તમે પણ જીમમાં જઈને આંધળું પ્રોટીન પાવડર લો છો? શું તમને પણ રાત્રે વારંવાર પેશાબ કરવા જવાની આદત છે? સાવધાન! જેને આપણે સામાન્ય લાઈફસ્ટાઈલ સમજીએ છીએ, તે વાસ્તવમાં કિડની ફેલ્યોરની પહેલી નિશાની હોઈ શકે છે. ભારત આજે ‘ડાયાબિટીસ કેપિટલ’ બની રહ્યું છે ત્યારે ગુજરાતમાં કિડનીની બીમારીઓ એક છુપા રોગચાળાની જેમ યંગસ્ટર્સને સિકંજામાં લઈ રહી છે.
ગુજરાતના ૫ ટોચના કિડની સ્પેશિયાલિસ્ટોએ પથરી, પાણી, આયુર્વેદિક દવાઓ અને કાયદાકીય અંગદાન વિશે એવી વાસ્તવિકતા રજૂ કરી છે, જે દરેક ગુજરાતીએ આખો આર્ટિકલ વાંચીને આજે જ લોહીમાં ઉતારવા જેવી છે.
1. કિડનીના વિવિધ કાર્યો અને તેનું મહત્વ
ડો. તન્મય વાઘ (કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશિયન, બીમ્સ હોસ્પિટલ, ભાવનગર)
સામાન્ય ભાષામાં કિડની શું કામ કરે છે તે સમજાવતા ડો. તન્મય વાઘે જણાવ્યું કે, બંને કિડની 24 કલાક કાર્યરત રહીને રોજનું આશરે 150 થી 200 લીટર જેટલું બ્ડ ફિલ્ટર કરે છે.
તે યુરિયા અને ક્રિએટીનીન જેવા શરીરના નકામા કચરાને તથા એક્સટ્રા પ્રવાહી (પાણી) ને પેશાબ વાટે બહાર કાઢે છે.
તે બ્ડ પ્રેશર (બીપી) ને નિયંત્રણમાં રાખે છે.
શરીરમાં કેલ્શિયમનું લેવલ જાળવી રાખવા માટે વિટામિન ડી તત્વોને એક્ટિવેટ કરવાનું અને શરીરમાં રક્તકણો (RBCs – રેડ બ્લડ સેલ્સ) ના ઉત્પાદન પર નિયંત્રણ રાખવાનું મહત્વનું કામ પણ કિડની કરે છે.
૨. કિડનીનું જોખમ કોને છે અને કઈ સામાન્ય ટેસ્ટ કરાવવી?
ડો. રવિ ભડાણીયા (ડાયરેક્ટર, આલ્ફા કિડની હોસ્પિટલ, અમદાવાદ)
કિડનીના રોગોના જોખમ અને લાઈફસ્ટાઈલ પર વાત કરતા ડો. રવિ ભડાણીયાએ બે મુખ્ય બાબતો સ્પષ્ટ કરી:
કોને જોખમ છે?: જેમને હાઈ બ્ડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, વારંવાર પથરી થતી હોય, કિડનીમાં મોટા સિસ્ટ બનવાનો વારસાગત રોગ હોય કે જેમને વારંવાર પેઈન કિલર્સ (દુખાવાની ગોળીઓ) લેવાની ટેવ હોય, તેમને ભવિષ્યમાં કિડની ડેમેજ થવાનું રિસ્ક સૌથી વધારે છે.
તંદુરસ્ત લોકો માટે ચેકઅપ: સામાન્ય લોકોને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. તેથી કોઈ લક્ષણ ન હોય તો પણ વર્ષમાં એકવાર માત્ર ₹200-300 નો સામાન્ય ખર્ચ કરીને પેશાબમાં પ્રોટીન (Urine Protein) અને લોહીમાં ક્રિયાટીનીન (Creatinine) નું લેવલ ચેક કરાવી લેવું જોઈએ. આનાથી બીમારીને ઘણા વર્ષો અગાઉ જાણી શકાય છે.
