6 મહિના બાદ પોલીસના હાથે આરોપી! બિલ્ડર ઋષભ પટેલ આત્મહત્યા કેસમાં ક્રિશલ પટેલ ઝડપાયો

Spread the love

શહેરના બિલ્ડર ઋષભ આત્મહત્યા કેસમાં છેલ્લા 6 મહિનાથી પોલીસને હાથતાળી આપીને નાસતા-ફરતા ત્રીજા મુખ્ય આરોપી ક્રિશલ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે, કેનાલમાં કૂદીને આત્મહત્યા કરનાર રુષભે પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાને અસહ્ય માનસિક અને શારીરિક ટોર્ચર કરનારા કુલ 4 લોકોના નામ જાહેર કર્યા હતા.

 

આ નામોના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે, જ્યારે ચોથો આરોપી મનીષ ઉર્ફે સ્પેલન્ડર હજુ પણ પોલીસ પકડથી દૂર ભાગતો ફરી રહ્યો છે.

 

આજથી આશરે 6 મહિના પહેલાં ઋષભ પટેલે આરોપીઓના સતત ટોર્ચરિંગ અને ધમકીઓથી કંટાળીને કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ પહેલાં ઋષભે એક વિગતવાર સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પોતાની મજબૂરી અને ચારેય આરોપીઓ દ્વારા ગુજારવામાં આવતા સિતમની આપવીતી વર્ણવી હતી.

 

રુષભના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને આ મામલે ચાલુ વર્ષે 29 જાન્યુઆરીના રોજ પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધી FIR દાખલ કરવામાં આવી હતી.

 

FIR નોંધાયા બાદ તરત જ એક્શનમાં આવેલી પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો હતો અને પ્રાથમિક તપાસમાં જ બે આરોપીઓ મહીપાલ રાઠોડ અને કલ્પેશ ઉર્ફે તલાટીને દબોચી લીધા હતા. જો કે, આ કેસના અન્ય બે મુખ્ય આરોપીઓ ક્રિશલ પટેલ અને મનીષ પટેલ ઉર્ફે સ્પેન્ડર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા.

 

પોલીસની પકડથી બચવા માટે આ બંને આરોપીઓ સતત પોતાના લોકેશન બદલી રહ્યા હતા, જેના કારણે લાંબા સમય સુધી પોલીસ તેમને પકડી શકી ન હતી. આખરે પોલીસે આ બંને વોન્ટેડ આરોપીઓ સામે કોર્ટમાંથી નાસતા ફરતા હોવાનું કાયદેસરનું વોરંટ પણ જાહેર કરાવ્યું હતું.

 

ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપી ક્રિશલ પટેલને કોર્ટમાં રજૂ કર્યો હતો અને ગુનાના મૂળ સુધી પહોંચવા તેમજ ફરાર ચોથા આરોપી અંગે પૂછપરછ કરવા માટે તેના 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જે કોર્ટે મંજૂર રાખી હતી. પોલીસ કસ્ટડીમાં ત્રણ દિવસના રિમાન્ડની મુદત દરમિયાન કડક પૂછપરછ પૂરી થતાં જ કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેને સાબરમતી જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે.

 

આરોપી 6 મહિના સુધી પોલીસની નજરથી બચતો રહ્યો

 

આરોપી પોલીસની નજરથી બચીને અમદાવાદ-ગાંધીનગરમાં ફરતો હતો. આ દરમિયાન પોલીસને એક પાકી અને ચોક્કસ માહિતી મળી હતી કે વોન્ટેડ આરોપી ક્રિશલ પટેલ અગોરા મોલ નજીક કોઈને મળવા માટે આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે અગોરા મોલની આસપાસ સાદા કપડામાં ખાનગી વોચ ગોઠવી દીધી હતી અને જેવો ક્રિશલ ત્યાં પહોંચ્યો કે તરત જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *