ગુજરાતમાં કચરા પર કડક નિયમો: હવે 4 ભાગમાં અલગ કરવો ફરજિયાત!

Spread the love

ગુજરાતમાં 1 એપ્રિલથી અમલમાં આવેલા ‘ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-2026’ને અસરકારક રીતે લાગુ કરવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.

 

શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓને નવા નિયમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વર્કશોપમાં જાહેરાત કરવામાં આવી કે હવે કચરાનું માત્ર ભીનું અને સૂકું નહીં, પરંતુ ભીનો, સૂકો, સેનિટરી અને ખાસ કાળજીવાળો એમ ચાર પ્રકારમાં વર્ગીકરણ ફરજિયાત રહેશે.

 

તમામ કચરા વાહનોનું GPSથી સતત મોનિટરિંગ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસને જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં સરકારી કચેરીઓ, નગરપાલિકા કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં ચાર ડબ્બાની વ્યવસ્થા લાગુ કરાશે. આગામી ત્રણથી ચાર મહિનામાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કરતી તમામ ગાડીઓને પણ ચાર વિભાગ મુજબ કન્વર્ટ કરવામાં આવશે. તમામ કચરા વાહનોનું GPS આધારિત ટ્રેકિંગ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સતત મોનિટરિંગકરવામાં આવશે.

 

જૂના કચરાના નિકાલ માટે બાયો-માઇનિંગ અને રેમિડિએશન જેવી પદ્ધતિ

 

શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોમાં જાગૃતિ લાવી કાયદાના કડક અમલીકરણમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે જણાવ્યું કે, ડમ્પિંગ સાઇટોની ફરજિયાત નોંધણી કરાશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જૂના કચરાના નિકાલ માટે બાયો-માઇનિંગ અને રેમિડિએશન જેવી પદ્ધતિ અપનાવવામાં આવશે.

 

‘સ્વચ્છતા વિના કોઈપણ શહેરનો વિકાસ અધૂરો છે’

 

રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે, સ્વચ્છતા વિના કોઈપણ શહેરનો વિકાસ અધૂરો છે. તેમણે ગુજરાતને સ્વચ્છતા રેન્કિંગમાં દેશના પ્રથમ ક્રમે લાવવાનો સંકલ્પ વ્યક્ત કરતાં જણાવ્યું કે શાળાઓ, કોલેજો, શેરી નાટકો અને જનજાગૃતિ અભિયાન દ્વારા સ્વચ્છતાને જનઆંદોલન બનાવવાની જરૂર છે.

 

અમદાવાદમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થાથી શહેરને કચરાપેટી મુક્ત બનાવવાના મોડેલને અન્ય શહેરોએ પણ અપનાવવું જોઈએ.

 

વર્કશોપમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાના નવનિર્વાચિત પદાધિકારીઓ, કમિશનરો, મુખ્ય અધિકારીઓ તેમજ શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *