સ્ટેનલેસ સ્ટીલની નવીન પ્રોડક્ટ્સ અને હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રે થઈ રહેલાં આધુનિક સંશોધનોના વૈશ્વિક પ્રવાહોથી અવગત થતાં મુખ્યમંત્રીશ્રી
*કિચનવેર, ક્રોકરી અને હોમ એપ્લાયન્સિસ ઉદ્યોગના B2B ટ્રેડ પ્રદર્શનમાં દેશભરમાંથી ૧૦૦થી વધુ સ્ટોલધારકો જોડાયા*
******
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026’ની મુલાકાત લીધી હતી.
શ્રી પટેલે પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને દેશભરમાંથી આવેલા પ્રદર્શકો, ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકો પાસેથી તેમના ઉત્પાદનો વિશેની જાણકારી મેળવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ B2B ટ્રેડ એક્ઝિબિશનમાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી કિચનવેર, ક્રોકરી અને હોમ એપ્લાયન્સિસ ઉદ્યોગના આશરે ૧૦૦થી પણ વધારે અગ્રણી ઉત્પાદકો જોડાયા છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રદર્શનમાં રજૂ કરાયેલી નવીન પ્રોડક્ટ્સ અને હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રે થઈ રહેલાં આધુનિક સંશોધનોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું તેમજ વૈશ્વિક પ્રવાહોથી અવગત થયા હતા.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને મજબૂત, સ્માર્ટ અને આત્મનિર્ભર બનાવી એક વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો છે. જેમાં ઇનોવેશન, ગ્રીન સ્ટીલ ટેકનોલોજી, MSMEને સમર્થન, નિકાસમાં વૃદ્ધિ અને રોજગાર સર્જન જેવાં મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તા. ૨૦ જુલાઈ સુધી યોજાનારા આ ચાર દિવસીય પ્રદર્શનમાં દેશ-વિદેશની ૫૦૦થી વધુ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનાં ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. જેના પરિણામે દેશભરના ટ્રેડ વિઝિટર્સ દ્વારા મોટા પાયે બલ્ક ઓર્ડર અને બિઝનેસ નેટવર્કિંગની તકો સર્જાઈ છે.
આ પ્રસંગે યોગેશભાઈ અગ્રવાલ, જયંતીભાઈ સરધારા, અશોક ભણસાલી, પ્રકાશ સંઘવી, નરેન્દ્ર દિવાકર, દિનેશ સેન, દિવ્યાંશ અગ્રવાલ સહિત વિવિધ અગ્રણી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપનીના પ્રતિનિધિઓ તેમજ રિટેલર્સ ઉપસ્થિત રહ્યા હતા.
