ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આજે જૂનાગઢ, નવસારી, અમદાવાદ, અરવલ્લી અને કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝરમર વરસાદ અને વરસાદી ઝાપટાં પડ્યા છે. આ વરસાદથી ક્યાંક લોકોને કાળઝાળ ગરમી અને અસહ્ય બફારામાંથી આંશિક રાહત મળી છે, તો ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ વધતા લોકો પરસેવે રેબઝેબ પણ થયા છે.બીજી તરફ વાવણીલાયક વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આ ઝાપટાં પડવાથી એક નવી આશા અને ખુશીનો સંચાર થયો છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો, અહીં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના મેંદરડા અને માળીયા તાલુકા તેમજ ગડુ, શેરગઢ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા લોકોને ભારે બફારામાંથી થોડી રાહત મળી હતી. આ તરફ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં પણ પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. શહેરના સર્કિટ હાઉસ અને ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ચોમાસાની સત્તાવાર એન્ટ્રી હજુ બાકી હોવાથી ખેડૂતો અને શહેરીજનો હજુ પણ સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.આ ઉપરાંત મેગાસિટી અમદાવાદના અમુક વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે. શહેરના બોપલ અને શેલા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે, જ્યારે પ્રહલાદનગર વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા પડ્યા હતા. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ભિલોડા શહેર અને ધોલવાણી, લીલછા જેવા ગ્રામ્ય પંથકમાં વરસાદ પડવાથી વાતાવરણ એકદમ ઠંડુગાર થઈ ગયું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.દિલ્હી (18 જૂન): રાજધાની દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 60 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કાલે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ 31 ડિગ્રી રહેવાની સંભાવના છે.
ઉત્તર પ્રદેશ (18 જૂન): નોઈડા (ગૌતમ બુદ્ધ નગર), મેરઠ, આગ્રા, કાનપુર, લખનૌ સહિતના અનેક જિલ્લાઓમાં 70 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ છે. લખનૌમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહી શકે છે.
બિહાર (18 થી 20 જૂન): પટના, ચંપારણ, મુઝફ્ફરપુર, ભાગલપુર સહિતના વિસ્તારોમાં 70 થી 75 કિમીની ઝડપે તોફાની પવન સાથે વરસાદની ચેતવણી છે. પટનામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે.
ઝારખંડ (18 અને 19 જૂન): બોકારો, ધનબાદ, રાંચી સહિતના વિસ્તારોમાં 50 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાંચીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ તરફ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ છે. જોકે, ગુજરાતમાં અત્યારે નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મોટો ભાગે હવામાન સૂકું રહ્યું છે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આગામી 7 દિવસ સુધી પણ તાપમાન આવું જ રહેવાની ધા રણા છે.
