Spainમાં PMની પત્ની પર ચાલશે ભ્રષ્ટાચારનો કેસ, કોર્ટે પાસપોર્ટ જપ્ત કરવા આપ્યો આદેશ

Spread the love

યુરોપિયન દેશ સ્પેનમાંથી આ સમયે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેણે ત્યાંની સત્તાધારી સરકારને હલાવી દીધી છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝની પત્ની બેગોના ગોમેઝ હવે ભારે કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. કોર્ટે તેમની સામે ભ્રષ્ટાચાર અને પોતાના પદ તથા વગનો દુરુપયોગ કરવાના આરોપો હેઠળ ટ્રાયલ (ખટલો) ચલાવવાનો આદેશ આપ્યો છે.આ ચોંકાવનારા નિર્ણય બાદ સ્પેનના રાજકારણમાં જોરદાર ગરમાવો આવી ગયો છે અને વિપક્ષે વડાપ્રધાનના રાજીનામાની માંગ શરૂ કરી દીધી છે.

 

પાસપોર્ટ જપ્ત, દર સપ્તાહે આપવાની હાજરી

 

આ મામલાની સુનાવણી કરી રહેલા ઇન્વેસ્ટિગેટિંગ જજ જુઆન કાર્લોસ પેઇનાડોએ કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે બેગોના ગોમેઝ દેશ છોડીને ભાગી શકે તેવી આશંકા છે. આથી કોર્ટે તેમનો પાસપોર્ટ તાત્કાલિક જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ગોમેઝને દર બે અઠવાડિયે (15 દિવસે) ફરજિયાતપણે કોર્ટમાં હાજર થવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો કે, આ ટ્રાયલ કઈ તારીખથી શરૂ થશે તે હજુ નક્કી કરાયું નથી.

 

શું છે સમગ્ર આરોપ?

 

બેગોના ગોમેઝ પર આરોપ છે કે તેમણે પોતાના પ્રભાવશાળી પદનો ખોટો ઉપયોગ કરીને કેટલીક ટેક્નોલોજી કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવામાં મદદ કરી હતી. જજના મતે, તેમણે એક કન્સલ્ટન્ટને નોકરી પર રાખવા માટે સરકારી ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. આ ઉપરાંત જ્યારે તેઓ એક સરકારી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા, ત્યારે તેમણે ત્યાંના સોફ્ટવેરનો પણ ખોટો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપો છે. આ કેસમાં કથિત કોન્ટ્રાક્ટથી ફાયદો મેળવનાર એક બિઝનેસમેન અને કન્સલ્ટન્ટ પણ ટ્રાયલનો સામનો કરશે.

 

PM સાંચેઝે ગણાવ્યું વિપક્ષનું ષડયંત્ર

 

આ ગંભીર આરોપો વચ્ચે બેગોના ગોમેઝે પોતાની જાતને નિર્દોષ ગણાવી છે. બીજી તરફ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ પોતાની પત્નીના બચાવમાં આવ્યા છે. સાંચેઝે દાવો કર્યો છે કે આ સમગ્ર મામલો તેમની ડાબેરી (લેફ્ટ વિંગ) સરકારને તોડી પાડવા માટે દક્ષિણપંથી (કન્ઝર્વેટિવ) વિપક્ષ દ્વારા રચવામાં આવેલું એક મોટું રાજકીય ષડયંત્ર છે.

 

સ્પેનના પૂર્વ પીએમ પણ તપાસના ઘેરામાં

 

નોંધનીય છે કે સ્પેનની રાજનીતિમાં આ એકમાત્ર કટોકટી નથી. આ જ અઠવાડિયે સ્પેનના પૂર્વ વડાપ્રધાન જોસ લુઈસ રોડ્રિગ્ઝ ઝાપાટેરો પણ એક અન્ય કેસમાં જજ સામે હાજર થયા હતા. તેમના પર એક સરકારી એરલાઇનને બેલઆઉટ પેકેજ આપવામાં ભૂમિકા ભજવવાનો અને ઓફિસમાંથી કિંમતી જ્વેલરી મળી આવવાનો આરોપ છે. સ્પેનની સત્તારૂઢ સોશિયલિસ્ટ પાર્ટીએ આ સમગ્ર ઘટનાક્રમને લોકશાહી માટે શરમજનક ગણાવ્યો છે, જ્યારે વિપક્ષી ‘પીપલ્સ પાર્ટી’એ સરકાર પર સરકારી તંત્ર અને ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો આરોપ લગાવીને દેશમાં વહેલી ચૂંટણી યોજવાની માંગ તેજ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *