અમદાવાદ: પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવવાના કેસમાં ઐયુબશા દીવાન છઠ્ઠી વાર પકડાયો

Spread the love

શહેરના નારોલ વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપીને નિર્દોષ નાગરિકો પાસેથી તોડ કરતી અને ધમકાવતી ગેંગનો નારોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે નકલી પોલીસ બનીને ફરતા બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. આ શખ્સો લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને મોટી રકમ પડાવતા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, આરોપીઓએ નારોલ કડિયા નાકા પાસે અલગ-અલગ કંપનીઓમાં શ્રમિકોને કામે રાખવાનું (લેબર કોન્ટ્રાક્ટનું) કામ કરતા એક વ્યક્તિને પોતાનો શિકાર બનાવ્યો હતો. આરોપીઓએ તેને ડરાવી-ધમકાવીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ નકલી પોલીસોએ કોન્ટ્રાક્ટર પાસે ₹45,000ની મોટી રકમની માંગણી કરી હતી, જેમાંથી આખરે ₹10,500 પડાવી લીધા હતા. ભોગ બનનારે આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

 

7માંથી 5 ગુના માત્ર પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવવાના

 

પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે, તેઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર હોવાનું ખૂલ્યું છે. આરોપી ઐયુબશા દીવાન વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 7 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ 7માંથી 5 ગુના તો માત્ર પોલીસની ખોટી ઓળખ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવવાના જ છે. જ્યારે બીજા આરોપી રવિ રાજપૂતનો પણ ગુનાહિત ઇતિહાસ છે. તેના વિરુદ્ધમાં પણ અગાઉ ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવા અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૫ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

 

નારોલ પોલીસે બંને રીઢા ગુનેગારોની સત્તાવાર ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ હવે એ દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે કે આ નકલી પોલીસની જોડીએ નારોલ કે આસપાસના અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારે લોકોને ધમકાવીને લૂંટ્યા છે અથવા અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ પોલીસના નામે ડરાવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *