું ફાઈનાન્શિયલ પ્લાનિંગ સારી રીતે કરે છે.”મનીષાનો વીડિયો માત્ર કેલિફોર્નિયાના ખર્ચાનો હિસાબ નથી દર્શાવતો, પરંતુ એ પણ સમજાવે છે કે, વિદેશમાં મોટી કમાણી સાથે મોટી જવાબદારીઓ અને ખર્ચા પણ આવે છે. એ જ કારણ છે કે, અમેરિકા જવાનો નિર્ણય માત્ર સેલેરી જોઈને નહીં, પરંતુ ત્યાંની રહેણી-કરણીમાં થતો જાણ્યા પછી કરવો જોઈએ.
