સરકારે પેટ્રોલ અને ડીઝલની ખરીદીને લઈને એક મોટો નિર્ણય લીધો છે, જે 1 જુલાઈ 2026થી સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) સંકટ દરમિયાન ઈંધણની અછત અને સંગ્રહખોરી રોકવા માટે લગાવેલા તમામ અસ્થાયી પ્રતિબંધોને હટાવી લીધા છે. આ નિર્ણયથી સામાન્ય જનતાની સાથે ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને મોટી રાહત મળશે.જૂન 2026માં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ તેમજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંકટને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી. ક્રૂડ ઓઈલની આયાત પ્રભાવિત થતાં દેશમાં ઈંધણની કટોકટી ન સર્જાય તે માટે સરકારે 12 જૂન 2026ના રોજ અસ્થાયી નિયમો લાગુ કર્યા હતા. આ નિયમ હેઠળ કોમર્શિયલ ગ્રાહકો માટે રિટેલ પંપ પરથી ઈંધણ ખરીદવાની મર્યાદા નક્કી કરાઈ હતી અને એક વાહન માટે દિવસમાં વધુમાં વધુ 200 લીટર ડીઝલની મર્યાદા રાખવામાં આવી હતી.
કિંમતોમાં તફાવત પણ હતો મુખ્ય કારણ
તે સમયે ઔદ્યોગિક ડીઝલની કિંમત રિટેલ કિંમત કરતાં પ્રતિ લીટર આશરે ₹40 જેટલી મોંઘી હતી. આ કારણે મોટી કંપનીઓ અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરો સસ્તું ડીઝલ મેળવવા સીધા રિટેલ પેટ્રોલ પંપો પર લાઈનો લગાવવા લાગ્યા હતા, જેના લીધે સરકારી તેલ કંપનીઓ (IOC, BPCL, HPCL) ના પંપો પર અચાનક ભારણ વધી ગયું હતું.
1 જુલાઈથી શું બદલાશે?
હવે પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય થતાં અને વૈશ્વિક ઉર્જા બજાર સ્થિર થતાં સરકારે આ નિયમો પાછા ખેંચ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં હવે ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. 1 જુલાઈથી ટ્રાન્સપોર્ટ કંપનીઓ, ફેક્ટરીઓ અને અન્ય વ્યાવસાયિક ગ્રાહકો કોઈપણ મર્યાદા વિના પહેલાની જેમ જ સીધા પેટ્રોલ પંપ પરથી ગમે તેટલી માત્રામાં પેટ્રોલ-ડીઝલ ખરીદી શકશે. એક્સપર્ટ્સના મતે, આ નિર્ણયથી દેશની આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડશે અને ટ્રાન્સપોર્ટ સેક્ટરની મુશ્કેલીઓનો અંત આવશે.
