વાત 3 મહિના પહેલાની છે. સુરતના હીરા બજારમાં એ દિવસ પણ સામાન્ય દિવસની જેમ જ ઉગ્યો.રોજની જેમ જ વેપારીઓ પોતાની ઓફિસોમાં પહોંચ્યા. પરંતુ માર્કેટમાં એક મોટા સમાચાર ફેલાવા લાગ્યા. આ સમાચાર હતા ડાયમંડ કિંગ ધીરુભાઈ રામાણીના અપહરણના. કોઈએ આ સમાચાર ગંભીરતાથી લીધા.. તો કોઈએ અફવા માની લીધી.પણ જેમ-જેમ સમય પસાર થયો તેમ-તેમ એ સ્પષ્ટ થવા લાગ્યું કે આ માત્ર અફવા નહોતી, એક ભયાનક હકીકત હતી.ધીરૂભાઈ રામાણી. સુરતના હીરા ઉદ્યોગનું જાણીતું નામ. વર્ષો સુધી હીરાના વેપારમાં સફળતા મેળવી તેમણે પોતાના વ્યવસાયનો વ્યાપ પશ્ચિમ આફ્રિકાના માલી દેશ સુધી વિસ્તાર્યો. ત્યાં તેઓ સોનાની ખાણના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ઉંમર ભલે 75 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ સાહસ અને મહેનતનો જુસ્સો હજુ પણ યુવાન જેવો. પણ કહેવાય છે કે જેમ રૂપિયો વધતો ગયો તેમ કેટલાક આંતરરાષ્ટ્રીય માફિયાઓની નજર તેમના ઉપર ફરવા લાગી.
હીરાના વ્યવસાયમાં વૈશ્વિક ઓળખ ઉભી કર્યા પછી તેમણે સોનાની ખાણના ક્ષેત્રમાં મોટું રોકાણ કર્યું હતું. માલીમાં તેઓ ગ્રાઉન્ડ લેવલ પર રહીને સમગ્ર ઓપરેશનની દેખરેખ રાખતા હતા.પરંતુ એક દિવસ અચાનક તેઓ ગુમ થઈ ગયા. તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો પણ હતા. જેમાં એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન હતો. શરૂઆતમાં શું બન્યું તેની સ્પષ્ટ માહિતી કોઈની પાસે નહોતી. પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો, તેમ-તેમ પરિસ્થિતિ વધુ ગંભીર બનતી ગઈ. સુરતમાં રહેતા પરિવારજનો અને વેપારી વર્તુળોમાં ચિંતા વધવા લાગી.
કારણ કે ધીરુભાઈ રામાણી એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોટું નામ. તેમનો પરિવાર અમેરિકામાં રહે છે. ન્યૂયોર્ક સિટીમાં તેમની ‘રામાણી એક્સપોર્ટ’ નામની પેઢી કાર્યરત છે. તેમની ડાયમંડ ફેક્ટરીઓ છે. CBD ડાયમંડ અને જ્વેલરીના શો રૂમ્સ છે. સુરતમાં પણ તેમનું વિશાળ ડાયમંડ નેટવર્ક કાર્યરત છે. તેમના દીકરાઓ અમેરિકાના નાગરિકો છે અને આંતરરાષ્ટ્રીય હીરા બજારમાં પરિવારનું ખૂબ મોટું નામ ધરાવે છે. એટલા માટે આ ઘટના માત્ર એક પરિવાર પૂરતી મર્યાદિત નહોતી. સમગ્ર વેપારી જગતમાં તેની ચર્ચા થવા લાગી. પહેલું તો એ કે ધીરુભાઈ રામાણીનું અપહરણ થઈ ગયાની વાત કોઈના માન્યામાં નહોતી આવતી.
થોડા સમય બાદ પરિવારના સૂત્રોએ એક ગંભીર આશંકા વ્યક્ત કરી.તેમના જણાવ્યા પ્રમાણે, ધીરૂ રામાણી અને અન્ય બે ભારતીયોના ગુમ થવા પાછળ સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ કોઈ મોટી કટ્ટરપંથી સંસ્થાનો હાથ હોઈ શકે છે. પરિવારના નજીકના સભ્યોએ જણાવ્યું હતું કે, અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીયોને મુક્ત કરવા માટે રૂપિયા 100 કરોડની મસમોટી ખંડણીની માંગણી કરી હતી. આ સમાચાર સામે આવતા જ સુરત સહિત સમગ્ર વિશ્વના હીરા બજારમાં ચિંતાનો માહોલ ઊભો થયો.
એકતરફ પરિવાર પર ભારે દબાણ હતું અને બીજીતરફ ઉદ્યોગપતિ સહિત ત્રણ ભારતીયોની જિંદગીનો સવાલ હતો. આ દરમિયાન પરિવારે એક મહત્વની માંગણી કરી. તેમણે અપહરણકારો પાસે પુરાવો માંગ્યો કે ધીરૂ રામાણી અને અન્ય બંને ભારતીયો ખરેખર જીવતા અને સુરક્ષિત છે કે નહીં. તેના જવાબમાં અપહરણકારોએ વીડિયો કોલની વ્યવસ્થા કરી. આ વીડિયો કોલ દરમિયાન પરિવારની સીધી વાતચીત ધીરૂ રામાણી સાથે થઈ. પરિવારે પોતાની આંખે જોયું કે ત્રણેય ભારતીયો જીવતા અને સુરક્ષિત છે. આ પુરાવો મળ્યા પછી પરિવારને થોડી રાહત મળી, પરંતુ સંકટ હજુ ટળ્યું નહોતું. પરિવારે વાટાઘાટોની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી. જેમાં અલકાયદા સાથે જોડાયેલી કટ્ટરપંથી સંસ્થાએ 100 કરોડની ખંડણી માગી.100 કરોડની વાત સાંભળીને પરિવાર પણ ચિંતામાં આવી ગયો. કારણ કે આ રકમ કોઈપણ વ્યક્તિ માટે નાની ન કહેવાય.પરિવાર પાસે ખંડણીની રકમ અંગે વાટાઘાટો કરવા અને ત્રણેય ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. વળી આખી ઘટનામાં પરિવારના સભ્યો કોઈ સરકારી તંત્રની મદદ લેવા માટે પણ તૈયાર નહોતા. પરિવાર આખું ઓપરેશન જાતે જ પાર પાડવા માગતો હતો. તેના માટે સતત વાટાઘાટો ચાલતી રહી અને દિવસો પસાર થતા ગયા. આખરે લાંબી ચર્ચાઓ અને નેગોશિએશન બાદ એક સમાધાન સુધી વાત પહોંચી. ખંડણીખોરોને 44 કરોડ રૂપિયા આપવાનું નક્કી કરાયું.
કહેવાય છે કે આવામાં કોઈપણ વ્યક્તિ સરકારી તંત્રની મદદ લઈ લે. કારણ કે પરિવારને પોતાના સ્વજનનો જીવ તો વ્હાલો હોય જ,, સાથે-સાથે વર્ષોની મહેનત બાદ કમાયેલા રૂપિયા પણ એટલા જ વ્હાલા હોય છે. તેમ છતાં પરિવારે પોલીસ તંત્રની મદદ લીધા વિના 44 કરોડ રૂપિયા ચૂકવ્યા. અને ધીરૂ રામાણી તેમજ તેમની સાથે બીજા બે લોકોને મુક્ત કરાવ્યા.
તેમની મુક્તિ સાથે જ પરિવારનો ત્રણ મહિનાનો ભાર ઉતરી ગયો. અમેરિકાથી લઈને સુરત સુધી પરિવારજનો અને નજીકના લોકોએ રાહતનો શ્વાસ લીધો.સાથે-સાથે વેપારી આલમે પણ રાહતનો શ્વાસ લીધો. કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી આ ઘટના સમગ્ર વેપારી જગત માટે ચિંતાનો વિષય બની ગઈ હતી. ખાસ કરીને એવા સુરતી ઉદ્યોગપતિઓમાં વધુ ફફડાટ હતો, જેમણે સાઉથ આફ્રિકા અથવા અન્ય હાઈ-રિસ્ક દેશોમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ કે માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.
જો કે, આ ઘટનાએ ફરી એકવાર જોખમી દેશોમાં રોકાણ અને વ્યવસાય સાથે સંકળાયેલા સુરક્ષાના પ્રશ્નોને ઉજાગર કર્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, જેમાં માલી જેવા દેશોમાં વધતી અપહરણ અને ગુમ થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ત્યાં કામ કરતા ભારતીયોને ખાસ સાવચેત રહેવાની ચેતવણી આપી હતી. આજે ધીરુભાઈ મોટી રકમ ચૂકવીને મુક્ત થયા છે. પરંતુ આ ઘટનાએ સુરતના મોટા ઉદ્યોગકારોને ચિંતામાં મૂકી દીધા છે. એક કડવી હકીકત પણ અનુભવાઈ કે વિશ્વના કેટલાક દેશોમાં વેપાર અને રોકાણની સાથે સુરક્ષાના જોખમો પણ એટલાં જ મોટા હોય છે.
