Rajkot News: જંગલેશ્વર ડિમોલેશન પાણી બિલ વિવાદમાં મોટો ધડાકો, ‘અમે રૂ. 3માં ખરીદીને કોર્પોરેશનને રૂ. 8માં બોટલ પધરાવી’

Spread the love

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન વખતે મિનરલ વોટર પાછળ લાખો રૂપિયા આંધવામાં આવ્યા હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટ મનપાના અધિકારીઓના બચાવ બાદ હવે આ મામલે કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈ મેદાને આવ્યા છે. તેમણે મીડિયા સમક્ષ બિલની સત્યતા સ્વીકારવાની સાથે ભાવને લઈને મોટો ધડાકો કર્યો છે.સંચાલક શૈલેષ દેસાઈએ ખુલાસો કરતા જણાવ્યું કે, વર્ષ 2023માં તેમને રેટ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેમાં નિયમ મુજબ પાણીની એક બોટલનો ભાવ રૂ. 8 નક્કી કરવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેમણે પોતે સ્વીકાર્યું છે કે, તેઓ બજારમાંથી જથ્થાબંધ ભાવે આ પાણીની બોટલ માત્ર રૂ. 3 થી રૂ. 4 માં ખરીદે છે! એટલે કે, રૂ. 3 ની બોટલ સીધી રૂ. 8 ના ભાવે કોર્પોરેશનને પધરાવીને સરકારી તિજોરીમાંથી બમણાથી વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

 

અધિકારીઓનો કોઈ રોલ નથી, બિલ પાસ થઈ ગયું છે

 

આ કથિત કૌભાંડમાં મનપાના અધિકારીઓની સંડોવણી અંગે સફાઈ આપતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, જે બિલ મૂકવામાં આવ્યું છે, તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓનો કોઈ રોલ નથી. અમે રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ જેટલી બોટલ સ્થળ પર સપ્લાય કરી હતી, તેટલું જ બિલ મૂક્યું હતું અને જંગલેશ્વર ડિમોલેશનનું એ પાણીનું બિલ પાસ પણ થઈ ગયું છે. જોકે, બજાર ભાવ કરતાં આટલા ઊંચા ભાવે બિલ આંખ આડા કાન કરીને કેવી રીતે પાસ થઈ ગયું, તે રાજકોટ મનપાની સિસ્ટમ સામે સવાલો ઉભા કરે છે.

 

કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં કેમ ચાલુ રાખ્યું કામ?

 

નિવેદનમાં વધુ એક મહત્વની બાબત એ સામે આવી છે કે, ઉમિયાજી મંડપ સર્વિસનો ઓફિશિયલ કોન્ટ્રાક્ટ તો અગાઉ ઓગસ્ટ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો! આમ છતાં તેઓ જ મનપામાં પાણી સપ્લાય કરી રહ્યા છે. આ અંગે શૈલેષ દેસાઈએ બચાવ કર્યો કે, જ્યાં સુધી તંત્ર દ્વારા નવો કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે ત્યાં સુધી નિયમ મુજબ જૂની એજન્સીએ જ કામ ચાલુ રાખવાનું હોય છે.

 

કોન્ટ્રાક્ટર ભલે કાયદા અને રેટ કોન્ટ્રાક્ટની દુહાઈ આપી રહ્યા હોય, પરંતુ રૂ. 3ની વસ્તુના રૂ. 8 ચૂકવીને જનતાના ટેક્સના લાખો રૂપિયા ખાનગી એજન્સીના ખિસ્સામાં સરકાવી દેવાના આ ખેલથી રાજકોટ મનપાના વહીવટના લીરેલીરા ઉડી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *