ગાંધીનગરમાં ગુરુ-શિષ્યના સંબંધને લજવતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ભુતપૂર્વ વિદ્યાર્થીએ જ પોતાના અંગ્રેજીના પ્રોફેસર સાથે વિશ્વાસઘાત કરી નવ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને નકલી દસ્તાવેજોના જોરે કુલ રૂ.70.23 લાખની મસમોટી છેતરપિંડી આચરી છે. આ સમગ્ર મામલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શિષ્યે જ ગુરુનું 70.23 લાખનું ફુલેકું ફેરવ્યું ગાંધીનગરના સેક્ટર 4ડી પ્લોટ નંબર 941/1માં રહેતા યોગેશકુમાર રમણલાલ પટેલ હાલમાં ઈડર ખાતે ત્રણ શાળાઓનું સંચાલન કરે છે અને સેક્ટર-6માં યુનીક સીનર્જી નામે કોચિંગ કન્સલટન્સી ચલાવે છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી વીસ વર્ષ પહેલાં તેઓ સેક્ટર-23ની કોમર્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. તે સમયે આરોપી જૈમિન પ્રહલાદભાઈ પટેલ (રહે. પ્લોટ નં.1062, સેક્ટર-13 સી) તેમનો વિદ્યાર્થી હતો.
જૂનો વિદ્યાર્થી હોવાના નાતે પ્રોફેસરે આંખ બંધ કરીને ભરોસો કરી લીધો ગત તારીખ 10 માર્ચ 2023ના રોજ સેક્ટર-11ના મેઘ મલ્હાર બિલ્ડિંગ પાસેથી પસાર થતી વખતે બંનેની અચાનક મુલાકાત થઈ હતી. ત્યારે જૈમિને જણાવ્યું કે, તે યુનિવર્સલ ઈમિગ્રેશન નામે કન્સલટન્સી ચલાવે છે અને કેનેડા પી.આર. તથા ન્યૂઝીલેન્ડ વર્ક પરમિટનું મોટું કામ કરે છે. જૂનો વિદ્યાર્થી હોવાના નાતે પ્રોફેસરે તેના પર આંખ બંધ કરીને ભરોસો કરી લીધો.
અલગ-અલગ બહાને 70.23 લાખ પડાવી લીધા બાદમાં યોગેશકુમારના કોચિંગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓએ વિદેશ જવાની ઈચ્છા દર્શાવતા તેમણે નવ વિદ્યાર્થીઓની ફાઈલો અને પ્રોસેસ જૈમિનને સોંપી હતી. તારીખ 4 એપ્રિલ 2023થી લઈને 30 જૂન 2024 સુધીના સમયગાળા દરમિયાન આરોપી જૈમિને અલગ-અલગ બહાને ક્યારેક રોકડા તો ક્યારેક બેંક ખાતામાં RTGS મારફતે કુલ રૂ. 70.23 લાખ મેળવી લીધા હતા.
મેઈલ કર્યો ને નકલી જોબ લેટરનો ભાંડો ફૂટ્યો જોકે લાંબો સમય થવા છતાં કામ ન થયું અને વિદ્યાર્થીઓએ પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપી જૈમિને ન્યૂઝીલેન્ડની જી.બી.કોર્પ લિમિટેડ કંપનીના એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ અને જોબ ઓફર લેટર આપ્યા હતા. જોકે પ્રોફેસર યોગેશકુમારે ઓગસ્ટ 2025માં પોતાના સત્તાવાર ઈમેઈલ આઈડી પરથી ન્યૂઝીલેન્ડની કંપનીને વેરિફિકેશન માટે મેઈલ કર્યો ત્યારે કંપનીએ સત્તાવાર વળતો મેઈલ કરીને સ્પષ્ટ કર્યું કે આ તમામ જોબ ઓફર લેટર સંપૂર્ણપણે ખોટા અને નકલી છે. કંપની દ્વારા આવો કોઈ લેટર ઈસ્યુ કરાયો નથી.
પ્રોફસરે ગોલ્ડ લોન પણ લીધી હતી, અંતે ફરિયાદ નોંધાવી હતી આખરે વિદ્યાર્થીઓ તરફથી સામાજિક અને કાયદાકીય દબાણ આવતા પ્રોફેસર યોગેશકુમારે પોતાની બજારમાં આબરૂ અને શાખ બચાવવા માટે પત્નીના સોનાના દાગીના બેંક ઓફ બરોડામાં ગિરવે મૂકી ગોલ્ડ લોન લીધી હતી તથા બેંક ઓફ બરોડા મોડાસા ખાતેથી કિસાન લોન મેળવીને રૂ. 70.23 લાખની સગવડ કરી તમામ વિદ્યાર્થીઓને તેમના પૈસા પરત ચૂકવી દીધા હતા. આ મામલે યોગેશકુમારે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં લેખિત પુરાવા અને નકલી જોબ લેટર્સ સાથે ફરિયાદ નોંધાવી છે.
