GSRTC QR code passenger feedback: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે આપણી ST બસની મુસાફરી હવે પહેલા કરતા વધુ સ્માર્ટ અને મુસાફરલક્ષી બની ગઈ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી ‘QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ’ હવે રાજ્યના 125 બસ સ્ટેશનો અને 8,000 કરતાં વધુ બસોમાં લાગુ કરી દેવાઈ છે.
ખાસ વાત એ છે કે, આ સિસ્ટમને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે અને મુસાફરોએ એસટી નિગમની સેવાઓને 5 માંથી સરેરાશ 4.7 સ્ટારનું જોરદાર રેટિંગ આપીને પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે.
માત્ર પ્રીમિયમથી શરૂ થયેલી સફર હવે તમામ બસો સુધી
ગયા વર્ષે માર્ચ 2025માં નિગમે પાયલટ પ્રોજેક્ટ તરીકે માત્ર પ્રીમિયમ લક્ઝરી બસોમાં જ આ સુવિધા શરૂ કરી હતી. તેમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા હવે તેને મોટા પાયે લાગુ કરવામાં આવી છે. હવે તમે બસમાં બેઠા-બેઠા જ સીટ પાસે લગાવેલો QR કોડ સ્કેન કરીને તમારા મોબાઈલથી બસની સુવિધા વિશે તમારો અભિપ્રાય (ફીડબેક) સીધો જ તંત્ર સુધી પહોંચાડી શકો છો.
3.13 લાખ મુસાફરોએ આપ્યું જોરદાર રેટિંગ
આંકડાઓ પર નજર કરીએ તો, 1 માર્ચથી 19 જૂન, 2026 સુધીમાં 3,13,824 જેટલા મુસાફરોએ આ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાનો ફીડબેક આપ્યો છે. આ રિપોર્ટ બતાવે છે કે લોકો ST બસની સુવિધાઓથી ખુશ છે. મુસાફરોએ અલગ-અલગ સુવિધાઓ માટે 1 થી 5 સ્ટાર વચ્ચે નીચે મુજબનું શાનદાર રેટિંગ આપ્યું છે:
સ્ટાફનું વર્તન: 4.9 / 5.0 સ્ટાર
મુસાફરોની સુરક્ષા: 4.9 / 5.0 સ્ટાર
બસની સ્વચ્છતા: 4.8 / 5.0 સ્ટાર
સીટની આરામદાયકતા: 4.8 / 5.0 સ્ટાર
સમયસર સેવા (Punctuality): 4.8 / 5.0 સ્ટાર
ફરિયાદો પર સ્પોટ પર જ લેવાય છે એક્શન
આ સિસ્ટમ ફક્ત સારા રેટિંગ લેવા પૂરતી સીમિત નથી, પણ લોકોની ફરિયાદો પર તરત જ એક્શન પણ લેવાય છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુસાફરો દ્વારા મળતા સૂચનો કે ફરિયાદો સીધી જ લાગતા-વળગતા વિભાગ અને સ્થાનિક ડેપો સુધી પહોંચાડી દેવામાં આવે છે. આ ફરિયાદોની કોઈ જ વિલંબ વગર ચકાસણી થાય છે અને જરૂરી હોય ત્યાં સ્પોટ પર જ તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
GSRTC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુસાફરોનો આ પ્રતિભાવ સિસ્ટમને વધુ સારી બનાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. નિગમ ગુજરાતના નાગરિકોને સુરક્ષિત અને વિશ્વસનીય સફર પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.