બીપી અને ડાયાબિટીસની અસર: જો 50 વર્ષથી નાની ઉંમરે કોઈને હાઈ બીપી (150-160 ની ઉપર) રહેતું હોય, તો 99% કેસમાં તે કિડનીના ફિલ્ટરો ડેમેજ થવાને કારણે જ હોય છે. વધુમાં, જો ડાયાબિટીસના દર્દીઓને 20 વર્ષ સુધી ફોલો કરવામાં આવે, તો તેમાંથી 70% લોકોને કિડની ડેમેજ થાય જ છે. ભારત ‘ડાયાબિટીસ કેપિટલ’ છે અને ગુજરાતમાં બેઠાડુ જીવન (Sedentary Lifestyle) ને કારણે આ બીમારી હવે એક સ્લો રોગચાળો (Slow Epidemic) બની ગઈ છે.
૩. ડાયાલિસિસ વિરુદ્ધ કિડની ટ્રાન્સપ્લાન્ટ: કયો નિર્ણય કેમ શ્રેષ્ઠ?
ડો. સિદ્ધાર્થ માવાણી (ડિરેક્ટર – નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ, મેરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ)
જ્યારે દર્દી એન્ડ સ્ટેજ રનલ ડિસીઝ (ESRD) એટલે કે કિડની ફેઈલ્યોરના અંતિમ તબક્કામાં આવે, ત્યારે ડાયાલિસિસ પર રહેવું કે કિડની બદલાવવી, તે અંગે ડો. સિદ્ધાર્થ માવાણીએ 6 મુદ્દા દ્વારા ટ્રાન્સપ્લાન્ટને શ્રેષ્ઠ ચોઈસ ગણાવી:
કામની ક્ષમતા : ડાયાલિસિસ અઠવાડિયામાં બે વાર કરીએ તો માંડ 8 કલાક કચરો સાફ થાય, જ્યારે કુદરતી કિડની અઠવાડિયાના તમામ 168 કલાક કામ કરે છે. ટ્રાન્સપ્લાન્ટથી 168 કલાકનું કામ પાછું મળે છે.
કંટ્રોલ વિ. ક્યોર : ડાયાલિસિસ માત્ર રોગને કાબુ (Control) માં રાખે છે, મટાડતું નથી. જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ રોગનો કાયમી ઈલાજ (Cure) છે, જેનાથી ડાયાલિસિસ બંધ થાય છે અને ક્રિએટીનીન નોર્મલ થાય છે.
જીવનની ગુણવત્તા (Quality of Life): ડાયાલિસિસનો દર્દી વારંવાર હોસ્પિટલ બાઉન્ડ થાય છે, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દી નોકરી-ધંધો કરીને ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે છે.
લાંબુ જીવન (Quantity): સરેરાશ ડાયાલિસિસ દર્દીને 5 થી 7 વર્ષનો સમય આપે છે, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ દ્વારા દર્દી ભારતની સરેરાશ લાઈફસ્પાન (70 વર્ષ) સુધી લાંબુ જીવી શકે છે.
ખર્ચનું ગણિત (Cost): ડાયાલિસિસનો મહિને ₹20,000 થી ₹50,000 નો ખર્ચ ગણીએ તો વર્ષે ₹2.5 લાખ થાય અને આ ખર્ચ આજીવન ચાલુ રહે છે. તેની સામે ટ્રાન્સપ્લાન્ટનો એકવખતનો ખર્ચ ₹6 થી 7 લાખ થાય છે. જો દર્દી 2 વર્ષથી વધુ ડાયાલિસિસ પર રહે, તો તેનો ખર્ચ ટ્રાન્સપ્લાન્ટ કરતાં વધી જાય છે. (સરકારી પીએમજેવાય યોજનામાં ફ્રી ડાયાલિસિસ થતું હોય તો પણ યંગ દર્દીઓની કમાણી અને નોકરી પર થતી અસરને કેલ્ક્યુલેટ કરવી જોઈએ).
ડિમાન્ડ-સપ્લાય ગેપ: દેશમાં આશરે 14 કરોડ લોકોને કિડનીનો પ્રોબ્લેમ છે. દર મહિને ભારતમાં 340 લાખ (3.4 કરોડ) લોકોનું ડાયાલિસિસ થાય છે. દર વર્ષે 2 લાખ નવા દર્દીઓ ઉમેરાય છે (જે આંકડો પહેલા 1 લાખ હતો તે ડિસેમ્બર 2025 ના સર્વેમાં ડબલ થયો છે). આ 2 લાખની સામે દેશમાં વર્ષે માંડ 8,000 થી 10,000 ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એટલે કે દર વર્ષે 1.90 લાખ દર્દીઓ કિડનીથી વંચિત રહી જાય છે.
૪. પાણી પીવા અંગેની ગેરમાન્યતા અને પથરીનું જોખમ
ડો. આકાશ ઉપાધ્યાય (કન્સલ્ટન્ટ નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન, નિરાલી હોસ્પિટલ, નવસારી)
સમાજમાં પ્રવર્તતા બે મોટા ભ્રમ ભાંગતા ડો. આકાશ ઉપાધ્યાયે વૈજ્ઞાનિક તથ્યો રજૂ કર્યા:
પાણી પીવાનો ભ્રમ: કિડની સારી રાખવા અઢળક પાણી પીવું એ ગેરમાન્યતા છે. પાણી કેટલું પીવું તે વ્યક્તિ દર વ્યક્તિ અલગ હોય છે. દિવસનું 5 લીટર પાણી પીવાથી કચરો વધારે નહીં ગળાય. સામાન્ય રીતે 60 કિલો વજન ધરાવતી વ્યક્તિ માટે 24 કલાકમાં 2 લીટર પાણી સેફ અને આઈડિયલ ગણાય. વધુ પડતું પાણી વૃદ્ધોમાં સોડિયમ ઘટાડે છે, જે મગજ પર અસર કરે છે. તેમજ કિડનીના દર્દીઓ જો વધારે પાણી પીવે, તો ફેફસામાં પાણી ભરાઈ જવાથી (Fluid Overload) જીવનું જોખમ થઈ શકે છે.
પથરીનો ભ્રમ: પહેલીવાર પથરી થવાથી જ કિડની કાયમી ખરાબ થઈ જશે તેવો હાવ ખોટો છે. પરંતુ વારેવારે પથરી થવી, તેનાથી કિડનીમાં ઇન્ફેક્શન થવું કે પેશાબનો રસ્તો બ્લોક થવો – આ બે પરિબળો કિડની બગાડે છે. 80-90% કેસમાં લોકો પથરી કઢાવી લે છે પણ ‘પથરી કેમ થઈ?’ તેના મૂળમાં જતા નથી. સ્ટોન અને યુરિનનું એનાલિસિસ કરાવીને ડાયટરી ફેરફારો અને દવાઓથી ભવિષ્યમાં પથરી થતી રોકવી જરૂરી છે.
૫. ડાયાલિસિસના પ્રકારો અને સાયલન્ટ સીકેડી (CKD) ના લક્ષણો
ડો. મયંક શાહ (ડીએમ, નેફ્રોલોજીસ્ટ, શેલબી હોસ્પિટલ, અમદાવાદ)
ડાયાલિસિસના પ્રકારો અને કિડની ફેલ્યોરના છેલ્લા સ્ટેજના લક્ષણો વિશે ડો. મયંક શાહ અને ડો. તન્મય વાઘે સંયુક્ત રીતે માહિતી આપી:
ડો. મયંક શાહે ડાયાલિસિસના પ્રકારો સમજાવ્યા: ક્રોનિક પેશન્ટ્સ (ESRD) માટે બે પ્રકાર છે:
૧. હિમોડાયાલિસીસ, જેમાં મશીન અને ફિલ્ટર દ્વારા અઠવાડિયામાં 3 વાર, 4 કલાક લોહી સાફ કરાય છે.
૨. પેરીટોનિયલ ડાયાલિસીસ, જેને પેટના પાણીનું ડાયાલિસીસ કહે છે. આમાં પેટનું લેયર ફિલ્ટર તરીકે કામ કરે છે અને નાના બાળકો કે જેઓ લોહીનું ડાયાલિસિસ સહન નથી કરી શકતા, તેમના માટે ઘરના સપોર્ટ સાથે આ ઉત્તમ છે. આ સિવાય ICU ના દર્દીઓ માટે કટોકટીમાં SLED (8-10 કલાક) અને CRRT (24 કલાક સતત ચાલતું ડાયાલિસિસ) વપરાય છે.
સાયલન્ટ લક્ષણો (ડો. મયંક શાહ અને ડો. તન્મય વાઘ) : ક્રોનિક કિડની ડિઝીઝ (CKD) એટલે કે 3 મહિનાથી વધુ સમયથી ધીમે-ધીમે કિડની ડેમેજ થવી. શરૂઆતના સ્ટેજમાં કોઈ લક્ષણ નથી હોતા. દર્દી સીધા 10 કે 12 ક્રિએટીનીન સાથે આવે ત્યારે જ ખબર પડે છે.
અંતિમ તબક્કાના લક્ષણો:
ભૂખ ઓછી લાગવી
ઉલ્ટી-ઉપકા થવા
રાતે ઊંઘ ના આવવી
વારેઘડીએ પેશાબ જવા ઊભું થવું
પગમાં અને મોઢા પર સોજા આવવા
ચાલતી વખતે શ્વાસ ચડવો
ગભરામણ-મૂંઝારો થવો
આખા શરીરે ખંજવાળ આવવી
સિવિયર કેસમાં દર્દીને ખેંચ આવવી કે કોમામાં જતા રહેવું વગેરે સામેલ છે.
આ સ્ટેજ આવે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે અને ડાયાલિસિસ શરૂ કરવું પડે છે.
૬. આહારમાં મીઠા (Salt) પર કાપ મૂકવાનું બ્રહ્માસ્ત્ર
ડો. રવિ ભડાણીયા (અમદાવાદ)
લાઈફસ્ટાઈલ મોડિફિકેશનમાં ખોરાક અંગે ચેતવણી આપતા ડો. રવિ ભડાણીયાએ જણાવ્યું કે:
કિડની, બીપી, ડાયાબિટીસ કે લીવરના દર્દીઓએ દિવસમાં 5 ગ્રામથી ઓછું નમક (મીઠું) લેવું જોઈએ. રસોડાની ચમચી આખી ભરીને સપાટ કરો એટલું મીઠું એક વ્યક્તિને ૩ દિવસ ચાલવું જોઈએ, જે સામાન્ય રીતે લોકો માટે અઘરું છે.
ઉપાય: શાક અને દાળમાં જેટલું મીઠું વપરાય એટલું જ ખાવું. રોટલીના લોટમાં, ભાતમાં, સલાડમાં કે છાશમાં ઉપરથી મીઠું નાખવાનું બિલકુલ બંધ કરવું.
6 . કિડની ડોનેશનના મેડિકલ અને લીગલ આસ્પેક્ટ (Medical & Legal Aspects)
ડો. સિદ્ધાર્થ માવાણી (મેરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ)
કિડની એક અમૂલ્ય અને કુદરતી વસ્તુ છે, તેનું વ્યાપારીકરણ (Transaction) ન થઈ શકે તે વાત પર ભાર મૂકતા તેમણે નીચેના ક્રાઈટેરિયા જણાવ્યા:
મેડિકલ ક્રાઈટેરિયા (ક્લીવલેન્ડ ક્રાઈટેરિયા – Live Donor):
ઉંમર: ડોનરની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેથી તે પુખ્ત વયનો હોય અને કન્સેન્ટ (મંજૂરી) આપી શકે તેમજ તેની કિડની વધુ ઘસાયેલી ન હોય.
સ્વાસ્થ્ય: ડોનરને ડાયાબિટીસ ન હોવો જોઈએ, તે માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવો જોઈએ અને મોર્બિડલી ઓબેઝ (બહુ વધારે જાડો) ન હોવો જોઈએ, જેથી સર્જિકલ એરર કે પ્રોબ્લેમ ન થાય.
લીગલ કેટેગરીઝ (ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન એક્ટ – 1978/1994): અંગોનું વ્યાપારીકરણ અટકાવવા સરકારે ડોનર્સને ત્રણ ભાગમાં વહેંચ્યા છે:
ફર્સ્ટ ડિગ્રી (First Degree): સગા ભાઈ-બહેન, માતા-પિતા, પતિ-પત્ની, બાળકો (18+ વર્ષ) અને દાદા-દાદી. (દા.ત. લાલુપ્રસાદ યાદવને તેમની દીકરીએ કિડની આપી).
સેકન્ડ ડિગ્રી / ઈમોશનલી રિલેટેડ (Second Degree): કાકા, મામા, ફોઈ, માસી, તેમના છોકરાઓ (કઝિન્સ), ભાભી, સાસુ-સસરા કે વેવાઈ. જો સરકારને યોગ્ય પ્રૂફ આપવામાં આવે, તો સરકાર મંજૂરી આપે છે.
અનરિલેટેડ (Unrelated): ખાસ મિત્ર, પડોશી, સાધુ-સંત કે જેઓ કોઈ કારણસર કે લાલચમાં (મોબાઈલ ખરીદવો વગેરે) કિડની આપવા માંગતા હોય. ભારતમાં 1978 થી અનરિલેટેડ ડોનેશન અલાઉડ નથી.
ટ્રાન્સપ્લાન્ટ ક્યાં થઈ શકે?: માત્ર ક્વોલિફાઈડ નેફ્રોલોજીસ્ટ અને યુરોસર્જનની ટીમ જ આ કરી શકે. નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) જે સેન્ટર્સનું ઇન્સ્પેક્શન કરીને મંજૂરી આપે, જ્યાં સ્પેશિયલ ટ્રાન્સપ્લાન્ટ ICU, ઓપરેશન થિયેટર, બ્લડ બેંક, ડ્રગ લેવલ ટેસ્ટિંગ અને ફૂલ-ટાઈમ એક્સપર્ટ્સ હોય ત્યાં જ આ સર્જરી થઈ શકે.
7 . બોડીબિલ્ડિંગ અને વે-પ્રોટીન (Whey Protein) ની કિડની પર અસર
ડો. આકાશ ઉપાધ્યાય (નિરાલી હોસ્પિટલ, નવસારી)
આજકાલ યંગ એજમાં કિડની ફેલ્યોરના કેસ વધ્યા છે અને જીમમાં જતા 90% યુવાનો વે-પ્રોટીન કે ક્રિએટીનીન સપ્લિમેન્ટ્સ લે છે. તેના પર સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું:
સાચું કે ખોટું?: આ વાત પૂરી સાચી પણ નથી અને ખોટી પણ નથી. જો કિડની તંદુરસ્ત હોય અને શરીરમાં પાણીનું પ્રમાણ (Hydration) યોગ્ય હોય, તો પ્રોટીન પાવડર લઈ શકાય.
જોખમ: જો કિડની પહેલેથી જ નબળી હોય, તો વધુ પ્રોટીન પાવડર લેવાથી બ્ડનું ક્રિએટીનીન લેવલ ઘણું વધી જાય છે અને કિડની કાયમી ડેમેજ થઈ શકે છે. તેથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનું આંધડું અનુસરણ ન કરવું જોઈએ.
8 . ડાયાલિસિસ: ટેમ્પરરી (Temporary) વિરુદ્ધ પરમેનેન્ટ (Permanent)
ડો. મયંક શાહ (શેલબી હોસ્પિટલ, અમદાવાદ)
ડાયાલિસિસ શરૂ થતા જ લોકો ડરી જાય છે કે આ આજીવન ચાલશે? તેના વિશે ડોક્ટરે બે સ્થિતિ સ્પષ્ટ કરી:
ટેમ્પરરી ડાયાલિસિસ (Acute Kidney Injury): જો ડીહાઈડ્રેશન, કોરોના ઇન્ફેક્શન, મલેરિયા, ડેન્ગ્યુ કે અકસ્માતમાં અચાનક બ્ડ લોસ થવાને કારણે કિડનીને સેકન્ડરી ડેમેજ થયું હોય, તો પ્રાયમરી રોગ મટતા જ કિડની સંપૂર્ણ રિકવર થઈ જાય છે. આવા કેસમાં માત્ર ૩ થી ૪ અઠવાડિયા જ ડાયાલિસિસની જરૂર પડે છે.
પરમેનેન્ટ ડાયાલિસિસ (Chronic Kidney Disease): જો ડાયાબિટીસ કે બ્ડ પ્રેશર જેવી ક્રોનિક બીમારીઓને કારણે કિડની ધીમે-ધીમે ઘસાઈને સ્ટેજ-5 (છેલ્લા સ્ટેજ) માં પહોંચી ગઈ હોય, તો દર્દીએ આજીવન પરમેનેન્ટ ડાયાલિસિસ કરાવવું જ પડે છે અથવા ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે.
લાઈફસ્ટાઈલ: જે પેશન્ટની જનરલ કન્ડિશન સારી હોય, તે અઠવાડિયામાં ૨-૩ વાર ૪ કલાકનું ઓપીડી બેઝ ડાયાલિસિસ કરાવીને નોર્મલ નોકરી-ધંધો અને મુસાફરી (Travel) પણ કરી શકે છે. બસ, ફરવા જતા પહેલા નજીકનું ડાયાલિસિસ સેન્ટર શોધી રાખવું પડે.
9. ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝ (CKD) ના મુખ્ય કારણો
ડો. તન્મય વાઘ (બીમ્સ હોસ્પિટલ, ભાવનગર)
ભારત અને ગુજરાતમાં કિડની ફેલ્યોરના મુખ્ય કારણો નીચે મુજબ છે:
ડાયાબિટીસ (Diabetes): 75% થી 80% કેસોમાં મુખ્ય કારણ ડાયાબિટીસ છે.
હાઈ બ્લડ પ્રેશર (Hypertension): બીજા નંબરે આવતું સૌથી મોટું કારણ.
અન્ય કારણો: વારંવાર થતી પથરી, પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થવી (જેનાથી પેશાબ બ્લોક થઈ કિડની પર સોજો આવે છે).
OTC – પેઈન કિલર્સ: ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર શરદી-તાવ કે દુખાવા માટે મેડિકલ સ્ટોર પરથી સીધી લાવીને ગળવામાં આવતી ગોળીઓ કિડનીને સાયલન્ટલી ખતમ કરે છે.
CKDu (Unknown Cause): ભાવનગર અને ખેતીવાડી વિસ્તારના શ્રમિકોમાં, સતત તડકામાં કામ કરવાથી થતું ડીહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોક પણ કિડની ખરાબ થવાનું અજ્ઞાત કારણ છે.
