*૧૯૭૫ માં કૉંગ્રેસ દ્વારા લાદવામાં આવેલ “કટોકટી” એ લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ* – *શ્રી અનિલભાઈ પટેલ*
————
*કોંગ્રેસની સરકારે “કટોકટી” દ્વારા અવાજ ઉઠાવનાર તમામ લોકસેવકોના અવાજને કચડીને લોકતંત્રની હત્યા કરી હતી.* – *શ્રી અનિલભાઈ પટેલ*
———–
*સ્વ.શ્રી નાથાભાઈ જગડા અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયે ગુજરાતમાં કટોકટી વિરુધ્ધ જલદ આંદોલન ચલાવ્યું* – *શ્રી અનિલભાઈ પટેલ*
———–
ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા ગુજરાત પ્રદેશ ભાજપાની યોજના અનુસાર અને જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૫ જૂન લોકશાહીનો કાળો અધ્યાય “કટોકટી દિવસ”ના સંદર્ભમાં જિલ્લા ભાજપની પ્રદર્શની કપિલેશ્વર મહાદેવ કલોલ ખાતે યોજવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન પટેલ, જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી પિયુષભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી લવભાઈ બારોટ, કલોલ શહેર ભાજપના પ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ સર્વે શ્રી યોગેશભાઈ પટેલ, પ્રકાશભાઈ નાયક, પ્રદેશ,જિલ્લા તેમજ સ્થાનિક ભાજપાના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
નાગરિકો કોંગ્રેસના આ લોકશાહીનું ગળું દબાવવાના કાર્યથી અવગત થાય તે હેતુથી યોજાયેલ પ્રદર્શની ખુલ્લી મૂકતા શ્રી અનિલભાઈ પટેલે તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ૨૫ જૂન ૧૯૭૫ ભારતમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી , રાષ્ટ્રની લોકશાહી પરંપરાનો એ કલંકિત ઇતિહાસ, સતા ટકાવી રાખવા માટે અલ્હાબાદ કોર્ટના ચુકાદાને ફગાવી દઈ દેશને સરમુખત્યારશાહીની એડી નીચે કચડવામાં આવ્યો. એ પછીની પેઢીને એ સમયની વ્યથા અને કથા વિશે ઓછી માહિતી હોય તે સ્વાભાવિક છે. અખબારો ઉપર સેન્સર્શિપ લાદવામાં આવી, વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. એકહથ્થુ સતાની ભૂખ અને મદમાં ઉન્મત ઇન્દિરા ગાંધીએ દેશના સ્વાતંત્ર્ય માટે લડનારા અનેક મહાન નેતાઓને જેલમાં ધકેલી દીધા અને તેમના પરિવારો પર પણ અમાનુષી સિતમ ગુજારવામાં આવ્યો , જયપ્રકાશ નારાયણ , મોરારજી દેસાઈ જેવા નેતાઓ સાથે જનસંઘના અનેક નેતાઓએ હસતા મુખે દેશની લોકશાહીના રક્ષણ માટે કારમી પીડા ભોગવી , અનેક કાર્યકર્તાઓ મિસાવાસમાં જેલમાં રહ્યા.
શ્રી અનિલભાઈ પટેલે કહ્યું હતું કે દેશમાં ૨૫ જુન ૧૯૭૫ના રોજ લાદવામાં આવેલી કટોકટીને પરિણામે શ્રી અટલ બિહારી વાજપાયી, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી, સ્વ. શ્રી વિજયરાજમાતા સિંધયા, સ્વ શ્રીમતિ ગાયત્રીદેવી, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક સ્વ.શ્રી બાળાસાહેબ દેવરસ સહિત હજારો લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં જનતા મોરચાની સરકારને ઉથલાવવામાં આવી અને કોંગ્રેસની સરકાર રચાઈ. કટોકટીનો કારમો પંજો ગુજરાતના કોંગ્રેસ વિરોધી કાર્યકરો પર ફરી વળ્યો. ગુજરાતમાં જનતા મોરચાના અને જનસંઘના મોટા માથાઓને જેલભેગા કરવામાં આવ્યા અને બીજી હરોળના કાર્યકરોને ભૂગર્ભમાં જવું પડ્યું. કોંગ્રેસની સરકારે અવાજ ઉઠાવનાર તમામ લોકસેવકોના અવાજને કચડીને લોકતંત્રની હત્યા કરી હતી.
શ્રી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ જનસંઘના સંગઠન મહામંત્રી સ્વ.શ્રી નાથાભાઈ જગડા અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયે ગુજરાતમાં કટોકટી વિરુધ્ધ જલદ આંદોલન ચલાવ્યું. કટોકટી સામે લોકતંત્રની રક્ષા માટે અને દેશમાં લોકશાહીના મૂલ્યોના જતન માટે આ બંને મહાનુભાવોએ વેશપલ્ટા કરીને પોલીસની નજરમાંથી બચતા રહી બેઠકો, પત્રિકાઓ અને આયોજનનો હવાલો સંભાળી દેશમાંથી કટોકટીને હટાવવા માટે પરિશ્રમ કર્યો. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક તરીકે કાર્ય કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક કાર્યકરોએ પોતાના નામ બદલી નાંખ્યા હતા તો વેશપલ્ટા પણ કર્યા હતા. ગુજરાત એ કટોકટીના આંદોલનનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું. દેશના એનેક લોકશાહીના રક્ષકોને ગુજરાતે આશ્રય આપ્યો હતો.
