રશિયન ઓઈલ ખરીદવું પડશે ભારે? ભારત પર તોળાઈ રહ્યું છે 500% ટેરિફનું સૌથી મોટું જોખમ!

Spread the love

ફેબ્રુઆરીના અંતમાં મિડલ ઈસ્ટમાં યુદ્ધ છેડાયું અને ત્યારથી લઈને અત્યાર સુધી વાતાવરણ તંગ રહ્યું છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે ભારતની મુશ્કેલીઓ ફરીથી એકવાર વધી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો પડી ભાગ્યા બાદ હવે ફરી એકવાર યુદ્ધના નગારા વાગ્યા છે. ક્રૂડ ઓઈલ ઉછાળા મારી રહ્યું છે. આ બધા વચ્ચે રશિયાથી ઓઈલની ખરીદી પર અમેરિકાના નવા સેન્શન્સ બિલ(Sanctions Bill) ની ચર્ચાએ ભારત જેવા દેશોની ચિંતા વધારી છે.રશિયાથી ઓઈલ ખરીદનારા દેશો પર અમેરિકાની નવી કડકાઈ વચ્ચે હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારત પર ફરીથી તોતિંગ ટેરિફનું જોખમ છે? 500 ટકા ટેરિફ લાગી શકે છે?

 

અમેરિકાનું નવું રશિયન Sanctions Bill

વાત જાણે એમ છે કે અમેરિકાના ચાર દિગ્ગજ સેનેટરોએ ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને રશિયા પર નવા પ્રતિબંધો લગાવનારા નવા બિલને આગળ વધારવા પર સહમતિ બનાવી છે. આ બિલનો હેતુ રશિયા પર આર્થિક દબાણ વધારવાનો છે. જેથી કરીને તેના વોર મશીનને ફંડિંગ મળવાનું બંધ થાય. આ માટે એવા દેશોને ટાર્ગેટ પર રખાયા છે જે હજુ પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ, યુરેનિયમ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા છે. આ બિલ ‘Sanctioning Russia Act of 2025’ હેઠળ લાવવામાં આવી રહ્યું છે.

 

આ બિલને રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રાહમ, અને રોજર વિકર સાથે ડેમોક્રેટિક સાંસદ રિચર્ડ બ્લૂમેન્થલ અને જીન શાહીન આગળ વધારી રહ્યા છે. ચારેય સેનેટરોએ કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન સાથે તેમની સહમતિ બની છે અને બિલનો નવો ડ્રાફ્ટ જલદી રજૂ કરાશે. તેમનું કહેવું છે કે રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે આથી રશિયા પાસેથી ઉર્જા ખરીદીને તેમની કમાણી વધારનારા દેશો પર દબાણ વધારવું જરૂરી છે.

 

શું ફરી લાગશે 500 ટકા ટેક્સ?

આ બિલનો પહેલો ડ્રાફ્ટ જ ખુબ આકરો હતો. આ બિલના જૂના ડ્રાફ્ટમાં એવો પ્રસ્તાવ હતો કે જે દેશો રશિયા પાસેથી ઓઈલ, ગેસ, યુરેનિયમ અને બીજા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદતા રહેશે તેમના પર અમેરિકા નિકાસ થતી વસ્તુઓ પર 500 ટકા સુધી ટેરિફ લગાવવામાં આવી શકે છે. તે સમયે અમેરિકી સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે તેને બોન ક્રશિંગ એટલે કે હાડકાં તોડનારી પેનલ્ટી ગણાવી હતી.જો કે અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બિલમાં કેટલાક ફેરફાર કરાયા છે અને ટેરિફના દર પહેલા કરતા ઘણા ઓછા કરાયા છે. પરંતુ ટ્રમ્પ પ્રશાસને હજુ પણ બિલનો ફાઈનલ ડ્રાફ્ટ બહાર પાડ્યો નથી. આથી હાલ હજુ એ સ્પષ્ટ નથી કે અંતિમ કાયદામાં ટેરિફ કેટલો લાગશે.

 

શું રાષ્ટ્રપતિને છૂટ આપવાનો પાવર મળશે?

જો કે એક સારી વાત એ છે કે આ પ્રસ્તાવિત બિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિને એ અધિકાર પણ આપવામાં આવ્યો છે કે જો અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં જરૂરી હોય તો તે કોઈ પણ દેશને આ પ્રતિબંધોમાંથી 180 દિવસ સુધી છૂટ આપી શકે છે.

 

ભારત પર કેમ બધાની નજર

ચારેય સેનેટર સેંક્શનિંગ રશિયા એક્ટ 2025ના સૌથી મોટા સપોર્ટર છે. આ બિલનું સમર્થન કરતા અમેરિકી સેનેટરોએ ભારતનો ખાસ ઉલ્લેખ કર્યો છે. આ કાયદાની ચર્ચામાં ભારત અને ચીનનો વારંવાર ઉલ્લેખ થઈ રહ્યો છે. જૂન 2025માં સેનેટર લિંડસે ગ્રાહમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કડક ચેતવણીમાં લખ્યું હતું કે જો ભારત અને ચીન રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેમણે તેના પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તેમનું કહેવું હતું કે તેનાથી રશિયાને યુદ્ધમાં આર્થિક મદદ મળે છે.

 

ભારત માટે કેમ મહત્વનું?

ભારત દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઈલના આયાતકાર દેશોમાં સામેલ છે અને રશિયા પાસેથી મોટા પાયે સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદે છે. આવામાં જો અમેરિકાનું આ નવું બિલ અમલમાં આવી જાય અને તેમાં ભારત જેવા દેશો પર કડક પ્રતિબંધો કે તોતિંગ ટેરિફ લાગે તો તેની અસર ભારતના ટ્રેડ અને એનર્જી ઈમ્પોર્ટ પર પડી શકે છે. જો કે અંતિમ નિર્ણય બિલના ફાઈનલ ડ્રાફ્ટ અને આગળની કાનૂની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થશે.

 

એકબાજુ જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી તણાવ વધ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામના અંતની વાત કરી છે. ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આવા માહોલમાં રશિયા પાસેથી ઉર્જા ખરીદનારા દેશો પર અમેરિકાની નવી રણનીતિ પર સમગ્ર દુનિયાની નજર છે. હાલ તો ભારત પર કોઈ નવો ટેરિફ લાગૂ થયો નથી પરંતુ પ્રસ્તાવિત અમેરિકી બિલ પર આગળ શું નિર્ણય લેવાય છે તેના પર બધાની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *