ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ

Spread the love

પ્રાણી કલ્યાણ અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા રોકવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હવે ઉંદર અને અન્ય રોડન્ટ પકડવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે. આ પ્રતિબંધ હેઠળ ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ તેમજ ઉપયોગ ચારેય બાબતો પર રોક લગાવવામાં આવી છે.વર્ષોથી ઘર, ઓફિસ, ગોડાઉન, ઉદ્યોગો અને વ્યાવસાયિક સંસ્થાઓમાં ઉંદરોને પકડવા માટે ગ્લુ ટ્રેપનો વ્યાપક ઉપયોગ થતો રહ્યો છે. દેખાવમાં સામાન્ય લાગતા આ ચિપકતા ફંદા પ્રાણીઓ માટે અત્યંત પીડાદાયક સાબિત થતા હોવાનું માનવામાં આવે છે. ગ્લુ ટ્રેપમાં ફસાયેલા ઉંદર કે અન્ય નાના પ્રાણીઓ લાંબા સમય સુધી બહાર નીકળી શકતા નથી. મુક્ત થવાના પ્રયાસમાં તેઓ ખુદને ગંભીર ઇજાઓ પહોંચાડે છે અને ઘણી વખત ભૂખ, તરસ, થાક અથવા અન્ય કારણોસર મૃત્યું પામે છે.

ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અથવા ઉપયોગ નહિ કરી શકો

 

રાજ્ય સરકારના ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આવી પદ્ધતિ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા સમાન છે અને તેને રોકવા માટે હવે કડક પગલાં લેવામાં આવશે. આ નિર્ણય પ્રાણી કલ્યાણ સંબંધિત સંસ્થાઓ અને પ્રાણી અધિકાર માટે કાર્યરત સંગઠનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી માંગણીઓની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ પ્રતિબંધ અમલમાં આવ્યા બાદ હવે કોઈપણ વ્યક્તિ, વેપારી, ડીલર અથવા સંસ્થા ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અથવા ઉપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. રાજ્ય સરકારે જિલ્લા સ્તરે સંબંધિત તંત્રને અમલવારી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. ખાસ કરીને જિલ્લા એસપીસીએ અને સ્થાનિક પોલીસ તંત્રને નિયમોના ભંગ અંગે કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.

આ નિર્ણયનો સૌથી વધુ પ્રભાવ પેસ્ટ કન્ટ્રોલ, હાર્ડવેર, કૃષિ સામગ્રી અને ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ વેચતા વેપારીઓ પર પડી શકે છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં દુકાનોમાં ગ્લુ ટ્રેપ સરળતાથી ઉપલબ્ધ રહેતા હતા. હવે આ તમામ વેપારીઓએ સ્ટોક દૂર કરવો પડશે અને વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *