ચૂંટણી પહેલા ખટાક ખટાક 29 જેટલા વિકાસ કાર્યોને લીલી જંડી, 31 એજન્ડા પૈકી વૃક્ષ નિકાલ પોલીસી, સાઉથ ઝોન ફેન્સીંગ હાલ પૂરતી ડીલેટ

Spread the love

ગાંધીનગરના વિકાસ અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળી રહે માટે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલી 67મી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના માળખાકીય સુધારા અને જનસુવિધાને લગતા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં રજૂ કરાયેલા કુલ 31 વિષયો પૈકી વૃક્ષ નિકાલ પોલીસી અને સાઉથ ઝોનમાં ફેન્સિંગ કામગીરીના બે વિષયો બાકાત રાખી બાકીના તમામ 29 એજન્ડા પર સમિતિએ સર્વસંમતિથી મહોર મારી દીધી છે.

 

પાઈપલાઈન બિછાવવા અને પમ્પિંગ સ્ટેશનના નિર્માણ માટે 15.86 કરોડના ખર્ચને મંજૂરી

 

મહાનગરપાલિકા દ્વારા શહેરના માળખાકીય માળખાને વધુ મજબૂત બનાવવાના દાવા સાથે લાખો અને કરોડો રૂપિયાના ટેન્ડરોને બહાલી આપવામાં આવી છે. જેમાં સેક્ટર 1થી 30 સુધીના મશીનહોલના મેઈન્ટેનન્સ માટે રૂ. 6.72 કરોડથી વધુનું ટેન્ડર મંજૂર કરાયું છે. આ ઉપરાંત શહેરના જળ વ્યવસ્થાપનને સુદ્રઢ કરવા ઈન્વર્ટેડ સાયફનથી આર.ડબ્લ્યુ.પી.એસ. સુધીની 1400 એમ.એમ. પાઈપલાઈન બિછાવવા અને પમ્પિંગ સ્ટેશનના નિર્માણ માટે રૂ. 15.86 કરોડના માતબર ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ શહેરના સૌંદર્ષીકરણ માટે વિવિધ વિસ્તારોમાં આર્ટ વર્ક પેઈન્ટિંગ કરવા માટે રૂ. 91.82 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.

 

જીવનજરૂરી દવાઓ માટે રૂ. 75 લાખનો ખર્ચ મંજૂર

 

સ્થાયી સમિતિએ આરોગ્ય સેવાઓના વિસ્તરણને ખાસ અગ્રતા આપી છે. પેથાપુર અને સેક્ટર-24 ના અર્બન હેલ્થ સેન્ટર માટે રૂ. 39.58 લાખના ખર્ચે અત્યાધુનિક ડિજિટલ રેડિયોગ્રાફી સિસ્ટમ ખરીદવાનો નિર્ણય લેવાયો છે. વડીલોની સુખાકારી માટે ફિઝિયોથેરાપી અને ડેન્ટલ સેવાઓ વધારવા રૂ. 27 લાખનું વધારાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જ્યારે જીવનજરૂરી દવાઓ માટે રૂ. 75 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ન્યુટ્રીશન કિટ પૂરી પાડવા માટે પણ રૂ. 1144 પ્રતિ કિટના ભાવે ટેન્ડર મંજૂર થયું છે.

 

માત્ર વૈદિક હોળીની કીટ ખરીદવા રૂ. 20.22 લાખની મંજૂરી

 

જ્યારે વહીવટી અને સામાજિક કલ્યાણના કામોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 22.98 કરોડના કામોની યાદીને મંજૂરી આપી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડને મોકલી આપવાનો નિર્ણય લેવાયો છે. સ્વચ્છતા અભિયાન

 

:

 

અંતર્ગત હોપર ટીપર ડમ્પર માટે રૂ. 38.43 લાખ અને પર્યાવરણીય જાળવણી માટે વૈદિક હોળીની કીટ ખરીદવા રૂ. 20.22 લાખની મંજૂરી અપાઈ છે. મિલકતવેરા શાખામાં વહીવટી પારદર્શિતા લાવવા માટે ‘સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ’ લાગુ કરવાના મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણયને પણ સમિતિની મંજૂરી અપાઈ ગઈ છે.

 

રાંધેજા ગામમાં 16.90 કરોડના ખર્ચે નવો કોમ્યુનિટી હોલ બનશે

 

કોર્પોરેશનમાં નવા સમાવેશ પામેલા વિસ્તારો પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાંધેજા ગામમાં સુવિધાઓના વિસ્તરણના ભાગરૂપે ટીપી 24 ખાતે રૂ. 16.90 કરોડના ખર્ચે નવો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ અને તેની ત્રણ મહિના સુધીની જાળવણી માટે રૂ. 9.31 કરોડના ટેન્ડરને બહાલી આપવામાં આવી છે.

 

65.23 કરોડના અંદાજિત ખર્ચ સામે સૌથી ઓછી બોલી લગાવનારને ટેન્ડર

 

શહેરના સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુધારવા માટે ભાટ, કોટેશ્વર, સુઘડ, અમીયાપુર, ખોરાજ અને ઝુંડાલ ગામ તેમજ સંબંધિત ટીપી વિસ્તારોમાં રોડ રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરાશે.

 

આ કામગીરી માટે રૂ. 65.23 કરોડના અંદાજિત ખર્ચ સામે સૌથી ઓછી બોલી લગાવનાર (એલ-1) ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર ફાળવવામાં આવ્યો છે. આમ, એક જ બેઠકમાં કરોડો રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપીને ગાંધીનગર મનપાએ આગામી સમયમાં શહેરના વિકાસની ગતિને વેગ આપવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *