OBCથી ST સુધીનો સફર કે મોટું કૌભાંડ? યુવરાજસિંહ જાડેજાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Spread the love

સરકારી ભરતીમાં અનામતનો ગેરલાભ લેવાયો હોવાના ગંભીર આક્ષેપો સાથે યુવરાજસિંહ જાડેજાએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામના એક પરિવાર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. જાડેજાનો દાવો છે કે પરિવારના સભ્યો વર્ષ 2017 સુધી વિવિધ સરકારી ભરતીમાં SEBC (OBC) કેટેગરી હેઠળ ઉમેદવારી નોંધાવતા હતા, પરંતુ ત્યારબાદ અચાનક ST (અનુસૂચિત જનજાતિ) કેટેગરીના પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓ અને ભરતીમાં લાભમેળવ્યો. સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરાવવા તેમજ સંબંધિત તમામ જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની તેમણે સરકાર સમક્ષ માગ કરી છે.

 

2017માં OBC કેટેગરીમાં LRDની પરીક્ષા આપી, 2019માં ST કેટેગરીમાં હાઈકોર્ટમાં નોકરી મેળવી યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, પરિવારના વડા માણસુરભાઈ લાભુભાઈ પાલીયા તથા પરિવારના અન્ય સભ્યો પાસે અગાઉથી OBC/SEBCના પ્રમાણપત્રો હોવાનું કહેવાય છે. તેમના સંતાનો પાસે નોન-ક્રિમિલિયર પ્રમાણપત્રો પણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત પરિવારના સગા ગીતાબેન બાબભા લાંબા વર્ષ 2017માં જામનગર જિલ્લાના જાંબુડા ગામે OBC મહિલા અનામત બેઠક પરથી સરપંચ તરીકે ચૂંટાયા હોવાનું પણ તેમણે ઉલ્લેખ્યું છે. જાડેજાએ દાવો કર્યો છે કે, વિશાલ માણસુરભાઈ પાલીયાએ વર્ષ 2017ની લોકરક્ષક ભરતીમાં SEBC કેટેગરી હેઠળ ભાગ લીધો હતો, જ્યારે વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટની ભરતીમાં ST કેટેગરી હેઠળ પસંદગી પામ્યા હતા. આ ઉપરાંત તેમની બહેન આરાધના માણસુરભાઈ પાલીયાની વર્ષ 2026માં મહેસૂલ તલાટી ભરતીમાં ST Girl કેટેગરી હેઠળ પસંદગી થઈ હોવાનું અને હાલમાં તેઓને નિમણૂકપત્ર પણ મળ્યું હોવાનું જણાવતાં તેમણે આ સમગ્ર પ્રક્રિયામાં થયેલી જાતિ ચકાસણી અંગે સવાલો ઉઠાવ્યા છે.

 

પરિવારના પ્રમાણપત્રોની ચકાસણી કરવા યુવરાજસિંહ જાડેજાની માગ

 

જાડેજાએ વધુમાં એવો પણ દાવો કર્યો છે કે, પરિવારના અન્ય સભ્યો મોહિત પ્રવિણભાઈ પાલીયા તથા અભય અરવિંદભાઈ પાલીયાએ પણ અગાઉ OBC તરીકે ભરતીમાં અરજી કર્યા બાદ પછીની ભરતીમાં ST કેટેગરીનો લાભ લીધો હતો. તેમના મતે આ સમગ્ર ઘટનાક્રમની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ જરૂરી છે.

 

આક્ષેપો સાથે યુવરાજસિંહ જાડેજાએ સરકાર સમક્ષ અનેક માંગણીઓ પણ મૂકી છે. જેમાં આરાધના માણસુરભાઈ પાલીયાની નિમણૂક અંગે જાતિ ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી, સમગ્ર પરિવારના જાતિ પ્રમાણપત્રોની SIT દ્વારા તપાસ, પિતૃપક્ષના મૂળ દસ્તાવેજોની ચકાસણી અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો સંબંધિત સરકારી નોકરીઓ રદ કરવા, પગારની વસૂલાત તથા જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે ગુનો નોંધવાની માંગ સામેલ છે.

 

યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આવા પ્રકારના અનેક કેસો સામે આવી શકે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ખોટા જાતિ પ્રમાણપત્રોના આધારે જો સરકારી નોકરીઓ મેળવવામાં આવી હોય તો તેનાથી વાસ્તવિક અનુસૂચિત જનજાતિના હકદાર ઉમેદવારોને નુકસાન પહોંચે છે.

 

આ સમાચાર પણ વાંચોઃ

 

એક જ પરિવારના બે ભાઈ, પણ જાતિ અલગ!:મોટો ભાઈ OBC સર્ટિ.થી તલાટી તો નાનો ST સર્ટિ.થી AMCમાં ક્લાર્ક બન્યો ગુજરાતમાં સરકારી ભરતીઓમાં કૌભાંડોના આક્ષેપો વચ્ચે યુવરાજસિંહે વધુ એક ચોંકાવનારો ધડાકો કર્યો છે, જેમાં એક જ પરિવારના બે સગા ભાઈઓએ અલગ-અલગ જાતિના બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરીઓ મેળવી હોવાનો આક્ષેપ કર્યો છે.

 

જેમાં મોટા ભાઈએ OBC સર્ટિફિકેટના આધારે મોરબીમાં તલાટી તરીકે અને નાના ભાઈએ ST(અનુસૂચિત જનજાતિ) સર્ટિફિકેટનો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ક્લાર્ક તરીકેની નોકરી મેળવી લીધી હતી. જેના કારણે ભરતી પ્રક્રિયા અને પ્રમાણપત્ર ચકાસણી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

 

આ ઘટનાને લઈને યુવરાજસિંહ જાડેજાએ ભરતી પ્રક્રિયામાં થતી દસ્તાવેજ ચકાસણીની પદ્ધતિ તેમજ ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *