સુપર ટાઇફૂન બાવી અમેરિકાના પેસેફિક ટાપુઓ પર તબાહી મચાવી શકે છે. ગુઆમ અને નોર્ધન મારિયાના ટાપુઓના લોકોમાં ભયનો માહોલ છે. વાવાઝોડાની ટક્કર પહેલા જ લોકોને ઇમરજન્સી ઇવેક્યૂએશન સેન્ટર્સમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. સોમવાર સવારે આ વાવાઝોડું અહીં ટકરાઈ શકે છે. આ દરમિયાન 260 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ભારે પવન ફૂંકાશે.નેશનલ વેધર સર્વિસે તેને ખૂબ જ ખતરનાક વાવાઝોડું ગણાવ્યું છે. રવિવારે બપોરથી ટ્રોપિકલ સ્ટોર્મ જેવો પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. વાવાઝોડાના કેન્દ્ર પાસે ભારે નુકસાન થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પૂર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સમુદ્રમાં અંદાજે35 ફૂટ (લગભગ 10 માળની ઇમારત જેટલી ઊંચી) મોજાં ઉછળી શકે છે. આવી સ્થિતિને કારણે સમુદ્રમાં અત્યંત જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
વેસ્ટર્ન પેસિફિકમાં આવેલા નોર્ધર્ન મારિયાનામાં આશરે 40 હજાર લોકો વસે છે. તેની નજીક અમેરિકાનું ટેરિટરી ગુઆમ આવેલું છે, જ્યાં લગભગ 1.70 લાખ લોકો રહે છે. આ બંને વિસ્તારો મારિયાના આર્કિપેલાગોનો મુખ્ય ભાગ છે. આ પહેલાં એપ્રિલના મધ્યમાં આવેલા સુપર ટાયફૂન સિનલાકૂએ અહીં ભારે તબાહી મચાવી હતી. તે સમયે હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, અનેક વૃક્ષો મૂળ સહિત ધરાશાયી થઈ ગયા હતા, ઘણી ગાડીઓ પલટી ગઈ હતી અને ઇમારતોની છતો પણ ભારે પવનમાં ઊડી ગઈ હતી.
વર્ષ 2023માં આવેલા માવર તોફાને પણ આવો જ વિનાશ સર્જ્યો હતો. રવિવાર સવારે બાવી તોફાન રોટા ટાપુની ખૂબ નજીકથી પસાર થવાનો અંદાજ હતો. રોટા એક નાનો ટાપુ છે, જે ગુઆમ અને સાયપન વચ્ચે આવેલો છે. સાયપન નોર્ધર્ન મારિયાનાનું મુખ્ય ટાપુ છે. રોટાના મેયર ઓબ્રે હોકોગે જણાવ્યું કે, આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો જ આપણા સમુદાયને સુરક્ષિત રાખી શકીશું. અમે અમારા લોકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA)ની ટીમો ગુઆમ પહોંચી ગઈ છે. તેમના વિતરણ કેન્દ્રોમાં આશરે 11 લાખ લિટર પીવાનું પાણી, 12 લાખ તૈયાર ભોજન (મીલ્સ), 6,700 ખાટલા અને 90 જનરેટરનો પૂરતો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે.
નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી છે કે હવે સુરક્ષિત સ્થળે જવાનો સમય લગભગ સમાપ્ત થઈ રહ્યો છે. ગુઆમમાં શાળાઓમાં પાંચ મોટા ઇવેક્યુએશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં કુલ 1,900 લોકોને આશ્રય આપી શકાય તેવી વ્યવસ્થા છે.
પ્રશાસને નબળાં અને જોખમગ્રસ્ત ઘરોમાં રહેતા લોકોને પ્રથમ પ્રાથમિકતા આપી છે. અધિકારીઓએ અગાઉ આવેલા તોફાનોમાંથી ઘણો પાઠ શીખ્યો હોવાનું જણાવ્યું છે. સ્થાનિક અધિકારી ડેમન માઈકલ બોર્જાએ કહ્યું કે, સિનલાકૂ દરમિયાન તેઓ વધુ સારી રીતે તૈયાર હતા અને લોકોના આરોગ્ય તેમજ સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, “માવર તોફાન દરમિયાન વીજળી અને પાણીની સેવાઓ ફરી શરૂ કરવામાં લગભગ ત્રણ મહિના લાગ્યા હતા, જ્યારે સિનલાકૂ બાદ આ કામ લગભગ ત્રણ અઠવાડિયામાં પૂર્ણ થઈ ગયું હતું.”
યુરોપિયન યુનિયનની કોપરનિકસ મરીન સર્વિસે ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું છે કે વિશ્વના મહાસાગરોએ અત્યાર સુધીનો સૌથી ગરમ જૂન મહિનો અનુભવ્યો છે. આવનારા મહિનાઓમાં દરિયાના તાપમાનના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે. મહાસાગરોનું વધતું તાપમાન ટ્રોપિકલ તોફાનોને વધુ શક્તિશાળી બનાવે છે. તેનાથી વાતાવરણમાં ભેજ વધે છે, જેના કારણે ભારે વરસાદ અને પૂરનું જોખમ પણ વધી જાય છે.
વર્લ્ડ મેટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)એ પણ ચેતવણી આપી છે કે ટ્રોપિકલ પેસિફિક મહાસાગરમાં અલ નીનોની શરૂઆત થઈ ચૂકી છે અને તે વધુ મજબૂત બનવાની પૂરી શક્યતા છે.
અલ નીનો એક મહત્વપૂર્ણ કુદરતી આબોહવાની ઘટના છે, જે સામાન્ય રીતે દર બેથી સાત વર્ષે જોવા મળે છે અને લગભગ નવથી બાર મહિના સુધી અસરકારક રહે છે. તેના કારણે પેસિફિક મહાસાગરની સપાટીનું તાપમાન અસામાન્ય રીતે વધી જાય છે, જેના પરિણામે સમગ્ર વિશ્વમાં પવન, હવામાન દબાણ અને વરસાદની પદ્ધતિઓમાં મોટા ફેરફારો જોવા મળે છે.
