RTI સામે ગોપનીયતાનો કિલ્લો: ગ્રામસભાના સભ્યોની માહિતી પર રોક

Spread the love

માહિતીના અધિકાર (RTI) કાયદા હેઠળ ગ્રામસભા અથવા સામાન્ય સભામાં હાજર રહેલા સભ્યોની સહી સહિતની વ્યક્તિગત વિગતો અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિને જાહેર કરી શકાય નહીં, તેવો એક મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત માહિતી આયોગ દ્વારા આપવામાં આવ્યો છે. આયોગે કાનૂની જોગવાઈઓ ટાંકીને સ્પષ્ટ કર્યું છે કે, આવી સહીવાળી માહિતી સાર્વજનિક કરવાથી વ્યક્તિગત ગોપનીયતા જોખમાય છે અને નાણાકીય છેતરપિંડી સહિતના દુરુપયોગની ગંભીર શક્યતાઓ રહેલી છે. આથી, આવી સંવેદનશીલ વિગતો RTI કાયદાની કલમ 8(1)(j) હેઠળ જાહેર કરવાની કોઈપણ સત્તાધિકારીને ફરજ પાડી શકાય નહીં, તેમ જણાવી આયોગે આ મામલે દાખલ કરાયેલી બીજી અપીલને ફગાવી દીધી છે.

આણંદના અરજદારે ગ્રામસભાના સભ્યોની સહીવાળો ડેટા માંગ્યો હતો આણંદ જિલ્લાના અડાસ ગામના રહેવાસી રમણભાઈ પરમારે પોતાના ગામની ગ્રામસભા અને સામાન્ય સભામાં હાજર રહેલા સભ્યોની સહીવાળી વિગતો મેળવવા માટે એક આરટીઆઈ અરજી કરી હતી. જોકે, સ્થાનિક કક્ષાએથી જરૂરી વિગતો ન મળતા તેમણે નિયમ મુજબ પ્રથમ અપીલ અને ત્યારબાદ ગુજરાત માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે, ગત 20 મે, 2025ની ગ્રામસભા કે સામાન્ય સભામાં હાજર રહેલા તમામ સભ્યોની સહીની માહિતી મેળવવી જાહેર હિતમાં ખૂબ જ જરૂરી છે, જેથી આ વિગતો પૂરી પાડવામાં આવે.

 

મુખ્ય માહિતી કમિશનરનો ચુકાદો, ‘સહીનો દુરુપયોગ બેંક કે નાણાકીય વ્યવહારોમાં થઈ શકે’ બીજી તરફ, સંબંધિત જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ સત્તાધિકારીએ આયોગ સમક્ષ મજબૂત દલીલ કરી હતી કે કોઈપણ નાગરિકની સહી એ તેની સંપૂર્ણ વ્યક્તિગત માહિતીની શ્રેણીમાં આવે છે અને તેને જાહેર કરવાથી તેની પ્રાઇવસીનો ભંગ થાય છે. આ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષ સોનીએ પોતાના ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું હતું કે ગ્રામસભામાં હાજર રહેલા સભ્યોની સહીવાળી માહિતી આપવાથી તેનો મોટો દુરુપયોગ થઈ શકે છે. આજના સમયમાં સહીનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો, બેંકિંગ ફ્રોડ અથવા અન્ય દસ્તાવેજી છેતરપિંડી થવાની સંભાવના નકારી શકાય નહીં. આથી વ્યક્તિગત ગોપનીયતા અને માહિતીના અધિકાર વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય હોવાનું જણાવી આયોગે અરજી નામંજૂર કરી છે, જે ભવિષ્યના આવા કેસો માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શક ચુકાદો સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *