ડિજિટલ યુગમાં વધતા સાયબર જોખમો સામે યુવાનોને સજ્જ બનાવવા માટે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે 18થી 29 જૂન, 2026 દરમિયાન 12 દિવસીય “સાયબર ડિફેન્ડર કોર્સ (CDC)”નું આયોજન કરવામાં આવ્યું છે. NCC ગુજરાત ડિરેક્ટોરેટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (NIELIT)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કોર્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 160થી વધુ સિનિયર ડિવિઝન (SD) અને સિનિયર વિંગ (SW) NCC કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે.
160થી વધુ કેડેટ્સને એથિકલ હેકિંગ સહિતની તાલીમ અપાશે
60 કલાકના આ સઘન તાલીમ કાર્યક્રમમાં કેડેટ્સને સાયબર સિક્યુરિટીના મૂળભૂત સિદ્ધાંતો, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, CIA ટ્રાયડ, એથિકલ હેકિંગ અને પેનેટ્રેશન ટેસ્ટિંગ, સાયબર કાયદા, મોબાઇલ સુરક્ષા, સાયબર ફ્રોડ નિવારણ, ડિજિટલ બેંકિંગ સલામતી તેમજ લાઇવ સાયબર સિમ્યુલેશન જેવી અદ્યતન બાબતો અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ડિજિટલ માળખાની સુરક્ષામાં યોગદાન આપી શકે તેવા નાગરિકો તૈયાર કરવાનો ઉદ્દેશ
NCC ગુજરાત ડિરેક્ટોરેટના એડિશનલ ડિરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગા (SM, VSM)ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કોર્સનો હેતુ યુવાનોમાં સાયબર જાગૃતિ વધારવાનો, ડિજિટલ સુરક્ષા અંગે જવાબદારીનો ભાવ વિકસાવવાનો અને દેશના ડિજિટલ માળખાની સુરક્ષામાં યોગદાન આપી શકે તેવા સજાગ નાગરિકો તૈયાર કરવાનો છે.
રીવાબાના હસ્તે કોર્સનું ઉદ્ઘાટન
કોર્સનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેજર જનરલ બિમલ મોંગા, બ્રિગેડિયર એસ.એસ. જામવાલ, કર્નલ મુનીશ જસોટિયા, RRUના પ્રો-વાઇસ ચાન્સેલર ડો. કલ્પેશ એચ. વાંદ્રા, રજિસ્ટ્રાર ડો. ધર્મેશકુમાર પ્રજાપતિ અને લેફ્ટનન્ટ (ડો.) ગૌરવ સિંહ કુશવાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
NCC કેડેટ્સ ભવિષ્યમાં સાયબર જાગૃતિના દૂત બનશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ પોતાના કેમ્પસ, તાલીમ સુવિધાઓ અને આધુનિક શૈક્ષણિક માળખા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) બિમલ એન. પટેલના નેતૃત્વ હેઠળ સુરક્ષા શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ માટે ક્ષમતા વિકાસના ક્ષેત્રમાં યુનિવર્સિટી સતત કાર્યરત છે.
સાયબર ડિફેન્ડર કોર્સ દ્વારા તાલીમ મેળવતા NCC કેડેટ્સ ભવિષ્યમાં સાયબર જાગૃતિના દૂત બની દેશને વધુ સુરક્ષિત, સશક્ત અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવા યોગદાન આપશે. “વિકસિત ભારત 2047″ના વિઝનને સાકાર કરવામાં પણ આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે.
