અમિત રાય, મુંબઈમુંબઈના દહિસર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક ચોંકાવનારો કિસ્સો શોધી કાઢ્યો છે, જ્યાં એક ભેળસેળખોર પ્રખ્યાત દૂધ બ્રાન્ડના નામે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૨ને બાતમી મળી હતી કે દહિસર પૂર્વમાં એક રૂમમાં નામી ડેરી કંપનીઓના પેકેટ કાપીને તેમાં ગંદુ પાણી ભેળવવામાં આવે છે.
આ માહિતીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) સાથે મળીને દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી 470 લીટર ભેળસેળયુક્ત દૂધ, અમૂલ તાઝા, અમૂલ ગોલ્ડ અને અમૂલ બફેલો દૂધના ૩૨૭ નકલી ખાલી પાઉચ મળી આવ્યા હતા. આ ઉપરાંત, દૂધ સીલ કરવાનું મશીન, સ્ટવ પિન અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. આરોપીની મોડસ ઓપરેન્ડી ખૂબ જ જોખમી હતી; તે બ્રાન્ડેડ દૂધના મૂળ પેકેટને કાપી, તેમાંથી થોડું દૂધ કાઢીને તેમાં અસ્વચ્છ પાણી ભેળવતો હતો. ત્યારબાદ, મીણબત્તી અને સ્ટવ પિનની મદદથી પાઉચને ફરીથી એવી રીતે સીલ કરતો હતો કે ગ્રાહકોને ખબર પણ ન પડે કે આ દૂધ નકલી છે. પોલીસે સ્થળ પર જ ૪૭૦ લીટર ભેળસેળયુક્ત દૂધનો નાશ કર્યો હતો, જેની કુલ કિંમત 39,750 રૂપિયા આંકવામાં આવી છે.
આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે દહિસર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ કેટલા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો અને તે આ નકલી દૂધ મુંબઈના કયા કયા વિસ્તારોમાં સપ્લાય કરતો હતો. આ ઘટનાએ દૂધની ગુણવત્તા અને તેની ખરીદી કરતી વખતે ગ્રાહકોએ રાખવી પડતી સાવધાની પર સવાલો ઉભા કર્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે હંમેશા અધિકૃત એજન્ટ કે સ્ટોર પાસેથી જ દૂધની ખરીદી કરે અને પેકેજિંગમાં કોઈ શંકાસ્પદ ફેરફાર જણાય તો તરત જ સત્તાવાળાઓને જાણ કરે. આવી પ્રવૃત્તિઓ માત્ર કાયદાકીય ગુનો જ નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથેનો મોટો ખેલ છે. મુંબઈ પોલીસ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોના નામ પણ સામે આવી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકી શકાય..
