રસ્તા પીગળ્યા, રેલવેના પાટા થયા વાંકાચૂકા, AC-ફેન માટે લાગી લાંબી લાઈનો…! યુરોપના આ વીડિયોએ સૌને ડરાવ્યા

Spread the love

Europe Heatwave: યુરોપ હાલમાં રેકોર્ડબ્રેક હીટવેવની ઝપેટમાં છે. ફ્રાન્સ, જર્મની, એ ઇટાલી, બ્રિટન અને અન્ય ઘણા દેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. ભીષણ ગરમીની અસર હવે માત્ર લોકોના સ્વાસ્થ્ય પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ રસ્તાઓ, રેલવે નેટવર્ક અને વીજ વ્યવસ્થા પર પણ તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વીડિયોમાં ફ્રાન્સના રસ્તાઓની ઉપરની સપાટી ભારે ગરમીના કારણે નરમ પડીને પીગળતી જોવા મળી રહી છે.

જ્યારે જર્મનીમાં અતિશય તાપમાનના કારણે ટ્રામના પાટાઓ ભેગા થઈ ગયા છે, જેના કારણે અનેક સ્થળોએ સેવાઓ બંધ કરવી પડી છે અથવા તેની ગતિ ધીમી કરવામાં આવી છે.

 

રોયટર્સના અહેવાલ મુજબ, આ હીટવેવની શરૂઆત લગભગ 20 જૂન આસપાસ થઈ હતી અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ તાપમાન નોંધાયું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ ‘ઓમેગા બ્લોક’ નામની એર સિસ્ટમ અને જળવાયુ પરિવર્તનની સંયુક્ત અસરનું પરિણામ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વીડિયો યુરોપમાં ગરમીની ભયાનક સ્થિતિ દર્શાવી રહ્યા છે.

આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એર કન્ડિશનર (AC) ખરીદવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. દુકાનની બહાર એટલી ભીડ છે કે જાણે ખરીદી નહીં, પરંતુ હોડ લાગી હોય.

જ્યારે અન્ય એક વીડિયોમાં ભીષણ ગરમીના કારણે રસ્તા પરનો ડામર નરમ પડીને પીગળતો જોવા મળી રહ્યો છે.

અન્ય એક વીડિયોમાં યુરોપના દરિયાકિનારાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે હજારો લોકો દરિયા કિનારે પહોંચી ગયા હતા, જેના કારણે ત્યાં મેળા જેવો માહોલ સર્જાયો હતો.

ફ્રાન્સમાં ભારે ગરમીના કારણે હોસ્પિટલો પર દર્દીઓનો ભાર વધી ગયો છે. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો છે, જ્યારે નદીઓનું પાણી વધુ ગરમ થઈ જતાં કેટલાક પરમાણુ વીજ ઉત્પાદન કેન્દ્રોમાં વીજ ઉત્પાદન પણ ઘટાડવું પડ્યું છે. ઇટાલી, જર્મની અને મધ્ય યુરોપના અનેક વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે યુરોપમાં ક્યારેક ‘સદીમાં એક વખત’ આવતી આવી ભીષણ હીટવેવ હવે જળવાયુ પરિવર્તનના કારણે વધુ વાર જોવા મળી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા વર્ષોમાં આવી ઘટનાઓ વધુ ગંભીર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *