સમગ્ર ગુજરાતમાં કાર્યરત મોટા ભાગની પોસ્ટ ઓફિસમાં, પાસબુકની તંગી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતા, પોસ્ટલ વિભાગ સાથે જોડાયેલા રોકાણકારોમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળવાની દહેશત પેદા થવા પામી છે.
સમગ્ર ગુજરાતમાં આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા મહિનાઓથી પાસબુકની અછત પ્રવર્તી રહી છે. રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવો કે ફિક્સ ડિપોઝિટ કરાવો, રીકરીંગ ખોલાવો કે એમ. આઈ. એસ., દરેક માટે નવી પાસબુકની આવશ્યકતા રહે છે. દરેક ખાતેદાર માટે પ્રાથમિકતા એવી પોસ્ટની પાસબુકનો સ્ટોક ખલાસ થઈ ગયો હોવાથી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ, જે તે ખાતેદારને નવી પાસબુક પૂરી પાડવા માટે અસમર્થ છે. આનું કારણ પૂછતા જાણવા મળ્યું કે પાસબુકનો જથ્થો ઉપરથી આવતો નથી. ઘણા અઠવાડિયાઓ પસાર થઈ જવા છતાં પાસબુકનો સ્ટોક નહીં આવવાથી હવે તો ખાતેદારોની ધીરજ પણ ખૂટવા લાગી છે. દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીવે એમ, અનેક રોકાણકારો પાસબુકની વારંવાર ઉઘરાણી કરવા પોસ્ટ ઓફિસ પહોંચી જાય છે. પોસ્ટ ઓફિસમાં નવી એટલે કે કોરી પાસબુકનો સ્ટોક નહીં હોવાની બાબતને, સાચી માનવા માટે મોટાભાગના રોકાણકારો તૈયાર નથી.
રાજ્યભરમાં પ્રવર્તી રહેલી પાસબુકની તંગી બાબતે ખાતેદારો અને રોકાણકારોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. પોસ્ટલ વિભાગ દ્વારા આયોજનના અભાવની ફરિયાદો પણ ઉઠવા પામી છે. સાથે સાથે ટેન્ડર પ્રક્રિયામાં ખામી હોવા ઉપરાંત અન્ય આક્ષેપો પણ પાસબુકની અછત બાબતે પોસ્ટલ વિભાગ ઉપર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ બાબતે પોસ્ટલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ગાંધીનગર સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ તરીકે કાર્યરત ઉચ્ચ અધિકારી સુશીલકુમાર રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. તેઓના ચાર્જમાં રહેલા નાયબ અધિક્ષકનો ટેલીફોનિક સંપર્ક કરવાના પ્રયત્નોના ફળરૂપે તેમના મહિલા મદદનીશે ઇન્ચાર્જ સુપ્રીન્ટેન્ડેન્ટને લેન્ડ લાઇન ફોનની લાઈન આપવા કે તેમનો મોબાઈલ નંબર આપવા ઇનકાર કરી દીધો હતો. આખરે અંતર્ગત સૂત્ર તરફથી મળતી વિગતો અનુસાર, રાજકોટ સ્થિત પી. એસ. ડી. એટલે કે પોસ્ટલ સ્ટોર ડેપોમાંથી જ પાસબુકનું વિતરણ ઘણા લાંબા સમયથી અટકી ગયું છે. સમગ્ર રાજ્યમાં એકમાત્ર એવા આ મુખ્ય સ્ટોર મારફતે રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં સ્ટેશનરી સપ્લાય કરવામાં આવે છે. જેમાં, પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓમાં રોકાણ કરતા રોકાણકારો કે પોસ્ટના ખાતેદારોને આપવામાં આવતી પાસબુક ઉપરાંત લાખ વિગેરેનો પણ સમાવેશ થાય છે. પોસ્ટલ વિભાગ સાથે જોડાયેલી જાહેર જનતા માટે, અત્યંત આવશ્યક એવી આ પાસબુકનો સ્ટોક નહીં હોવાને કારણે અનેક મોટા રોકાણકારો પોતાના નાણાંનું અન્યત્ર રોકાણ કરે એવી દહેશત પણ સેવાઈ રહી છે. રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં જેની રોજ -બ-રોજ જરૂર પડે એવી પાસબુકનું છાપકામ કયા કારણોસર વિલંબમાં પડ્યું એ બાબતને બાજુએ મૂકીએ તો પણ હાલના સંજોગોમાં હજારો ખાતેદારો ઉપરાંત પોસ્ટલ વિભાગની વિવિધ યોજનાઓમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો હાલાકી ભોગવી રહ્યા છે એ એક કડવી વાસ્તવિકતા છે. જેના પરિણામે પાસબુક કેમ ઉપલબ્ધ નહીં હોવા બાબતેના રોકાણકારો દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ આપીને કે પાસબુક આવવાની મુદત આપી આપીને, પોસ્ટલ સ્ટાફ પણ પરેશાની ભોગવી રહ્યો છે. પોતાના પરસેવાની કમાણીનાં રોકાણનાં પુરાવારૂપ, પાસબુક નહીં મળતા કેટલાક રોકાણકારો સાથે પોસ્ટલ સ્ટાફને સંઘર્ષમાં ઉતરવું પડે ત્યારે, અન્ય કર્મચારીઓએ વચ્ચે મધ્યસ્થી કરીને રોકાણકારને સમજાવવા માટે પ્રયાસ કરવો પડતો હોય છે.
દાયકાઓથી સંનિષ્ઠ સેવા આપી રહેલા પોસ્ટ વિભાગ દ્વારા છાપવામાં આવતી પાસબુકની પ્રવર્તી રહેલી અછત પાછળ કયા પરિબળો જવાબદાર છે એ એક યક્ષપ્રશ્ન થઈ રહ્યો છે.
::::::
બોક્સ:
પોસ્ટ ઓફિસમાં નવું ખાતું ખોલાવવા આવતા ખાતેદારો કે રીકરીંગ, એમ. આઈ. એસ. વગેરે બચત યોજનામાં નાણા રોકતા રોકાણકારોને પણ અનેક સપ્તાહ વીતી જવા છતાં પાસબુક આપવામાં આવતી નથી. જેના પરિણામે કેટલાક રોકાણકારો હવે પોસ્ટ ઓફિસના કર્મચારી સામે જ શંકાની સોય ચીંધવા માંડ્યા છે. ભૂતકાળમાં એજન્ટ કે પોસ્ટલ કર્મચારીએ કરેલા કથિત કૌભાંડની વાતો સાંભળી ચૂકેલા રોકાણકારો હવે, યોગ્ય કારણ આપવા છતાં પોસ્ટ ઓફિસના સ્ટાફની વાતને સાચી માનવામાં ડર અનુભવે છે. પોતાની મહેનતના નાણાં, પોસ્ટ ઓફિસમાં રોકવા છતાં, માત્ર કાગળ ઉપર કે ચબરખી ઉપર મળતા લખાણનો ભરોસો કરવા અનેક રોકાણકારો તૈયાર નથી થતા. પોસ્ટ ઓફિસમાં પાસબુક સ્ટોકમાં નહીં હોવાની વાત રોકાણકારને ગળે ઉતરાવવામાં, પોસ્ટલ સ્ટાફને નાકે દમ આવી જાય છે.
