GPSC પાસ ઉમેદવારો માટે લોન્ચ થયું ‘અવસર’ મોડ્યુલ, હવે વેઈટિંગ લિસ્ટના યુવાનોને પણ મળશે નોકરી!

Spread the love

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની પરીક્ષા આપતા યુવાનો માટે એક ખુશીના અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર અને જીપીએસસી દ્વારા પરીક્ષા પાસ કર્યા બાદ પણ વેઈટિંગ લિસ્ટ (Waiting List) માં રહી જતા ઉમેદવારો માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ નવી યોજના અંતર્ગત ઉમેદવારો માટે ખાસ ‘અવસર’ મોડ્યુલ (Avsar Module) લોન્ચ કરવામાં આવ્યું છે, જે લિસ્ટમાં રહી ગયેલા યુવાનોને અન્ય વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડવામાં મહત્વનું માધ્યમ બનશે.આ મોડ્યુલનો મુખ્ય હેતુ એ છે કે વર્ગ 1 અને 2 ની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા હોવા છતાં જગ્યાના અભાવે સરકારી નોકરીથી વંચિત રહી ગયેલા તેજસ્વી ઉમેદવારોની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થઈ શકે. આ મોડ્યુલ અંતર્ગત હવે જીપીએસસી પાસ ઉમેદવારોની વિગતો વિવિધ જાહેર સાહસો એટલે કે સરકારી કંપનીઓ તેમજ પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓ સુધી પહોંચાડવામાં આવશે. જેનાથી આ કંપનીઓ સીધા જ લાયક ઉમેદવારોનો સંપર્ક કરીને તેમને સારી નોકરીની ઓફર આપી શકશે.

 

GPSC-OJAS પોર્ટલ પર આપવાની રહેશે પૂર્વ સંમતિ

 

આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને સુરક્ષિત રાખવામાં આવી છે. લાયક ઉમેદવારોએ આ સુવિધાનો લાભ લેવા માટે સત્તાવાર GPSC-OJAS પોર્ટલ પર જઈને પોતાની ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. ઉમેદવારની પૂર્વ સંમતિ વગર કોઈપણ માહિતી શેર કરવામાં આવશે નહીં. સુરક્ષાના ભાગરૂપે, ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી વેરિફિકેશન (OTP Verification) થયા બાદ જ સંમતિ પ્રક્રિયા પૂર્ણ ગણાશે. સંમતિ આપ્યા બાદ જ ઉમેદવારનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી અને શૈક્ષણિક લાયકાત જેવી વિગતો સંબંધિત કંપનીઓ સાથે શેર કરાશે.

 

છેલ્લા 5 વર્ષના ઉમેદવારોને પણ મળશે આ ‘અવસર’

 

આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો લાભ માત્ર વર્તમાન ભરતીના જ નહીં, પરંતુ છેલ્લા 5 વર્ષમાં લેવાયેલી વર્ગ 1-2 ની ભરતી પ્રક્રિયાના વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોને પણ મળવાપાત્ર રહેશે. અહીં એ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે GPSC માત્ર એક ડિજિટલ માધ્યમ તરીકે કામ કરશે. ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા, ઇન્ટરવ્યુ લેવા કે નોકરી આપવાની આખરી જવાબદારી જે-તે રસ ધરાવતી સરકારી કે ખાનગી સંસ્થાની પોતાની રહેશે. આ નિર્ણયથી ગુજરાતના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનોને મોટો ટેકો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *