ઘરે પહોંચે એ પહેલા કાળ ભેટી ગયો, બે મિત્રો પર રોડ રોલર ફરી વળ્યું, બંનેના મોત, રાજકોટ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

Spread the love

રાજકોટ શહેર અને શહેરની ભાગોળે જાણે જીવલેણ અકસ્માતની હારમાળા સર્જાઈ હોય તેમ રોજ બરોજ બનતા બનાવોને જોઈ લાગી રહ્યું છે, છેલ્લા ચાર દિવસમાં ત્રણ અકસ્માતના બનાવમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, ચારેક દિવસ પહેલા માધાપર ચોકડી પાસે ડમ્પરના જોટામાં બાઈક ચાલક કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેના બે દિવસ બાદ ગઈકાલે રૂડા બિલ્ડીંગ નજીક ટ્રકની ઠોકરે મહિલા અને યુવકનું મોત નીપજ્યાની ઘટના હજુ તાજી છે ત્યાં આજે શાપર પાસે વધુ એક અકસ્માતમા બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે, હાઇવે પર કામ કરતા રોડ રોલર બાઈક ઉપર ફરી વળતા બાઈક સવાર બંને યુવકના ગંભીર ઇજા થવાથી મોત થયાનું સામે આવ્યું છેબનાવની મળતી વિગત મુજબ શહેરના આણંદપર(નવાગામ)માં રહેતા બળદેવ ખોડાભાઈ સેજાણી (ઉં.વ.18) અને જતિન છગનભાઈ સરવૈયા (ઉં.વ.18) બંને મિત્રો આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં શાપર વેરાવળ ગુંદાસર રોડ ઉપરથી બાઈક હંકારીને જઈ રહ્યા હતા. ત્યારે હાઇવે પર કામ કરતા રોડ રોલરના ચાલકે બાઇકને અડફેટે લેતા બંને રોડ ઉપર પટકાતા રોડ રોલર ફરી વળ્યું હતું. જેમાં બંને યુવકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ જતા રોડ રોલર મૂકી ચાલક નાશી છૂટ્યો હતો અને કોઈએ 108ને જાણ કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવકમાંથી એકને ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જ્યારે બીજા યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડતા ત્યાં દમ તોડી દીધો હતો.

 

બનાવ અંગે બંને યુવકોના પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતા અને યુવાન પુત્રોના નિષ્પ્રાણ દેહ જોઈ હૈયાફાટ રુદન કર્યું હતું. મૃતક બળદેવ બે ભાઈ અને બે બહેનમાં મોટો હતો. જયારે જતિન બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. તેના પિતા હયાત નથી, બંને શાપરના અક્ષર ક્લાસિક કોમ્પ્યુટરમાંથી ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. ઘટનાને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અજાણ્યા રોડ રોલરના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *