વિકાસ સાથે સાથે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારના નાગરિકોને લાંબુ આયુષ ધરાવતાં વૃક્ષોનું વાવેતર કરી, તેનું જતન કરી, ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાનું આહૂવાન, આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જિલ્લાના રૂપિયા ૨૫ કરોડથી વધુના વિકાસ કામોનું ઇ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે કર્યું હતું.
જયાં જયાં ભગવાન જગન્નનાથનું મંદિર હશે, ત્યાં અન્નક્ષેત્ર સદા ચાલુ હશે, આજે મને અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે વાતનો આનંદ વ્યક્ત કરી, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ઉમેર્યું હતું કે, ત્યારબાદ મને પશુ-પક્ષી સહિત કોઇ માનવી ભુખ્યો ન સૂવે તેવી આપણી સંસ્કૃતિ – પરંપરાને આજે પણ જીવંત રાખનાર નારદીપુર ગામમાં મને આવવાનું થયું છે. તેનો મને હરખ છે, તેવું કહી ગામ સાથે જોડાયેલી પોતાની જુની યાદોને તેમણે તાજી કરી હતી.
રૂપિયા ૧ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ થનાર નારદીપુર ગામના તળાવનું ખાતમુહૂર્ત કરી, ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી ખબર અંતર પૂછનાર કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે કહ્યું હતું કે, મને આનંદ છે કે ગામના તમામ નાગરિકોએ એક કે બે ડોઝ કોરોનાની રસીના લીધા છે. તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારને કોરોના મુક્ત બનાવવા માટે રસીકરણની ઝુંબેશને વધુ સઘન બનાવવા અને લોકોમાં વ્યાપેલી કોરોનાની રસી અંગેની અંધશ્રદ્ઘા ને દૂર કરવા ગામના અગ્રણીઓ અને જાગૃત નાગરિકોને અપીલ કરી હતી.
હું સમગ્ર દેશના વિવિધ પ્રાંતમાં ફર્યો છું, પણ ત્યાં કરતા ગુજરાત રાજયમાં વિકાસ વધુ થયો છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ- ૨૦૨૪ સુધીમાં ગાંધીનગર સંસદીય વિસ્તારમાં આવતો ગામોનો કેવો વિકાસ કરવો તેનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સરકારની એક પણ યોજનાના લાભ વગર કોઇ લાભાર્થી બાકી ન રહી જાય તે કાર્યને વધુ વેગવંતુ બનાવવા માટે સર્વે અગ્રણીઓને
( પાના નંબર – ૨ )
( પાના નંબર – ૨ )
ભારપૂર્વક જણાવ્યું હતું. આજે ગાંધીનગરના તમામ ધરમાં શૌચાલય છે, ઉજ્જવલા યોજના અંતર્ગત એક વર્ષમાં એકપણ ઘર ગેસ કનેકશન વિનાનું નહી હોય તેવો ર્દઢ આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. નલ સે જલ યોજના અંતર્ગત જેમ દરેક ઘરને નળથી પાણી, વીજળી મળે છે, તેમ એક પણ ઘરનો સભ્ય કોરોનાની રસી વગર બાકી ન રહે તે માટે તમામ ગામના સરપંચ, મોભી અને અગ્રણીઓને અપીલ કરી હતી.
નારદીપુર ગામમાં કોઇ જન ભુખ્યો ન સૂવે તેવી ભાવના છે, તેવું કહી તેમણે કહ્યું હતું કે, દેશમાં છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, ત્યારે આગામી દિવાળી સુધી દેશના ૮૦ કરોડ નાગરિકોને મફત અનાજ આપવાની દેશના વડાપ્રધાનશ્રીએ વ્યવસ્થા કરી છે. આ અનાજ સાચા લાભાર્થીને મળે તેમજ કોરોનાની રસી લેવામાં કોઇ તકલીફ પડે તો તે અંગેની જાણ પોતાના સંસદીય મત વિસ્તારના કોઇપણ નાગરિકે સંપર્ક નંબર – ૭૩૮૩૪ ૭૩૮૩૪ પર ફોન કરવા પણ જણાવ્યું હતું.
કોરોના કાળમાં અનેક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેનું દુ:ખ વ્યક્ત કરીને કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના કપરા કાળમાં ૧૦ ગણો ઓક્સિજન દરેક જગ્યાએ પહોંચે તેવી સુચારું વ્યવસ્થા કરી હતી.
તેમણે નારદીપુર ખાતે નવીનીકરણ થનાર તળાવ કેવું હશે, તેની ઝલક રજૂ કરી કહ્યું હતું કે, ગામનું તળાવ નારદીપુર ગામનું ધબકતું હદય બનાવવું જોઇએ. આ જવાબદારી આપણા સૌની છે. ગાંધીનગર સંસદીય વિસ્તારના તમામ ગામનો વિકાસ કરવામાં આવશે, તેવું આત્મવિશ્વાસ સાથે જણાવી તેમણે કહ્યું હતું કે, હું પાંચ વર્ષ પછી મત માંગવા આવીશ, ત્યારે કરેલા કામોનો પાકો હિસાબ લઇ આવીશ.
અષાઢી બીજના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ રાજય ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી થયા બાદ પણ અમિતભાઇ શાહે પોતાના મત વિસ્તારના નાગરિકોની ચિંતા કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની જોડી, દેશમાં આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં નક્કર આયોજન સાથે આગળ જઇ રહ્યા છે. તેમણે પોતાના સંસદીય મત વિસ્તારને હરિયાળી લોકસભા વિસ્તાર બનાવવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે.
જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને નારદીપુર ગામની રસપ્રદ વાતો કહી આજે લોકાર્પિત થનાર વિકાસ કામોની ઝલક રજૂ કરી હતી. જે અનુસાર ગાંધીનગર તાલુકામાં રૂપિયા ૨૦ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા ૬ કામોનું ઇ- લોકાર્પણ અને રૂપિયા ૧૦ લાખથી વધુના ખર્ચે થનાર ૪ વિકાસ કામોનું ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કલોલ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ૧૫ કરોડના ખર્ચે થનાર ૪ વિવિધ વિકાસ કામોનું ઇ- ખાતમુહૂર્ત અને ૫ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવેલા ૩ વિકાસ કામોનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ૪ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બે વિકાસ પથનું પણ ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ગામના તળાવનું ખાતમુહૂર્ત કર્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે તળાવના કિનારે વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું. તેમણે તળાવના નવીનીકરણમાં શું શું કરવામાં આવશે, તેની વિગતો મેળવી હતી. તેમજ તળાવથી મુખ્ય કાર્યક્રમ સુધી ચાલતા ચાલતા આવી ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે ગામના વડીલો તથા યુવાનો સાથે વાતચીત કરી હતી. કોરોનાની રસી તેઓએ લીધી કે નહિ, તેની માહિતી પણ મેળવી હતી.
કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી સુરભિ ગૌતમે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉર્વશીબેન પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ,કલોલ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી નવીનભાઇ પટેલ, નારદીપુર ગામના સરપંચ શ્રી ચંદ્રિકાબેન પટેલ સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.