સતત વિકસતા અને આધુનિકતા તરફ કૂચ કરી રહેલા અમદાવાદ શહેરમાં હવે વિકાસની વ્યાખ્યા બદલાઈ રહી છે. જમીનની મર્યાદિત ઉપલબ્ધતા અને આધુનિક જીવનશૈલીની માંગને ધ્યાનમાં રાખીને શહેરમાં હવે ‘વર્ટિકલ ડેવલપમેન્ટ’ એટલે કે બહુમાળી ઈમારતોનો યુગ શરૂ થયો છે. એસ.જી. હાઈવે અને સિંધુભવન રોડ બાદ, હવે શહેરનો સાયન્સ સિટી વિસ્તાર હાઈ-રાઈઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું નવું કેન્દ્ર બની રહ્યો છે.41 માળની રેકોર્ડબ્રેક ઊંચાઈને મંજૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાયન્સ સિટીથી હેબતપુર રોડ પર અત્યાર સુધીની સૌથી ઊંચી ઈમારતોના નિર્માણ માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. સાયન્સ સિટીથી હેબતપુર રોડ પર 149.95 મીટર (અંદાજે 150 મીટર) ની ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે. આ ગગનચુંબી ટાવરમાં 3 અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર 41 માળનું ભવ્ય બાંધકામ કરવામાં આવશે. આ ઉપરાંત, મુખ્ય સાયન્સ સિટી રોડ પર પણ 3 બેઝમેન્ટ અને 31 માળ ધરાવતી 108.50 મીટર ઊંચી વૈભવી રહેણાંક ઈમારતોના નકશા મંજૂર કરાયા છે.
વૈશ્વિક ગેમ્સ માટે આગોતરી તૈયારીઓ
આ ગગનચુંબી ઈમારતોના નિર્માણ પાછળ માત્ર શહેરી વિકાસ જ નહીં, પરંતુ ભવિષ્યની મોટી યોજનાઓ પણ કામ કરી રહી છે. અમદાવાદ દ્વારા ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતગમતની સ્પર્ધાઓના યજમાનપદ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખેડૂતોની માંગણી સ્વીકારાઈ: વિજપોલના વળતર માટે માત્ર 24 કલાકમાં જ સરકારે જાહેર કર્યો સત્તાવાર પરિપત્ર
જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું આયોજન થશે, ત્યારે લાખોની સંખ્યામાં વિદેશી રમતવીરો, કોચ, સરકારી પ્રતિનિધિઓ અને વૈશ્વિક મીડિયા કર્મીઓ અમદાવાદ આવશે. આ મહેમાનોને વિશ્વસ્તરીય રહેણાંક સુવિધાઓ પૂરી પાડવા માટે આ પ્રકારના ‘સ્કાય-સ્ક્રેપર્સ’ અત્યંત જરૂરી છે. આ ઈમારતો માત્ર રહેવા માટેનું સ્થળ નહીં, પરંતુ આધુનિક સગવડોથી સજ્જ સેલ્ફ-સસ્ટેન્ડ ટાઉનશિપ જેવી હશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપક વિકાસ
માત્ર બિલ્ડિંગ જ નહીં, પરંતુ આ વિસ્તારમાં આયોજનબદ્ધ રીતે રોડ, ગટર, પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો વિકાસ પણ કરવામાં આવશે. સાયન્સ સિટી વિસ્તાર હવે માત્ર અમદાવાદનો એક ભાગ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરના માપદંડોને અનુરૂપ એક આધુનિક હબ બનવા જઈ રહ્યો છે.
