અમદાવાદ, તા.9 અમદાવાદમાં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે. આ કચેરીમાં સર્વર ડાઉનની સમસ્યા ઘટશે અને સેન્ટ્રલ એસી ડોમ જેવી સુવિધાઓ મળશે. હર્ષભાઇ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, હવે કોઈની પણ ભલામણથી લાયસન્સ નહીં મળે; AI સિસ્ટમ ટેસ્ટ પાસ કરનાર અને વાહન ચલાવતા આવડતું હશે તેને જ લાયસન્સ મળશે.અમદાવાદ RTO કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ એક ખૂબ જ મહત્વની અને કડક જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હવેથી RTO માં કોઈની પણ ભલામણથી ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે નહીં.
એટલું જ નહીં, ખુદ ‘હર્ષભાઇ સંઘવીની ભલામણ’ હશે તો પણ લાયસન્સ નહીં નીકળે! હવે માત્ર અને માત્ર સ્માર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સિસ્ટમ જેને પાસ કરશે, તેને જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. વાહન ચલાવતા આવડતું હશે તો જ નાગરિકો લાયસન્સ મેળવી શકશે, જેનાથી રોડ સેફ્ટી વધુ મજબૂત બનશે.
અમદાવાદ શહેરના વાહનચાલકો માટે આ નવનિર્મિત પ્રાદેશિક પરિવહન કચેરી (RTO Office) ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. રૂ. 62 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય અને અદ્યતન ભવનના કારણે જૂની કચેરીની સરખામણીએ વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
આ આધુનિક કચેરી કાર્યરત થતાં જ હવે હજારો અરજદારોને રોજિંદી હાલાકી અને એજન્ટોના ત્રાસમાંથી કાયમી મુક્તિ મળશે. RTO કચેરીઓમાં સામાન્ય રીતે જોવા મળતી સર્વર ડાઉન થવાની કે ઓનલાઇન કામ અટકી જવાની સમસ્યાઓ હવે આ નવા ભવનમાં નહિવત થઈ જશે.
અહીં અત્યાધુનિક ડિજિટલ નેટવર્ક સિસ્ટમ સેટ કરવામાં આવી છે, જેથી નાગરિકોના ડિજિટલ કામો કોઈપણ અડચણ વગર મિનિટોમાં પૂરા થઈ શકે. આ નવી ટેકનોલોજીના કારણે કચેરીમાં કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની સમસ્યાથી પણ જનતાને કાયમી છૂટકારો મળશે.
