ફૂડ રેગ્યુલેટર FSSAI એ ક્વિક કોમર્સ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart) ને 9 નોટિસ ફટકારી છે. જણાવી દઈએ કે, પ્લેટફોર્મ પર સડેલા અને એક્સપાયર (મુદત પૂરી થઈ ગઈ હોય તેવા) થઈ ચૂકેલા ફૂડ પ્રોડક્ટ્સની સપ્લાય કરવાનો આરોપ લાગ્યો છે. FSSAI એ આ પગલું ઘણા ગ્રાહકોની ફરિયાદો બાદ ઉઠાવ્યું છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ આ અંગે માહિતી આપી હતી. રેગ્યુલેટરે જણાવ્યું કે તેણે FSSAI એક્ટ 2006 હેઠળ નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ જારી કરી છે.
ગ્રાહકોની ફરિયાદોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા એક્સપાયર થયેલા, બગડેલા, સડેલા, દૂષિત અને અસુરક્ષિત ફૂડ પ્રોડક્ટ્સની સપ્લાય કરવામાં આવી હતી. રેગ્યુલેટરે પ્લેટફોર્મને વિગતવાર સ્પષ્ટીકરણ આપવા અને કમ્પ્લાયન્સ રિપોર્ટ (નિયમોના પાલનનો અહેવાલ) સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તેમ કરવામાં નહીં આવે તો ઇન્સ્ટામાર્ટ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.ગ્રાહકોની ફરિયાદો વિશે વિગતવાર જણાવતા FSSAI એ કહ્યું કે, એક શિશુ આહાર (ઇન્ફન્ટ ફૂડ ફોર્મ્યુલેશન) ખૂબ જ ખરાબ અને અસુરક્ષિત સ્થિતિમાં જોવા મળ્યો હતો. તેના દૂષિત હોવાના અને ખોટી રીતે સ્ટોરેજ તેમજ હેન્ડલિંગ કરવાના સંકેત મળ્યા હતા. પ્રોડક્ટ પરત કર્યા પછી પણ કથિત રીતે તેને ફરીથી સપ્લાય કરવામાં આવ્યો હતો.
ફરિયાદોમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા દૂષિત ઇંડા અને દૂધ, બગડેલી પેકેજ્ડ ફૂડ આઇટમ્સની ડિલિવરી કરવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. FSSAI એ ખોટા, અમાન્ય અથવા એવા લાઈસન્સ નંબર પણ જોયા છે, જે અસ્તિત્વમાં જ નથી. ફૂડ બિઝનેસ કરતી કંપનીઓને કથિત રીતે તેમના FSSAI રજિસ્ટ્રેશનમાં નોંધાયેલા નામો કરતાં અલગ નામોથી લિસ્ટ કરવામાં આવી રહી હતી.
સુધારાના નામે કંઈ નહીં, બસ ‘રિફંડ’
FSSAI નું કહેવું છે કે, “કેટલીક ફરિયાદોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફરિયાદો આગળ વધારવા અથવા ઉચ્ચ સ્તરે લઈ જવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ફરિયાદનું નિવારણ થયું નથી અને કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. એક ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ફૂડ સેફ્ટી સાથે જોડાયેલી ચિંતાઓનું નિવારણ કર્યા વિના માત્ર રિફંડની ઓફર કરવામાં આવી હતી.”
રેગ્યુલેટરે જણાવ્યું કે, નોટિસોમાં ઘણી ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ચિંતાઓમાં સેલરને પ્લેટફોર્મ પર એડ (ઉમેરવા) કરવા, નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ, ટ્રેસેબિલિટી (પ્રોડક્ટ ક્યાંથી આવી તેની ખબર મેળવવી), ફૂડ ક્વોલિટી પર દેખરેખ, ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ, ફૂડ બિઝનેસની પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું યોગ્ય રીતે પાલન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.
તાજેતરમાં જ FSSAI એ એનર્જી ડ્રિંક બનાવતી ઘણી કંપનીઓ, દારૂ બનાવતી કંપનીઓ (બ્રુઅરીઝ), ફૂડ કંપનીઓ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મને નોટિસ જારી કરી હતી.
