મિલાવટખોરો પર તંત્રની ત્રાટક: ઉનાવા અને ઊંઝામાં કેમિકલયુક્ત કલરવાળી 26 ટન વરિયાળી જપ્ત, મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી

Spread the love

ગુજરાતમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવીને મહેસાણા જિલ્લામાં એક મોટી સફળતા હાસલ કરવામાં આવી છે.

 

મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કોડ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય કેમિકલ કલરની ભેળસેળવાળો અંદાજે ૨૬ ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૧૯.૬ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ મે. ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલના ગોડાઉન તેમજ મે. પટેલ રાકેશકુમાર તલસીભાઈની પેઢી પર તંત્રએ સપાટો બોલાવ્યો હતો.

 

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ બંને આસામીઓ વરિયાળીને વધુ પડતી લીલી અને આકર્ષક બતાવવા માટે તેમાં જોખમી અખાદ્ય કલર મિક્સ કરતા હતા. આ ઉપરાંત, બંને એકમો પાસે ધંધા માટે જરૂરી એવું ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ ઉપલબ્ધ નહોતું. અધિકારીઓ દ્વારા શંકાસ્પદ વરિયાળીના ત્રણ કાયદેસરના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે અને સમગ્ર લુઝ જથ્થો સીઝ કરીને કાયદેસરની તપાસ શરૂ કરી દેવાઈ છે.

 

રાજ્ય સરકાર નાગરિકોના જાહેર આરોગ્યની સુખાકારી જાળવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનારા ભેળસેળિયાઓ સામે આગામી દિવસોમાં આ ચેકિંગ ઝુંબેશને વધુ વ્યાપક અને કડક બનાવવામાં આવશે જેથી બજારમાં શુદ્ધ ચીજવસ્તુઓ મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *