CCTV: ભારે વરસાદ વચ્ચે ટ્રેનનો દરવાજો ખોલવા-બંધ કરવા પર વિવાદ, સેલ્સમેનની હત્યા કરી ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યો હત્યારો!

Spread the love

Mumbai Crime News: મુંબઈમાં સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો છે. આ વરસાદી માહોલ વચ્ચે મુંબઈમાં હત્યાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. જી હા, મુંબઈમાં અંધેરી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે ચાલતી ટ્રેનમાં એક 22 વર્ષીય મુસાફર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેનું બાદમાં મોત નીપજ્યું હતું. એવું કહેવાય છે કે ભારે વરસાદ દરમિયાન કોચનો દરવાજો બંધ કરવા બાબતે બે મુસાફરો વચ્ચે દલીલબાજી થઈ હતી.

બોલાચાલી દરમિયાન આરોપીએ કથિત રીતે ભોગ બનનારના પેટમાં ચપ્પુ મારી દીધું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

 

મૃતકની ઓળખ મયંક લોહાર તરીકે થઈ છે. તે અંધેરીમાં એક ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. ઘટના સમયે તે કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મયંક લોહાર અને આરોપી ટ્રેન નંબર-90663ના ફર્સ્ટ-ક્લાસ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન મંગળવારે રાત્રે 10.05 વાગ્યે ચર્ચગેટથી ઉપડી હતી. રસ્તામાં ભારે વરસાદ વચ્ચે મયંકે આરોપીને કોચનો દરવાજો બંધ કરવા માટે કહ્યું હતું, ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ ગઈ હતી.

 

બોલાચાલી દરમિયાન આરોપીએ કથિત રીતે એક ધારદાર હથિયાર કાઢ્યું અને મયંકના પેટમાં મારી દીધું હતું, જેનાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે જણાવ્યું કે રાત્રે 11.04 વાગ્યે બોરીવલી સ્ટેશન પર ટ્રેન ઉભી રહે તે પહેલા જ આરોપી ચાલતી ટ્રેનમાંથી પ્લેટફોર્મ-6 પાસે કૂદી પડ્યો અને સ્ટેશન પરિસરમાંથી ભાગી છૂટ્યો હતો.

રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી હતી. ટ્રેન પહોંચ્યાની થોડી જ મિનિટોમાં RPF અને GRPના જવાનો કોચમાં પહોંચ્યા અને ઘાયલ મુસાફરની મદદ કરી હતી.

 

સ્ટ્રેચર, પોર્ટર અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી, જેના પછી મયંક લોહારને કોચમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને રાત્રે 11.22 વાગ્યે બોરીવલી સ્ટેશનના ઇમરજન્સી મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યો અને ડૉક્ટરે તેની તપાસ કરી હતી. ત્યારબાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું કે, આરોપીની ઓળખ કરવા અને તેને પકડવા માટે કેટલીક ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો રેલવે સ્ટેશનોના સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ કરી રહી છે અને એવા મુસાફરોની માહિતી એકત્રિત કરી રહી છે જેમણે કદાચ આ હુમલો થતો જોયો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *