પાકિસ્તાનમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો. ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનની સરહદ પાસે એક પૂરપાટ ઝટપે દોડી રહેલી બસ ખાઈમાં ખાબકી. ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો અને આ દુર્ઘટના સર્જાતા ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદના જણાવ્યાં મુજબ અકસ્માત દાના સર વિસ્તારમાં થયો.બસ હાઈવે પર દોડી રહી હતી. અચાનક ચાલકે કાબૂ ગુમાવ્યોઅને બસ રસ્તા પરથી નીચે ઉતરી અને પથ્થરોથી ભરેલી ઊંડી ખાઈમા ખાબકી. અધિકારીઓએ જણાવ્યું કે બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. આ ઉપરાંત રસ્તામાં ખરાબ થયેલી બીજી બસના મુસાફરોને પણ તેમાં બેસાડવામાં આવેલા હતા. જેના કારણે ક્ષમતા કરતા વધુ લોડ સર્જાઈ ગયો.
પ્રાથમિક તપાસમાં ઓવરલોડિંગના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના જાહેર કરી છે. અધિકારીઓને ઘાયલોના સર્વોત્તમ ઈલાજનો નિર્દેશ આપ્યો છે.
બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પણ અકસ્માત પર શોક વ્યક્ત કરતા પ્રશાસનને રાહત અને બચાવ કાર્ય તેજ કરવાના અને ઘાયલોના સારવારમાં કોઈ કમી ન રહે તેના નિર્દેશ આપ્યા છે.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનમાં ખરાબ રસ્તા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં નબળાઈ અને બેદરકારીથી વાહન ચલાવવાના કિસ્સા વારંવાર જોવા મળે છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં આવા અકસ્માત વારંવાર જોવા મળે છે. આ અગાઉ મે મહિનામાં પણ ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં એક મિની બસ ઊભેલી બસ સાથે અથડાઈ હતી જેમાં 17 લોકોના મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા.
