ગાંધીનગર જિલ્લામાં અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનારા બાળકોની સંખ્યા ઘટાડવા માટે બેક ટુ સ્કૂલ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તેના બીજા તબક્કામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 77 વિદ્યાર્થીઓને ફરીથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ, 371 વિદ્યાર્થીઓએ કૌટુંબિક દબાણ, ઘરની આર્થિક સ્થિતિ અને ભણવામાં નબળા પરિણામોના કારણે શાળાએ પાછા ફરવાની ના પાડી દીધી હતી.
ગાંધીનગર જિલ્લામાં શાળા છોડી દેનારા બાળકોનું પ્રમાણ ઓછું કરવા માટે અત્યારે બેક ટુ સ્કૂલ નામની યોજના ચલાવવામાં આવી રહી છે. આ સમગ્ર યોજનામાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાષનાધિકારી, દરેક શાળાના પ્રિંસિપાલ અને શિક્ષકો સાથે સાથે સી.આર.સી. અને બી.આર.સી. સેંટરો પણ કાર્યરત હતા.
બધા જ અધિકારી અને શાળાના શિક્ષકો અને પ્રિંસિપાલ ભણવાનું છોડી ચુકેલા યુવાન અને યુવતીઓના ઘરે-ઘરે જઈ અને તેમને શિક્ષણનું મહત્વ સમજાવી અને ફરીથી શાળા તરફ રુખ કરવા મનાવે છે. આ યોજનાના બીજા ભાગ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પોતાનો અભ્યાસ અધૂરો છોડી દેનારા ગાંધીનગર જિલ્લાના કુલ 77 વિદ્યાર્થીઓને રિ-એનરોલ પ્રક્રિયા દ્વારા શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ફરીથી દાખલ થયેલા બાળકોમાં ગાંધીનગર તાલુકાના 59 વિદ્યાર્થીઓ છે, જ્યારે કલોલ તાલુકાના 12 વિદ્યાર્થીઓ, દહેગામ તાલુકાના 4 વિદ્યાર્થીઓ અને માણસા તાલુકાના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન સંપર્ક કરવામાં આવેલા 371 વિદ્યાર્થીઓએ વિવિધ કારણો રજૂ કરીને ફરીથી શિક્ષણ મેળવવાની ના પાડી દીધી હતી.
