ક્રેડિટ કાર્ડ ફ્રોડના કિસ્સામાં 5 દિવસમાં શેડો રિવર્સલની જોગવાઈ કરવા બેન્કોને આદેશ

Spread the love

રિઝર્વ બેન્કે એક આદેશમાં કહ્યું છે કે ક્રેડિટ કાર્ડથી ફ્રોડ થયાની ફરિયાદના કિસ્સામાં બેન્કે વિવાદિત રકમની પ્રોવિઝનલ ક્રેડિટ અર્થાત્ શેડો રિવર્સલ કસ્ટમર નોટિફિકેશનની તારીખથી 5 દિવસમાં કરવાની રહેશે. આરબીઆઈએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં કસ્ટમર લાયેબિલિટી ઘટાડતું સુધારાયેલું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આરબીઆઈએ સુધારેલા નિયમો અનુસાર બેન્કે સિસ્ટમ અને પ્રક્રિયા એવી રીતે તૈયાર કરવી જોઈએ જેથી ગ્રાહકોને ઈલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન સલામત રીતે થઈ રહ્યા હોવાનું લાગે.આરબીઆઈએ માર્ચમાં આ અંગે નિયમો જાહેર કર્યા હતા, જે મુજબ ફ્રોડ ટ્રાન્ઝેક્શનમાં ~50,000 સુધીની રકમ માટે 85 ટકા વળતર અથવા ~25,000 પૈકી જે ઓછું હશે તે વળતર ચૂકવવાપાત્ર રહેશે. ~29,412થી ઓછી રકમનું નુકસાન થયું હોય તેવા કિસ્સામાં 85 ટકા રકમ વળતર પૈકી રિઝર્વ બેન્કે 65 ટકા વળતર આપવાનું રહેશે, 10 ટકા ગ્રાહકની બેન્ક ભોગવશે અને બાકીનું 10 ટકા બેનિફિશિયરી બેન્ક કરશે.

 

બેન્કે તેના ગ્રાહકોને ~500થી વધુના તમામ ટ્રાન્ઝેક્શન્સ માટે ઈન્સ્ટન્ટ એસએમએસ એલર્ટ ફરજિયાત મોકલવાના રહેશે. 500 સુધીના ટ્રાન્ઝેક્શન માટે આ રીતે એસએમએસ મોકલવા કે કેમ તેનો નિર્ણય બેન્કે કરવાનો રહેશે પરંતુ તેના માટે કોઈ ચાર્જ વસૂલી નહીં શકે. આ નિયમ 1 જાન્યુઆરી, 2027થી અમલી બનશે. ગ્રાહકોને એલર્ટ મોકલવા સહિતની બેન્કની કમ્યૂનિકેશન સિસ્ટમમાં મેસેજની તારીખ અને સમય અને ગ્રાહકનો રિસ્પોન્સ મળ્યાની વિગત હોય તો તે નોંધવાની રહેશે.

 

જો ફ્રોડ થયું હોવાની ફરિયાદ મળે તો બેન્ક તાત્કાલિક પગલાં લેશે અને તેનું પુનરાવર્તન ન થાય તે માટે પગલાં લેવાના રહેશે. તેણે કહ્યું કે બેન્કના પક્ષે બેદરકારી કે ખામીને કારણે ટ્રાન્ઝેક્શનમાં ફ્રોડ થાય તો તેવા કિસ્સામાં ગ્રાહકની ઝીરો લાયેબિલિટી રહેશે અને ટ્રાન્ઝેક્શન રિવર્સલ કરવાનું રહેશે. ગ્રાહકે ફ્રોડ ટ્રાન્ઝેક્શનની જાણ કરી હોય કે ન કરી હોય, પરંતુ બેન્કની જવાબદારી રહેશે. થર્ડ પાર્ટી દ્વારા ટ્રાન્ઝેક્શન ભંગના કિસ્સામાં જો ગ્રાહક પાંચ દિવસમાં બેન્કને ફ્રોડની જાણ કરે તો તેમાં ગ્રાહકના ભાગે કોઈ જ લાયેબિલિટી નહીં રહે. પાંચ દિવસ પછી જાણ કરવામાં આવે તો બેન્કની પોલિસી મુજબ ગ્રાહકની લાયેબિલિટી નક્કી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *