એક જ પરિવારના 7 લોકોના મોત, વતન દાહોદમાં આક્રંદ; મુખ્ય આરોપી મેહુલ ડોડીયા સાબરમતીથી ઝડપાયો

Spread the love

 

Vastral Fireworks Factory Blast FIR: અમદાવાદ શહેરમાં ગઈકાલે એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક આગ લાગ્યા બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં કુલ 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ચકચારી ઘટના અંગે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે પત્રકાર પરિષદ યોજીને તપાસની વિગતો જાહેર કરી છે.પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં સૌથી વધુ પ્રભાવિત દાહોદના સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામનો શ્રમિક પરિવાર થયો છે. ગણેશ ચતુર્થીના તહેવાર માટે ફટાકડા બનાવવાનો ઓર્ડર મળ્યો હોવાથી, છેલ્લા 20 થી 25 દિવસથી જ દાહોદ તરફથી શ્રમિકો લાવીને અહીં કામ શરૂ કરાયું હતું. બ્લાસ્ટમાં એક જ પરિવારના 7 લોકોના કાળમુખા મોતના સમાચારથી વતન દાહોદમાં માતમ છવાઈ ગયો છે.મૃતકોમાં 35 વર્ષીય રમીલાબેન ભરતભાઈ અને તેમના 7, 5, 4 તેમજ 3 વર્ષના માસૂમ બાળકો (રીંકુબેન, શિવાનીબેન, રવિનાબેન અને નીરવકુમાર) શામેલ છે. જ્યારે ભરતભાઈ વરસીંગભાઇ ચારેલ ગંભીર રીતે દાઝી જતાં હાલ સારવાર હેઠળ છે. વતનમાં એકસાથે અર્થીઓ ઉઠતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અંતિમ સંસ્કાર સમયે મામલતદાર અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો: પરવાનગી વગર ગેરકાયદે ધમધમતી હતી ફટાકડા ફેક્ટરી, 3 સામે ગુનો નોંધી 1ની ધરપકડ

 

2014ના ગુનાહિત ઇતિહાસનું પુનરાવર્તન

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરી મેહુલ ડોડીયા નામનો શખ્સ ચલાવતો હતો અને તેની માતા રમીલાબેન તેનું સંચાલન કરતી હતી, જ્યારે સાદિક નામનો વ્યક્તિ તેનો ભાગીદાર છે. આ જગ્યાનો ઇતિહાસ પણ કાળો રહ્યો છે. વર્ષ 2014માં પણ જ્યારે રમીલા અહીં ફેક્ટરી ચલાવતી હતી, ત્યારે આગ લાગી હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું. એ સમયે રમીલાના નામે લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ સુધરવાને બદલે દીકરા મેહુલના નામે ફરી લાયસન્સ પ્રક્રિયા શરૂ કરીને આ કાળો કારોબાર ચાલુ રાખવામાં આવ્યો હતો.

 

ફાયર NOC વગર ગેરકાયદેસર કામકાજ અને પોલીસ એક્શન

પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, ફટાકડા ફેક્ટરીના લાયસન્સ માટે ફાયર એન.ઓ.સી. (NOC), જમીનની યોગ્ય ચકાસણી અને સ્કેચર સર્ટિફિકેટ જેવા કાયદાકીય દસ્તાવેજો જરૂરી હોય છે, જે આ કેસમાં નેવે મૂકવામાં આવ્યા હતા. કામદારોનો કોઈ ઈન્સ્યોરન્સ પણ લેવાયો નહોતો અને ગેરકાયદેસર રીતે મજૂરો લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં જમીન માલિકની સંડોવણી પણ સામે આવી છે.

 

ખાદ્યતેલના ભાવમાં ભડકો! છેલ્લા 15 દિવસમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 165થી 155 રૂપિયાનો વધારો ઝીંકાયો!

 

બ્લાસ્ટ વખતે મુખ્ય આરોપી મેહુલ ત્યાં હાજર હતો પરંતુ તે પોતે પણ ઇજાગ્રસ્ત થતા ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેણે તપાસ કરવા માટે તેના એક મિત્રને મોકલ્યો હતો. અમદાવાદ શહેર પોલીસની 15 ટીમો તેની પાછળ લાગી હતી અને અંતે તેને સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધી 2 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. રામોલ વિસ્તારમાં આવેલી 13 ફટાકડા ફેક્ટરીઓમાંથી નિયમોના ભંગ બદલ 12 ફેક્ટરીના લાયસન્સ કેન્સલ કરાયા છે. હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે સંકલન સાધીને આવી તમામ ગેરકાયદેસર ફેક્ટરીઓ પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *