એન્જિન સુધી પાણી પહોંચતાં ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમને ભારે નુકસાન; રિપેરિંગ ખર્ચ ₹10 હજારથી લઈને લાખો રૂપિયા સુધી, સુરતના ગેરેજોમાં ગાડીઓનો ઢગલો
દક્ષિણ ગુજરાતમાં 7 જુલાઈએ પડેલા અતિ ભારે વરસાદ બાદ અનેક શહેરો અને ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી ઉપરાંત ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને પણ ભારે નુકસાન થયું છે.
ખાસ કરીને મધ્યમ વર્ગ માટે પોતાની ફેમિલી કારનું રિપેરિંગ હવે મોટો આર્થિક બોજ બની રહ્યું છે.
પૂરના પાણીમાં પાંચથી સાત ફૂટ સુધી ડૂબી ગયેલી કારોમાં એન્જિન ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચ્યું છે. આજે મોટાભાગની કાર સેમિક્ધડક્ટર આધારિત ઇલેક્ટ્રોનિક્સ મોડ્યુલ, સેન્સર, ECM, DCM અને અન્ય કંટ્રોલ યુનિટ પર ચાલતી હોવાથી પાણી ભરાતાં તેનું રિપેરિંગ અથવા બદલાવ અત્યંત ખર્ચાળ બની જાય છે.
ફોર-વ્હીલર ટેકનિશિયનોના જણાવ્યા મુજબ સામાન્ય કારમાં પણ નુકસાનનો ખર્ચ રૂૂ.10 હજારથી શરૂૂ થઈ લાખો રૂૂપિયા સુધી પહોંચી શકે છે. જ્યારે જર્મન અને જાપાનની પ્રીમિયમ કારોમાં સ્ટિયરિંગ રેક એસેમ્બલી, ઇલેક્ટ્રિક સ્ટિયરિંગ મોટર સહિતના પાર્ટ્સ બદલવાનો ખર્ચ રૂૂ.1 લાખથી રૂૂ.3 લાખ સુધી પહોંચી શકે છે.
પૂરના કારણે અનેક વાહન માલિકોને ઇન્સ્યોરન્સનો પણ પૂરતો લાભ મળતો નથી. ઘણા વાહનો માત્ર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હેઠળ હોવાથી પાણીથી થયેલા તમામ નુકસાનનું વળતર મળતું નથી. બીજી તરફ કોમ્પ્રિહેન્સિવ પોલિસી ધરાવતા ગ્રાહકોને પણ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સના વેરિફિકેશન બાદ જ ક્લેમ મંજૂર થતો હોવાથી પ્રક્રિયા લાંબી બની રહી છે.
સુરતમાં અંદાજે 300થી 400 જેટલા ફોર-વ્હીલર ગેરેજ અને ટેકનિશિયન કાર્યરત છે. પરંતુ અચાનક મોટી સંખ્યામાં પાણીમાં ડૂબેલી કારો આવતાં ગેરેજોમાં જગ્યા ખૂટી પડી છે. અનેક વાહનો હજુ પણ ઘરોની બહાર, પાર્કિંગમાં અને ગોડાઉન પાસે જ ઊભા રાખવામાં આવ્યા છે. બીજી તરફ જરૂરી ઇલેક્ટ્રોનિક્સ મોડ્યુલ અને સેમિક્ધડક્ટર આધારિત પાર્ટ્સની અછતને કારણે રિપેરિંગ કામગીરી પણ ધીમી પડી છે.
કૃષ્ણા મોટર્સના સંચાલક જગદીશભાઈ રાદડિયા અને પિયુષ રામાણીએ જણાવ્યું કે હાલમાં તેમના ગેરેજમાં 25થી 30 જેટલી પાણીમાં ડૂબેલી કારો રિપેરિંગ માટે આવી છે. ગેરેજમાં હવે વધુ વાહનો રાખવાની જગ્યા નથી. બજારમાં જરૂૂરી ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ સમયસર ઉપલબ્ધ ન હોવાથી વાહન માલિકોને લાંબી રાહ જોવી પડી રહી છે
