કેન્દ્ર સરકારે દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 16 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર હવે રોક લગાવવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ દવાઓના કેટલાક સંયોજનો અંગે નિષ્ણાત સમિતિઓએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ દવાઓના ઉપયોગથી દર્દીઓને મળતા લાભને સમર્થન આપતા પૂરતા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી.
તેથી જાહેર આરોગ્યના હિતમાં સરકારે આ કાર્યવાહી કરવી જરૂરી ગણાવી છે.
2021થી ચાલી રહી હતી સમીક્ષા પ્રક્રિયાઆ દવાઓની સમીક્ષા પ્રક્રિયા કોઈ એક દિવસમાં લેવામાં આવેલો નિર્ણય નહોતો. વર્ષ 2021થી જ વિવિધ નિષ્ણાત સમિતિઓ, ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) અને તેની પેટા-સમિતિ દ્વારા આ દવાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ઉપલબ્ધ સંશોધન, ક્લિનિકલ ડેટા અને તબીબી અભ્યાસોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. સાથે જ ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને અન્ય સંબંધિત પક્ષોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. જોકે, રજૂ કરાયેલા તારણો નિષ્ણાતોને સંતોષકારક લાગ્યા નહોતા. અંતે ડિસેમ્બર 2024માં પેટા-સમિતિએ તમામ 16 દવા સંયોજનો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.
એન્ટિબાયોટિક્સ અને અન્ય દવાઓ પણ આવી કાર્યવાહી હેઠળપ્રતિબંધિત દવાઓમાં અનેક એન્ટિબાયોટિક સંયોજનોનો સમાવેશ થાય છે. તેમાં એમોક્સિસિલિન સાથે સેરેટિઓપેપ્ટિડેઝ ( Amoxicillin + Serratiopeptidase), સેફ્યુરોક્સાઇમ સાથે સેરેટિઓપેપ્ટિડેઝ અને સેફાડ્રોક્સિલ સાથે પ્રોબેનેસિડ (Amoxicillin + Serratiopeptidase + Lactobacillus Sporogenes, Cefuroxime + Serratiopeptidase ) જેવા સંયોજનો સામેલ છે. નિષ્ણાતોના મતે આ ઘટકોને એકસાથે આપવાથી દર્દીઓને કોઈ ખાસ વધારાનો રોગ નિવારક લાભ મળતો નથી. એટલું જ નહીં, પેટના દુખાવા અને ખેંચાણ માટે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ તેમજ ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ગ્લિક્લેઝાઇડ અને ક્રોમિયમ પિકોલિનેટના ( Paracetamol + Clidinium Bromide) સંયોજનને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે આવા કેટલાક ઘટકોનો ઉપયોગ માન્ય તબીબી માર્ગદર્શિકાઓમાં પણ ભલામણ કરાયો નથી.દર્દીઓની સલામતી અને દવાઓના યોગ્ય ઉપયોગ પર ભારસરકારનું કહેવું છે કે બજારમાં ઉપલબ્ધ દરેક દવા વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત અને દર્દીઓ માટે સુરક્ષિત હોવી જરૂરી છે. જો કોઈ દવા દર્દીને ખાસ ફાયદો ન આપતી હોય અથવા તેના કારણે અનાવશ્યક જોખમ ઊભા થતા હોય તો તેને બજારમાં ચાલુ રાખવી યોગ્ય નથી. આ નિર્ણય દવાઓના તર્કસંગત અને જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસનો ભાગ માનવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો પણ માને છે કે આવા પગલાં લાંબા ગાળે દર્દીઓના હિતમાં સાબિત થશે અને દેશમાં વધુ સુરક્ષિત આરોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં મદદરૂપ બનશે.
