હાલમાં જેલ એ માત્ર સજા ભોગવવાનું સ્થળ નહીં, પરંતુ એક ‘પ્રાયશ્ચિત ભવન’ અને સુધારા ગૃહ : જેલ પ્રભાગના રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલ

Spread the love

ગુજરાતની જેલ વ્યવસ્થાને મળશે નવી શક્તિ: જેલ પ્રભાગના રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલના હસ્તે ગાંધીનગરથી વર્ગ-૧ અને ૨ ના કુલ ૧૧ અધિકારીઓને નિમણૂકપત્રો એનાયત કરાયા

 

વર્તમાન સમયમાં જેલ એ માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી, પરંતુ એક ‘પ્રાયશ્ચિત ભવન’ અને સુધારા ગૃહ બન્યું છે. જ્યારે આપણે પૂરી પ્રામાણિકતાથી ફરજ નિભાવીએ છીએ, ત્યારે ઈશ્વર આપણા પરિવારની પણ ચિંતા કરે છે, તેમ જેલ પ્રભાગના રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલે વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં જણાવ્યું હતું.

 

ગૃહ વિભાગના જેલ પ્રભાગ હેઠળ નવી નિમણૂક મેળવનાર વર્ગ-૧ અને વર્ગ-૨ના કુલ ૧૧ અધિકારીઓને આજે સ્વર્ણિમ સંકૂલ, ગાંધીનગર ખાતે જેલ પ્રભાગના રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલે ભગવાન શ્રીકૃષ્ણના ‘કર્મયોગના સિદ્ધાંત’ને યાદ કરી નિમણૂક પામનાર અધિકારીઓને નિષ્ઠાપૂર્વક અને શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જેલમાં આવનાર દરેક વ્યક્તિ જન્મજાત ગુનેગાર કે ગુનાહિત માનસિકતા ધરાવતી નથી હોતી. ઘણીવાર ગુનેગારો સંજોગોવશાત પણ ગુના તરફ ધકેલાયા હોય છે. તેથી, આપણે માનવતા અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવી જોઈએ.

 

માનસિક તંદુરસ્તી પર વિશેષ ભાર મૂકતાં મંત્રીશ્રીએ કહ્યું કે, શારીરિક સ્વાસ્થ્ય માટે સરકાર પૂરતા આયોજન કરી રહી છે, પરંતુ જેલમાં આવતા કેદીઓની માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે પણ ખૂબ અનિવાર્ય છે. કેદીઓને માનસિક રીતે મજબૂત કરવા માટે સૌપ્રથમ જેલ અધિકારીઓ-કર્મચારીઓએ પોતે માનસિક રીતે પાવરફુલ અને મજબૂત બનવું પડશે. સાબરમતી જેલનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, ત્યાં કેદીઓ દ્વારા સુથારી કામ, ફર્નિચર બનાવવું અને ફૂડ પેકિંગ જેવા અનેક નાના-મોટા ઉદ્યોગો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. આ વ્યવસાયિક તાલીમથી કેદીઓ બહાર જઈને પણ આત્મનિર્ભર થઈ શકશે. આ ઉપરાંત જેલમાં રહેલી મહિલાઓ અને જો તેમની સાથે માસૂમ બાળક હોય તો તેના પ્રત્યે ખાસ માનવતાવાદી અને સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા જેલ તંત્રને વધુ સશક્ત, આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવી નિમણૂંક પામનાર અધિકારીઓ જોડવવાથી જેલ વહીવટ, સુરક્ષા વ્યવસ્થા અને સુધારાત્મક સેવાઓને વધુ ગતિ મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

 

રાજ્ય મંત્રી શ્રી પટેલે જણાવાયું હતું કે, ગુજરાતમાં જ્યાં પણ તમારું પોસ્ટિંગ થાય, ત્યાં જેલ સુધારણાના એવા શ્રેષ્ઠ કાર્યો કરો કે સમગ્ર દેશમાં ગુજરાતની જેલો અને આપણા વિભાગની નોંધ લેવાની સાથે ગૌરવ વધે.

 

આ પ્રસંગે અગ્ર સચિવ(ગૃહ) શ્રી નિપુણા તોરવણે, ગૃહ વિભાગ અને જેલ પ્રભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને નવી નિમણૂંક પામનાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

*નિમણૂક પામેલા અધિકારીશ્રીઓ*

 

અધિક્ષક, મધ્યસ્થ જેલ / પોરબંદર ખાસ જેલ, વર્ગ-૧

 

1. શ્રી અતુલકુમાર છગનભાઇ મકવાણા

2. કુ. ડિમ્પલ અર્જુનભાઈ પટેલ

3. શ્રી ગૌતમકુમાર હરેશભાઇ વ્યાસ

4. શ્રી સૌરભકુમાર લક્ષ્મણભાઇ રાઠોડ

5. શ્રી શૈલેષકુમાર રમણલાલ સગર

 

જેલર ગ્રુપ-૧ (પુરુષ), વર્ગ-૨

 

1. શ્રી પરેશભાઇ વશરામભાઇ ડાંગર

2. શ્રી અનીશ હસન સુમરા

3. શ્રી ડાહ્યાભાઇ મોડાભાઇ ડીઘારી

4. શ્રી સાગરકુમાર ઓઘડભાઇ કલસરીયા

5. શ્રી આર્યન કરશનભાઇ પટેલ

6. શ્રી મેહુલભાઇ ચીકાભાઇ ધરજીયા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *