નવસારીમાં ‘વિકાસ’ બેસી ગયો! ચાર કરોડના ખર્ચે બનેલો સિન્થેટિક ટ્રેકમાં પડ્યા ગાબડા, ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો

Spread the love

નવસારીનું જાણીતું લુન્સીકુઈ મેદાન જે વર્ષો પહેલા પારસી સદગૃહસ્થે પાલિકાને રમત ગમતની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે દાનમાં આપ્યું હતું. આ મેદાનમાં વર્ષોથી શહેરના બાળકો અને યુવાનો ક્રિકેટ સહિતની રમતો રમવા આતા હતા. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે દોડની તૈયારી પણ અહીં કરતા હતા. પાલિકાના તત્કાલિન કમિશનરે અહીં સિન્થેટિક ટ્રેક બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યો.ટ્રેક બન્યો તો ખરા પરંતુ તેની ગુણવત્તા ન જળવાઈ અને હવે તેની સ્થિતિ કાંઈક આવી છે.

 

કરોડોના ખર્ચે બનેલા ટ્રેકમાં પડ્યા ખાડા

ચોમાસું શરૂ થાય તે પહેલા જ આ સિન્થેટિક ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ તેની કામગીરી યોગ્ય રીતે ન કરવામાં આવતા મોટું ગાબડું પડી ગયું છે. આ ટ્રેક પર અન્ય સ્થળે પણ જમીન બેસી જતા ગાબડા પડી શકે છે. ટ્રેકની આ સ્થિતિ જોઈને સામાન્ય નાગરિકો તેમના ટેક્સના પૈસાનો વેડફાટ થયાની વ્યથા અનુભવી રહ્યા છે. તો વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યું છે.

 

સિન્થેટિક ટ્રેકના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ

નવસારી શહેરના હાર્દ સમા અને બાળકો અને યુવાનો માટે રમત ગમત માટેનું એકમાત્ર સ્થળ લુન્સીકુઈ મેદાનને રમત માટે વિકસિત કરવા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. અહીં પહેલા ડામરનો રોડ બનાવાયા બાદ તેના ઉપર સિન્થેટિક ટ્રેકનું મટીરિયલ પાથરી, ટ્રેક બનાવ્યો હતો. જે વરસાદ આવતા જ નીચે માટીનું પુરાણ હોવાથી બેસી ગયો છે. ત્યારે શાસકોએ તેને સત્વરે રીપેર કરાવવાની ખાતરી આપી છે.

 

સ્કૂલોમાં રજાઓ જાહેર : 8 કલાકમાં 10 ઈંચથી જળબંબાકારમાં ડૂબી ગયું સુરત! શહેરનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ

 

શાસકોએ આપી તાત્કાલિક કામગીરીની ખાતરી

પાલિકાએ સમારકામની ખાતરી તો આપી દીધી. પરંતુ એ હકીકત તો સૌની સામે જ છે કે, કામ વ્યવસ્થિત થયું નથી. ચાર કરોડનો મસમોટો ખર્ચ છતાં ટ્રેક તકલાદી સાબિત થયો છે. અને તેનો હેતુ પણ પૂર્ણ નથી થઈ રહ્યો. ત્યારે શહેરીજનો અને વિપક્ષની માંગ છે કે, આ મુદ્દે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. તો જ ભવિષ્યમાં આ રીતે જનતાના નાણાંનો વેડફાટ થતો અટકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *