ગુજરાતમાં ભૂમાફિયાઓ અને જમીન કૌભાંડીઓ કઈ હદ સુધી જઈ શકે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજાએ અરવલ્લી જિલ્લાના બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરી હેઠળ આચરાયેલા એક હાઈપ્રોફાઈલ અને કથિત ‘અલૌકિક’ જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડની વિગતો એટલી વિચિત્ર છે કે સરકારી તંત્રની પોલ સરેઆમ ખુલ્લી પડી ગઈ છે.
ભૂમાફિયાઓએ કરોડો રૂપિયાની કિંમત ધરાવતી 9 વીઘા જમીન સગેવગે કરવા માટે વર્ષ 1972માં એટલે કે 53 વર્ષ અગાઉ મૃત્યુ પામેલા એક ખેડૂતને વર્ષ 2025 જીવતા દર્શાવી દીધા હતા
યુવરાજસિંહ જાડેજાએ દસ્તાવેજી પુરાવા સાથે ખુલાસો કર્યો
યુવરાજસિંહ જાડેજાએ દસ્તાવેજી પુરાવા સાથે ખુલાસો કર્યો છે કે, જે ખેડૂતનું અવસાન 1972માં થયું હતું, તેમના નામે વર્ષ 2010માં સરકારી ઓળખપત્ર આધાર કાર્ડ કઢાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, કૌભાંડની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે 8 એપ્રિલ 2025ના રોજ બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં આ મૃતક ખેડૂતના નામે બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન પણ સફળતાપૂર્વક કરાવી લેવામાં આવ્યું. આ નકલી ઓળખપત્રો બનાવવામાં ભૂમાફિયાઓ એવી ઉતાવળમાં હતા કે દસ્તાવેજમાં દાદાની ઉંમર તેમના સગા પૌત્ર કરતાં પણ 8 વર્ષ નાની દર્શાવી દીધી હતી.
બેંકિંગ ફ્રોડ અને ભાડૂતી સાક્ષીઓનું વ્યવસ્થિત નેટવર્ક
આ સમગ્ર ખેલ પાછળ મોટું બેંકિંગ ફ્રોડ અને ભાડૂતી સાક્ષીઓનું વ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યું હોવાના આક્ષેપ કરાયા છે. ભાડૂતી સાક્ષીઓ ઊભા કરીને અને ખોટા બેંક ખાતાઓ ખોલાવીને કરોડો રૂપિયાની આ જમીન ઓળવી લેવામાં આવી છે.
કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ
યુવરાજસિંહ જાડેજાએ ડિજિટલ સિક્યોરિટી અને વહીવટી તંત્રની કામગીરી સામે વેધક સવાલો ઉઠાવતા મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ પાસે આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ અને દોષિત અધિકારીઓ તેમજ ભૂમાફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.