ગુજરાતના યુવાનો માટે ખુશખબર! GIFT સિટીમાં HCL Techનું Global Technology Centre શરૂ

Spread the love

ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી અને આઈટી હબ બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર થયું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT City) ખાતે દેશની અગ્રણી આઈટી કંપની HCL ટેકના નવનિર્મિત ‘ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટી અને રાજ્યના આઈટી ક્ષેત્રના વિકાસ માટે આ સેન્ટરને અત્યંત મહત્વનું ગણાવતા મહાનુભાવોએ આશા વ્યક્ત કરી કે, આ પહેલ ગુજરાતને ગ્લોબલ આઈટી મેપ પર વધુ મજબૂત સ્થાન અપાવશે.

 

સ્થાનિક યુવાધનને રોજગારી અને ‘કમ બેક હોમ’ પહેલની સરાહના

 

સામાન્ય રીતે મોટી આઈટી કંપનીઓ પ્રોજેક્ટ્સ માટે અન્ય રાજ્યોમાંથી મેનપાવર લાવતી હોય છે પરંતુ, HCL ટેક અહીં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની અને સ્થાનિક ભાગીદારોને પ્રોત્સાહન આપવાની વિશેષ નીતિ પર કામ કરી રહી છે, જે ગુજરાતના યુવાધનને આત્મનિર્ભર બનાવશે. આ કાર્યક્રમ દરમિયાન કંપનીની ‘કમ બેક હોમ’ પહેલની ખાસ સરાહના કરવામાં આવી હતી.

આ અનોખી પહેલ અંતર્ગત બેંગલુરુ, પુણે, હૈદરાબાદ તેમજ અમેરિકા જેવા વૈશ્વિક આઈટી હબ્સમાં કાર્યરત ગુજરાતના પ્રતિભાશાળી યુવાનોને પોતાના વતનમાં પરત લાવી રોજગારીની ઉત્કૃષ્ટ તકો અપાશે. આના કારણે હવે ગુજરાતી યુવાનો પોતાના પરિવાર સાથે રહીને ગિફ્ટ સિટીમાંથી જ આંતરરાષ્ટ્રીય સ્તરની કારકિર્દી બનાવી શકશે.

 

100 કર્મચારીઓથી શરૂઆત અને અદ્યતન AI લેબની સ્થાપના

 

પ્રારંભિક તબક્કે આ ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરમાં 100 કર્મચારીઓની ટીમ સાથે વિધિવત કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના સ્થાનિક ગુજરાતી યુવાનોનો જ સમાવેશ કરાયો છે. HCL ટેકે આ સેન્ટરમાં ફાઇનાન્સ IT સેવાઓ ઉપરાંત ભવિષ્યની ટેકનોલોજી માટે ગેમ-ચેન્જર ગણાતી અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબની પણ સ્થાપના કરી છે. હાલ બે ફ્લોરથી શરૂ થયેલું આ સેન્ટર આગામી સમયમાં વધુ વિસ્તરણ કરશે અને ભવિષ્યમાં ગુજરાતમાં કંપનીનું વધુ મોટું યુનિટ સ્થાપિત થાય તેવી સંભાવનાઓ છે.

ઉજ્જડ ભૂમિમાંથી વિશ્વસ્તરીય ટેકનોલોજી હબ બન્યું ગિફ્ટ સિટી

 

ગિફ્ટ સિટીના અભૂતપૂર્વ વિકાસનો ઉલ્લેખ કરતાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે, એક સમયે જે સ્થળ ઉજ્જડ ભૂમિ ગણાતું હતું તે આજે વિશ્વસ્તરીય ફાયનાન્સિયલ અને ટેકનોલોજી હબ તરીકે ઉભરી આવ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું ગિફ્ટ સિટીનું સપનું આજે હકીકતમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે અને વૈશ્વિક કંપનીઓ અહીં આકર્ષાઈ રહી છે. આ ગૌરવપૂર્ણ લોકાર્પણ પ્રસંગે HCL ટેકના વરિષ્ઠ અધિકારીઓ વિજયકુમાર, રાહુલ સિંહ, સંજય કૌલ સહિત આઈટી ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવા પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *