તમિલનાડુમાંથી છેતરપિંડીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં 69 વર્ષના એક વ્યક્તિને 300થી વધારે લક્ઝરી હોટલને કથિત રીતે છેતરવાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપી 30 વર્ષ સુધી દેશની અલગ અલગ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો, પણ એકેય જગ્યાએ એક રૂપિયો પણ આપ્યો નહીં. પોલીસનું કહેવું છે કે આરોપી હોટલમાં રોકાવા માટે નકલી ઓળખ પત્રનો ઉપયોગ કરતો હતો અને પછી બિલ ચૂકવ્યા વિના ત્યાંથી ભાગી જતો હતો.
આ વ્યક્તિની તુલના મહાઠગ ચાર્લ્સ શોભરાજ સાથે થઈ રહી છે.
રાયપુરની હયાત હોટલમાંથી કિંમતી લેપટોપ પણ લઈ ગયો
પોલીસનું કહેવું છે કે આરોપી બિંગસન જોન અલગ અલગ ઓળખ સાથે લક્ઝરી હોટલમાં ચેક-ઈન કરતો. ક્યાંક તે ટૂરિસ્ટ ગાઈડ, ક્યાંક અંગ્રેજીના પ્રોફેસર તો ક્યાંક યોગ ટ્રેનર તરીકે કેટલાય દિવસ સુધી હોટલમાં રહેતો અને ત્યાંની સુખ સુવિધાનો આનંદ ઉઠાવતો અને પછી મોકો જોઈને બિલ ચૂકવ્યા વિના ત્યાંથી નીકળી જતો. ઘણી વાર હોટલની કિંમતી વસ્તુઓ પર પણ હાથ સાફ કરતો. જોનની છેતરપિંડીનો હાલમાં શિકાર રાયપુરની હયાત હોટલ બની છે. અહીં તે બે દિવસ સુધી રોકાયો અને 63755 રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના ત્યાંથી નીકળી ગયો. પોલીસનું કહેવું છે કે તે હોટલમાંથી 1.48 લાખ રૂપિયાનું કિંમતી લેપટોપ પણ ચોરી ગયો.
ભુવનેશ્વરમાંથી જોનની ધરપકડ થઈ .
હોટલમાંથી ફરિયાદ મળ્યા બાદ એન્ટી ક્રાઈમ, સાઈબર યુનિટ અને તેલીબાંધા પોલીસ સ્ટેશને તપાસ શરુ કરી. તપાસ ટીમે જ્યારે જોનનો મોબાઈલ ફોન રેકોર્ડ, દસ્તાવેજ અને અન્ય પુરાવા ખંગાળ્યા તો તેનું લોકેશન ભુવનેશ્વરમાં મળ્યું. ત્યાર બાદ રાયપુર પોલીસની ટીમ ભુવનેશ્વર પહોંચી અને ત્યાંથી તેની ધરપકડ કરી. જોન પાસેથી લેપટોપ પણ મળી આવ્યું. પૂછપરછમાં જોને જણાવ્યું કે તેણે આવી રીતે 300થી વધારે લક્ઝરી હોટલને ચૂનો લગાવી ચૂક્યો છે અને તે વર્ષ 1990થી આ ધંધો કરતો આવે છે.
વર્ષ 2022માં કોલ્લમ રેલવે સ્ટેશનથી ધરપકડ થઈ હતી
વર્ષ 2022માં જોનને કેરળના કોલ્લમ રેલવે સ્ટેશન નજીક પોલીસે ધરપકડ કરી હતી. આ કાર્યવાહી તિરુવનંતપુરમની એક ફાઈવ સ્ટાર હોટલની ફરિયાદ બાદ થઈ હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે તે કેટલાય દિવસ સુધી હોટલમાં રોકાયો પણ બિલ ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જોને હોટલમાં એક સન્માનિત અને સભ્ય મહેમાનની માફક વ્યવહાર કર્યો હતો. તેના આત્મવિશ્વાસ અને શાલીનતાથી હોટલ સ્ટાફ એટલો પ્રભાવિત થયો કે તેની પાસેથી એડવાન્સ પેમેન્ટ પણ ન લીધું. રોકાયા બાદ તે બિલ ચૂકવ્યા વિના નીકળી ગયો અને હોટલનું એક લેપટોપ પણ ચોરીને લઈ ગયો. ધરપકડ બાદ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો.
અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ, લગ્ન નથી કર્યા
જોને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો અને તેણે ક્યારેય લગ્ન નથી કર્યા. 1980ના દાયકામાં તે દિલ્હીમાં ટૂરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતો હતો. આ દરમિયાન જ્યારે તે વિદેશી પર્યટકો સાથે યાત્રા કરતો હતો, તો કેટલીય હોટલોમાં મફત રોકાવાની સુવિધા આપતા હતા. પૂછપરછ દરમિયાન જોને પોલીસને જણાવ્યું કે, એક વાર કોઈ વિવાદ બાદ એક લક્ઝરી હોટલના કર્મચારીએ તેનું અપમાન કર્યું હતું આ ઘટના બાદ તેણે મોંઘી હોટલોને ટાર્ગેટ બનાવવાનો નિર્ણય લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, જોનની પહેલી ધરપકડ 1996માં થઈ હતી. ત્યાર બાદ તે તિહાડ જેલમાં ગયો અને 15 વર્ષ સુધી કેરળ, તમિલનાડુ, ગોવા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત કેટલાય રાજ્યોની જેલમાં રહ્યો.
તિહાડ જેલમાં ચાર્લ્સ શોભરાજથી પ્રભાવિત થયો
તપાસ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તિહાડ જેલમાં રહેતી વખતે કુખ્યાત સીરિયલ કિલર અને ઠગ ચાર્લ્સ શોભરાજથી તે પ્રભાવિત થયો હતો. ત્યાર બાદ તેણે શોભરાજની માફક નકલી ઓળખ અને છેતરપિંડીની મદદ લઈ ફાઈવ સ્ટાર હોટલોમાં રોકાવાનો કીમિયો અપનાવ્યો.
