ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી

Spread the love

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. અતિભારે વરસાદને પગલે ગુજરાતમાં કુલ 167 રોડ-રસ્તાઓ વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ભરૂચ અને અમરેલી જિલ્લામાં 1-1 નેશનલ હાઈવે પણ પાણી ભરાવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, પંચાયત હસ્તકના 157 જેટલા ગ્રામીણ માર્ગો પણ બંધ થઈ ગયા છે, જેને કારણે હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ભારે વરસાદની સૌથી માઠી અસર રસ્તાઓ પર જોવા મળી રહી છે. જિલ્લાવાર બંધ રસ્તાઓની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ 62 રસ્તાઓ બંધ છે, જ્યારે અમરેલી જિલ્લામાં 30 અને નવસારી જિલ્લામાં 26 રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સિવાય સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના 9, ભાવનગરના 7 અને દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના 5 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

 

એસટી બસ વ્યવહાર ખોરવાયો

 

રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે ગુજરાત એસટી (ST) બસના રૂટો પર પણ ભારે અસર પડી છે. મુસાફરોની સલામતીના ભાગરૂપે એસટી વિભાગ દ્વારા રાજ્યમાં કુલ 60 ટ્રીપો રદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ભાવનગર ડેપોની 30 ટ્રીપ રદ કરાઈ છે. આ ઉપરાંત જૂનાગઢ ડેપોની કુલ 14 ટ્રીપ અને અમરેલી ડેપોની 8 એસટી ટ્રીપો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

 

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

 

 

ઊર્જા વિભાગને મોટું નુકસાન

 

ભારે વરસાદ અને વાવાઝોડા જેવા માહોલના કારણે રાજ્યના ઊર્જા વિભાગને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યના કુલ 57 ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. વરસાદી આફતમાં વીજ કંપનીના 938 ફીડર બંધ થઈ ગયા છે, જ્યારે 1023 જેટલા વીજ પોલ (થાંભલા) જમીનદોસ્ત અને ધરાશાયી થઈ જતાં વીજ પ્રણાલી ખોરવાઈ ગઈ છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

વરાછામાં કમરસુધી પાણી ભરાયા

 

સુરતના વરાછા વિસ્તારમાં અનેક ઠેકાણે કમરસુધીના પાણી ભરાઈ ગયા છે. વરાછા રેલવે ગરનાળામાં પાણીનો ભારે ભરાવો થવાના કારણે સુરક્ષાના ભાગરૂપે ગરનાળું વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરી દેવાયું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો વચ્ચે અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે, જેના લીધે વાહનચાલકોને પોતાના વાહનોને ધક્કા મારવાની નોબત આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *