ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે ફરી એકવાર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. 1111 ટ્રેક્ટરની રેલી બાદ હવે કિસાન કોંગ્રેસ અને કોંગ્રેસ સંઘર્ષ સમિતિએ ‘કિસાન અધિકાર પદયાત્રા-2’ (Kisan Adhikar Padayatra)ની જાહેરાત કરી છે. આગામી 26 જૂનથી કચ્છ અને સુરેન્દ્રનગરમાંથી બે અલગ-અલગ રૂટ પર શરૂ થનારી આ યાત્રા અંતે દ્વારકા પહોંચશે, જ્યાં ખેડૂતોના હિત માટે પ્રાર્થના અને સંમેલનનું આયોજન કરવામાં આવશે.કોંગ્રેસના નેતાઓના જણાવ્યા મુજબ, ખેડૂતોની જમીનમાંથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજલાઈનો, અપૂરતું વળતર અને જમીન સંબંધિત પ્રશ્નોને લઈને આ પદયાત્રા (Kisan Adhikar Padayatra) યોજાઈ રહી છે. બંને યાત્રાઓ અલગ-અલગ વિસ્તારોમાંથી પસાર થઈ લતીપુર ખાતે ભેગી થશે અને ત્યારબાદ સંયુક્ત રીતે દ્વારકા તરફ આગળ વધશે.
પ્રથમ યાત્રા કચ્છ જિલ્લાના વ્રજવાણી ગામથી શરૂ થશે. આ યાત્રા ગેડી, ચલાડી, પ્રાગટપર, ચિત્રોડ, લાકડીયા, શિકારપુર અને માળિયાના વિસ્તારોમાંથી પસાર થઈ લતીપુર પહોંચશે. બીજી યાત્રા (Kisan Adhikar Padayatra) સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના ગામડાઓમાંથી શરૂ થઈ સરા અને વાંકાનેર માર્ગે લતીપુર પહોંચશે.
ખેડૂત નેતા પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને યોગ્ય વળતર અને સુરક્ષા આપવા સરકાર હજુ સુધી અસરકારક નીતિ ઘડી શકી નથી. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનોને કારણે ખેતી અને જીવન બંને જોખમમાં મુકાયા છે. આ મુદ્દે લાંબા સમયથી રજૂઆતો છતાં ઉકેલ ન આવતા હવે જનજાગૃતિ અને દબાણ માટે પદયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે.
કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર વિરોધ નથી, પરંતુ ખેડૂતોના અધિકારો માટેની લડત છે. અંદાજે 500 કિલોમીટરથી વધુ અંતર કાપીને હજારો ખેડૂતો દ્વારકા પહોંચશે. ત્યાં દ્વારકાધીશ મંદિરે ધ્વજા અર્પણ કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવશે.
આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. કોંગ્રેસનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો આ યાત્રા (Kisan Adhikar Padayatra)માં જોડાય તેવી શક્યતા છે, જેના કારણે આગામી દિવસોમાં આંદોલન વધુ વ્યાપક બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
