*મેડટેક ક્ષેત્રમાં ગુજરાતની વૈશ્વિક ઉડાનને ગતિ આપશે આ GRIT અને EPCMD India પરિષદ*
ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT અને ભારત સરકાર દ્વારા સ્થાપિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસિસ-EPCMD India દ્વારા સંયુક્ત રીતે “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” શીર્ષક હેઠળ મેડટેક ક્ષેત્રની એક ઉચ્ચ પરિષદનું આયોજન આગામી તા. ૨૩ જૂન, ૨૦૨૬ મંગળવારના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ પરિષદનો હેતુ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ અને વૈશ્વિક બજારોમાં પ્રવેશ વચ્ચેના તફાવતને દૂર કરવાનો છે. તે માટે નીતિ નિર્માતાઓ, નિયમનકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ઉદ્યોગના અગ્રણીઓને એક જ મંચ પર લાવવામાં આવશે.
આ કાર્યક્રમ ગુજરાતના મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ તબક્કે યોજાઈ રહ્યો છે. રાજકોટ નજીક આવેલ નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્ક કાર્યરત બનતા રાજ્યના ઉત્પાદકો હવે મૂળભૂત એસેમ્બલીમાંથી આગળ વધી ઉચ્ચ ગુણવત્તાવાળા અને નિકાસલક્ષી ઉત્પાદન તરફ આગળ વધી રહ્યા છે.
આ સમગ્ર કાર્યક્રમની અધ્યક્ષતા GRITના CEO શ્રીમતી એસ. અપર્ણા દ્વારા કરવામાં આવશે. ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગ અને સરકારના બે ડઝનથી વધુ પ્રતિનિધિઓ વિવિધ સત્રોમાં સક્રિય ભાગ લેશે.
દિવસભરની ચર્ચાઓની શરૂઆત નીતિ અને ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓ પર આધારિત સત્રથી થશે. તેમાં “૨૦૩૦ રોડમેપ: દેશના ૩૦ અબજ ડોલરના મેડટેક વિઝનમાં ગુજરાતની ભૂમિકા” વિષયક રજૂઆત દ્વારા પરિપ્રેક્ષ્ય રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના ઉત્પાદકોના દૃષ્ટિકોણથી નીતિ, નિયમનકારી માળખું અને બજાર સુધી પહોંચ સંબંધિત પડકારો અંગે સંવાદ-ચર્ચા યોજાશે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, વાણિજ્ય વિભાગ અને CDSCOના વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપરાંત SMT, BPL, Meril Life Sciences અને Philips India જેવી અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લેશે.
અહી વિશેષ તકનીકી સત્રમાં વૈશ્વિક નિયમનકારી મંજૂરીઓ માટે નિર્ણયાત્મક માળખું રજૂ કરવામાં આવશે, જેમાં FDAના વિવિધ માર્ગો (510(k), De Novo, PMA) તેમજ EU MDR અને IVDRની આવશ્યકતાઓ સાથે તેમની સુસંગતતા અંગે ચર્ચા કરવામાં આવશે. આ સત્રમાં CDSCO, FDAની થર્ડપાર્ટી સમીક્ષા સંસ્થાઓ અને યુરોપિયન નોટિફાઇડ બોડીઝના નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
ત્યારબાદના સત્રમાં વૈશ્વિક બજારોમાં પ્રવેશ માટે નિકાસલક્ષી ગુણવત્તા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમાં ZED પરિમાણોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો સાથે સાંકળવા અને મુક્ત વેપાર કરારો-FTAનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા થશે. આ સત્રમાં Invest India, ADMI, Panacea Medical Technologies અને Wipro GE Healthcare સહિતના નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરશે.
અંતિમ સત્ર ગુજરાતના મેડિકલ ડિવાઇસ પાર્ક માટે સહાયક ઇકોસિસ્ટમના વિકાસ પર કેન્દ્રિત રહેશે. તેમાં આધારીય સુવિધાઓ, નિયમનકારી સહાય, સંશોધન અને નવીનતા, સપ્લાય ચેઇનનું સ્થાનિકીકરણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT રાજ્યનું સર્વોચ્ચ નીતિ વિચારમંચ છે, જે શાસન સુધારણા અને વિકાસલક્ષી વ્યૂહરચનાઓને આગળ વધારવાનું કાર્ય કરે છે. જ્યારે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસિસ (EPCMD India) ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના હેઠળની કાર્યરત સંસ્થા છે, જેને ભારતીય મેડિકલ ડિવાઇસિસના વૈશ્વિક સ્તરે નિકાસ પ્રોત્સાહન માટે સોંપાયેલ જવાબદારી નિભાવવાની હોય છે.