10 . કેડેવર ટ્રાન્સપ્લાન્ટ (Cadaver) અને સરકારી પોર્ટલ (SOTO / ROTO / NOTO)
ડો. સિદ્ધાર્થ માવાણી (અમદાવાદ)
જે દર્દીઓ પાસે ઘરમાં કોઈ લાઈવ ડોનર નથી અથવા ફિટ નથી, તેમના માટે સરકારી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે:
નોંધણી (Enrollment): નેફ્રોલોજીસ્ટ પેશન્ટના ડોક્યુમેન્ટ્સ અને મેડિકલ ફિટનેસ તપાસીને સરકારી પોર્ટલ પર નામ રજીસ્ટર કરાવે છે. સ્ટેટ લેવલે SOTO (State Organ and Tissue Transplant Organization), રીજનલ લેવલે ROTO અને નેશનલ લેવલે NOTO આ વેટિંગ લિસ્ટ સંભાળે છે.
કેડેવર ડોનર (Cadaver / Brain Death): અકસ્માત કે બ્રેન હેમરેજને કારણે જ્યારે દર્દીનું મગજ કાયમી કામ કરતું બંધ થાય અને સરકાર માન્ય બે ન્યુરો-ડોક્ટરો 6 કલાકના ગેપમાં તપાસીને ‘બ્રેન ડેથ’ જાહેર કરે, તેને કેડેવર કહેવાય. પરિવારની સંમતિથી તેમાંથી હૃદય, ફેફસા, લીવર અને બે કિડની મેળવીને વેટિંગ લિસ્ટના દર્દીઓને અપાય છે.
વેટિંગ ટાઈમ: ડિમાન્ડ ખૂબ વધારે છે અને ઓર્ગન ડોનેશન ઓછું હોવાથી, બ્લડ ગ્રુપ પ્રમાણે હાલમાં એવરેજ ૩ થી ૫ વર્ષનો લાંબો વેટિંગ પિરિયડ ચાલે છે.
11. તમામ પાંચેય ડોક્ટરોનો અંતિમ મહાસૂત્ર / મેસેજ (Final Takeaway)
ડો. મયંક શાહ: ડાયાબિટીસ અને બીપી વાળા દર્દીઓએ દર ૧ કે ૨ મહિને યુરિન અને ક્રિએટીનીનનો રિપોર્ટ કરાવવો જ જોઈએ.
ડો. તન્મય વાઘ: જો ૫૦ વર્ષથી ઓછી ઉંમરે હાઈ બીપી આવે તો 99% કારણ કિડની હોઈ શકે, હાર્ટના ડોક્ટર પહેલા કિડનીના ડોક્ટરને બતાવો. તેમજ જો રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવું પડે તો તે કિડની ડેમેજના ફર્સ્ટ સાઈન હોઈ શકે છે, લાપરવાહી ન રાખવી.
ડો. સિદ્ધાર્થ માવાણી: ૩૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી દરેકે રેગ્યુલર બોડી અને કિડની ચેકઅપ કરાવવું જોઈએ. ‘પ્રિવેન્શન ઇસ બેટર ધેન ક્યોર’.
ડો. આકાશ ઉપાધ્યાય: કિડની રોગની તપાસ (માત્ર ₹૨૦૦-૩૦૦) મોંઘી નથી હોતી, કિડનીની બીમારી મોંઘી હોય છે. જમીન-પ્રોપર્ટી કરતાં મોટું ઇન્વેસ્ટમેન્ટ પોતાની હેલ્થમાં છે. આયુર્વેદ કે હર્બલ મેડિસિન્સના નામે ચાલતી દુકાનો ફોલ્સ હોપ (ખોટી આશા) આપીને ટ્રીટમેન્ટ ડીલે કરાવે છે, તેનાથી દૂર રહો.
ડો. રવિ ભડાણીયા : બજારમાં મળતા ‘લો-સોડિયમ સોલ્ટ’ (Low Sodium Salt) કે સેંધા નમકમાં સોડિયમની જગ્યાએ પોટેશિયમ ક્લોરાઈડ હોય છે, જે કિડનીના દર્દીઓ માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
