વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાણંદ ખાતે CG સેમિ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે. OSAT ફેસિલિટીના ઉદ્ઘાટન બાદ મોદીએ સંબોધન કરતા કહ્યું કે, કેમ છો બધા? આજનો કાર્યક્રમ એ વાતનું પ્રમાણ છે કે, ભારત જે નક્કી કરી લે એ કરી બતાવે છે. 5 વર્ષ પહેલાં ભારતે સંકલ્પ લીધો હતો કે, દેશને સેમિ કન્ડક્ટર હબ બનાવીશું.અમે મેક ઈન ઇન્ડિયાના મંત્રને લઈ આગળ વધ્યા છીએ. દેશના ત્રીજા પ્લાન્ટમાં ચિપ પેકેજિંગનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરાવ્યું છે.
PM મોદી શનિવારે પોતાના સંબોધનમાં ‘પંચાયત’ વેબ સિરીઝનો જાણીતો ડાયલોગ ‘સુન રહે હો ના વિનોદ’ બોલ્યા, જે સાંભળતા જ ત્યાં હાજર લોકો તાળીઓ વગાડવા લાગ્યા અને ખળખળાટ હસવા લાગ્યા. પીએમ મોદીએ કહ્યું કે “સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યૂશન્સના ચેરમેન વેલ્લાયન સુબૈયાજીએ ગુજરાતીમાં બે કહેવત સંભળાવી કે ‘નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન’ એટલે મારો પણ એ જ સ્વભાવ છે. હું નાનું લક્ષ્ય રાખતો જ નથી, હું ટૂંકા વિચારો નથી રાખતો. જો સ્ટેચ્યૂ પણ બનાવું છું, તો દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યૂ બનાવું છું. ‘સુન રહે હોના વિનોદ’ કામ બોલતા હૈ, કામ બોલે છે.” આ સાંભળીને ત્યાં હાજર લોકો અને મંચ પર ઉપસ્થિત લોકો ખળખળાટ હસવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા.PM મોદીએ કહ્યું હતું કે, CG સેમિનો પ્લાન્ટ જાપાન અને થાઇલેન્ડ સાથે ઇન્ડસ્ટ્રી પાર્ટનર સાથે જોડવાનો પ્રયાસ છે. આ ભારતની સેમિ કંડકટર યાત્રાને આગળ વધારશે. આજે કોમર્શિયલ ઉત્પાદન શરૂ થશે. દર વર્ષે 20 કરોડ ચિપ નીકળશે. દર વર્ષે 500 કરોડ ચિપ બનાવવાનો લક્ષ્યાંક છે. દરરોજ 1.50 કરોડ જેટલી ચિપ બનશે જે ખુબ જ જલ્દી કરશો એવો ભરોસો છે.
‘સાણંદમાં દેશનું એક સેમિ કંડકટર કલસ્ટર શરૂ’
તેમણે કહ્યું હતું કે, 20 વર્ષ પહેલાં મેં ગુજરાતમાં સેમિ કન્ડક્ટરનો પ્લાન્ટ લગાવવા માટે યોજના બનાવી હતી. ગાંધીનગર અને પ્રાંતિજ પાસે 350-400 એકર જમીન નક્કી કરી હતી. કંપનીઓ સાથે વાત કરી હતી. પરંતુ તે સમયે ભારત સરકારને શું થઈ ગયું કે, વાત આગળ વધી શકી નહીં. મારું 20-22 વર્ષ જૂનું સપનું પૂર્ણ થયું છે. દેશમાં તે સમયે ચિપની કોઈ ચર્ચા કરતું નહીં અને કોઈ વાત કરે તો મીડિયા મજાક ઉડાવતું હતું. હું આજે અંદરથી સૌથી વધુ ખુશી અનુભવું છું. સાણંદમાં દેશનું એક સેમિ કંડકટર કલસ્ટર શરૂ થયું છે. અનેક કંપનીઓ આવશે અલગ અલગ સેક્ટરની કંપનીઓ પણ આવશે. લાખો રોજગાર મળતાં અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે.
