Anand Ketika Vyas: ગુજરાતમાં સરકારી મહિલા અધિકારી પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત! કેતકી વ્યાસ સામે ACBમાં ગુનો

Spread the love

અમદાવાદ: ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરૂદ્ધ લાંચ રૂશ્વવત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક બહુ મોટી કાર્યવાહી સામે આવી છે. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) અને ગુજરાત વહીવટી સેવા (GAS), વર્ગ-1ના સિનિયર સ્કેલના અધિકારી કેતકી વ્યાસ (હાલ ફરજ મોકુફી હેઠળ) વિરૂદ્ધ રૂ. 3,56,03,910/-ની અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) વસાવવા અંગે અમદાવાદ એ.સી.બી.

પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

આવક કરતાં 68.84% વધુ સંપત્તિ

 

એ.સી.બી.ના સત્તાવાર અહેવાલ મુજબ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત સરકારી અધિકારીઓ દ્વારા સત્તાનો દુરઉપયોગ કરી ગેરકાયદેસર રીતે વસાવવામાં આવતી બેનામી સંપત્તિને શોધી કાઢવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત આક્ષેપિત અધિકારી કેતકીબેન વ્યાસની મિલકતો અંગે પ્રાથમિક તપાસ એ.સી.બી. ફીલ્ડ-1ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી, જેનું સુપરવિઝન નાયબ નિયામક (વહીવટ) ભારતી પંડ્યાએ કર્યું હતું.

 

11 વર્ષમાં કાળી કમાણી

 

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, કેતકીબેન વ્યાસે તારીખ 01/04/2012થી તારીખ 31/03/2023 સુધીના 11 વર્ષના ચેક પિરિયડ (તપાસના સમયગાળા) દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કર્યો હતો. તેમણે ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે પોતાની કાયદેસરની આવકના સાધનો કરતાં રૂ. 3,56,03,910/-(ત્રણ કરોડ છપ્પન લાખથી વધુ) જેટલી માતબર રકમની વધુ સંપત્તિ એકત્રિત કરી હતી, જે તેમની કાયદેસરની આવકની સરખામણીએ 68.84% જેટલી વધુ થવા જાય છે.

 

પરિવારના નામે મિલકતો ખરીદી

 

કેતકીબેન વ્યાસે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર રીતરસમો દ્વારા મેળવેલા આ નાણાંનું પોતાના તથા પોતાના પરિવારજનોના નામે જુદી-જુદી સ્થાવર તેમજ જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ગુનાહિત કૃત્ય બદલ તેમની વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ની વિવિધ કલમો તેમજ સુધારા અધિનિયમ-2018ની કલમ 13(1)(b) અને 13(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસની આગળની તપાસ અમદાવાદ એકમના મદદનીશ નિયામકને સોંપાઈ છે.

 

આ મોટા કેસની જાહેરાત સાથે જ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યના નાગરિકોને એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કોઈ પણ અધિકારી કે કર્મચારી પાસે અપ્રમાણસર કે બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, લક્ઝરી વાહનો, બેંક લોકર કે બેંક એકાઉન્ટ) હોવાની સચોટ માહિતી હોય, અથવા તો કોઈ જાહેર જનતા પાસે લાંચની માંગણી કરતું હોય, તો નાગરિકો સીધો એ.સી.બી.નો સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *