ટોકિયો, તા.11 વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં જાપાનમાં 5300 કંપનીઓ નાદારી નોંધાવી છે જે છેલ્લા 12 વર્ષનો સૌથી ઊંચો આંક છે. વધી રહેલા ભાવો તથા કર્મચારીઓની અછતને કારણે કંપનીઓના વેપાર દબાણ હેઠળ આવી જતા દેવાળુ ફુકાવાનો વારો આવ્યો છે.
ટોકયો શોકો રિસર્ચ પેઢીના રિપોર્ટ પ્રમાણે, 2012 બાદ કોઈ વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીઓની નાદારીનો આ સૌથી મોટો આંક છે.
સતત પાંચમાં વર્ષમાં કંપનીઓની બેન્કરપ્સીની સંખ્યામાં વધારો જોવા મળ્યો ફુગાવા, નબળા યેન, કર્મચારીઓની અછત તથા લોન ખર્ચમાં વધારા જેવી બાબતોનો સામનો કરી રહેલા જાપાનના વેપારગૃહો પર દબાઁણ વધી રહ્યું હોવાનું ઉક્ત આંકડા પરથી કહી શકાય એમ છે.
એક કરોડ યેન (અંદાજે 61600 ડોલર) જેટલા દેવા સાથેની કંપનીઓની સંખ્યા વાર્ષિક ધોરણે 7.10 ટકા જેટલી વધી 5346 પહોંચી છે.પડકારોની સૌથી વધુ અસર નાના વેપારગૃહો પર વધુ જોવા મળી છે.
નાદારીમાં ગયેલી કંપનીઓમાંથી 90 ટકાથી વધુ કંપનીઓ દરેક દસથી ઓછા કર્મચારી ધરાવતી હતી. 80 ટકા કંપનીઓના માથે જવાબદારીનો આંક 10 કરોડ યેનથી નીચે હતો. નાદારીનો ભોગ બનનારી કંપનીઓમાં નાની તથા મધ્યમ કદની કંપનીઓ વધુ છે. એક અબજ યેન કે તેથી વધુના દેવાબોજ સાથેની નિષ્ફળ ગયેલી કંપનીઓની સંખ્યા 114 જેટલી રહી છે.
કોઈ વર્ષના પ્રથમ છ મહિનામાં એક અબજ યેન કે તેથી વધુના દેવાબોજ સાથેની નિષ્ફળ ગયેલી કંપનીઓની સંખ્યા 100થી ઉપર ગઈ હોય તેવું વર્તમાન વર્ષમાં પહેલી વખત જોવા મળ્યું છે. શ્રમ લક્ષી તથા ઉપભોગતાનો સામનો કરતા ઉદ્યોગો સૌથી વધુ નિષ્ફળ રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
